Business

અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી

1265 લોકોની વસતી ધરાવતા મોતાલી ગામમાં 73.45 ટકા લોકો સાક્ષર, મોતાલી ગ્રામ પંચાયતમાં લાઈટની બચત માટે સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપલબ્ધ

અંકલેશ્વર તાલુકાથી 7 કિ.મી. અને ભરૂચથી 11 કિમી દૂર આવેલું મોતાલી ગામ અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું ગામ છે. મોતાલી ગામની બાજુમાં નેશનલ હાઈવે પસાર થાય છે. ગામડું ભલે નાનકડું પણ આજે પણ ખૂબ જ ખડતલ અને મજબૂત છે. ભરૂચ જિલ્લામાં નવા બનનારા અમરતપુરા એરપોર્ટની બિલકુલ બાજુમાં આવેલા મોતાલી ગામનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ ગામમાં દરેકને કામ કરવાની ખેવના ભરપૂર છે. અહીંના ખેડૂતો પણ મહેનતકશ છે. આ ગામની કોલેજિયન દીકરીઓએ ગયા વર્ષે કલામહાકુંભ (ઓપન વિભાગ)માં લગ્નગીતમાં સૂર અને લય સાથે સુંદર ગીત ગાઈને બીજા ક્રમ સાથે રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. મોતાલી ગામના સરપંચ પણ સૌને સાથે લઈ કામ કરતા હોય છે. સતત પંદર વર્ષથી તેમના જ પરિવારમાંથી મોતાલી ગામનાં સરપંચ પદે સેવા મળે છે. તેઓ મળવા જેવા માણસ છે. મોતાલી ગામનો હોનહાર ખેલાડી રાજ્ય કક્ષાએ ગોળાફેંકમાં રમી આવ્યો છે. મોતાલી ગ્રામ પંચાયતમાં લાઈટની બચત માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડાઈ છે. મોતાલી ગામમાં 100 ટકા વિધવા બહેનોને પેન્શન મળે છે. તેમજ આયુષ્યમાન કાર્ડ પણ 100 ટકા હોવાથી આરોગ્યની સેવા મફત મળતી થઇ છે. મોતાલી ગામમાં સાત સખીમંડળો દ્વારા બ્યુટીપાર્લર, સિવણ કામ સહિત પશુપાલન અને નર્સરીનું કામ કરવામાં આવતું હોવાથી આજીવિકાનું સાધન મળી રહે છે. સાત સખીમંડળમાં 70 બહેન સક્રિય છે. જેને કારણે અગાઉ રૂ.7.50 લાખનું VO ફંડ સખીમંડળોને સરકારે આપ્યું છે અને સક્રિય મંડળને દર વર્ષે હવે રૂ.20 હજાર રિવોલ્વિંગ ફંડ મળે છે. પહેલા માંડ રૂ.5 હજાર આપતા હતા, એ હવે વધારાયા છે.

મોતાલી ગ્રામ પંચાયતના પદાધિકારીઓ
 સરપંચ-રણજીતભાઈ બારોટભાઈ વસાવા
 ઉપસરપંચ-વિકાસકુમાર રજનીકાંતભાઈ પટેલ
 સભ્ય-સંગીતાબેન પ્રવીણભાઈ વસાવા
 દિવ્યાબેન અક્ષયકુમાર વસાવા
 જશોદાબેન શાંતિલાલ વસાવા
 સોનાબેન કાલીદાસભાઈ વસાવા
 કિરીટભાઈ નારણભાઈ વસાવા
 ચેતના નીલેશભાઈ વસાવા
 સુનીલભાઈ ભયલાલભાઈ વસાવા
 તલાટી કમ મંત્રી-દેવેન્દ્રસિંહ.સી.ચૌહાણ
 VCE-કિશનકુમાર.કે.વસાવા

જુદી માટીના માનવી એટલે મોતાલીના સરપંચ રણજીતભાઈ વસાવા
મોતાલી ગામના સરપંચ પદે 55 વર્ષીય રણજીતભાઈ બારોટભાઈ વસાવા છે. જીવનમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો. વસાવા દંપતી છેલ્લી ત્રણ ટર્મથી સરપંચ તરીકે મોતાલીમાં જવાબદારી નિભાવે છે. મોતાલી ગામમાં કોઈનો સુખ અને દુઃખનો પ્રસંગ હોય તો તેઓ ખડેપગે હાજર રહે છે. રણજીતભાઈ વસાવાનો કિસ્સો જાણવા જેવો છે. તેમણે યુવાની કાળમાં જ હેવી વ્હીકલમાં ડ્રાઈવિંગમાં માંડ સામાન્ય પગારે નોકરી કરવું પડ્યું હતું. સાથે તેમના પિતાજીની સાથે ખેતીકામ પણ કર્યું. કોઈને પણ મદદ કરવાની તેમની ભાવના જોઈને વડીલો પણ કહેતા કે, આ છોકરાનું (રણજીતભાઈ વસાવા) ભાવિ ઉજ્જવળ હશે અને ગામનો ટેકો બનશે. વર્ષ-2013માં મોતાલી ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ત્યારે રણજીતભાઈ વસાવા સરપંચ પદે ઊભા રહ્યા અને સૌનું સમર્થન મળ્યું. મોતાલી ગામના સરપંચ તરીકે આરૂઢ થતાં સૌનાં નાનાં-મોટાં કામો કરવા માંડ્યાં. સાથે સુખ-દુઃખનાં કામ માટે તેમની હાજરી અવિરત રહેતી હતી. જેને લઈ મોતાલી ગામમાં તેમની અજોડ ઓળખ ઊભી થઇ. સાથે ગામડાનાં વિકાસનાં કામો કરવા માંડ્યા. વર્ષ-2017 ફરીવાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં તેમનાં પત્ની ઊર્મિલાબેન રણજીતભાઈ વસાવા સરપંચ પદે ઊભા રહ્યા. જો કે, સૌનાં સહયોગથી “સમરસ ગ્રામ પંચાયત” બની હતી અને સરકારમાંથી અઢી લાખનો પુરસ્કાર ગામને મળ્યો. તેમની મુદત પૂરી થયા બાદ થોડો સમય વહીવટદાર રહ્યા હતા.
બાદ ગત ઓગસ્ટ-2025માં મોતાલી ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં સરપંચ પદે ફરીવાર રણજીતભાઈ વસાવા ચુંટાઈ આવ્યા હતા. સતત ત્રીજી ટર્મમાં વસાવા દંપતીએ મોતાલીને વિકાસ તરફ દોર્યું હતું. હમણા સુધીમાં રોડ, પેવર બ્લોક, ટાંકી, પાણીની પાઈપલાઈન સહિત લગભગ 5 કરોડનાં કામો કર્યાં છે. આ સાથે ગામની સલામતી માટે રૂ.5 લાખના CCTV કેમેરા મંજૂર કરાવ્યા છે. રૂ.7.50 લાખના RO પ્લાન્ટ અને ડોર ટુ ડોર કચરો મેળવવા માટે બે ટ્રેક્ટર પણ મંજૂર કરાવ્યાં છે. હજુ ગામમાં સારા કામ કરવા માટે તેઓ તત્પર છે. હાલમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી તેમના શિરે છે. તેમણે 62.30 લાખનો રોડ અને અમરાવતી નદી પર 6 કરોડનો બ્રિજ પણ મંજૂર કરાવ્યો છે. જેનાં કામ ટૂંક સમયમાં ચાલુ થશે.
સરપંચ રણજીતભાઈ વસાવા કહે છે કે, ગામને તમામ સુવિધા મળે એ માટે પ્રયાસ કરું છું. અમારી ગ્રામ પંચાયત “ઈ-ગ્રામ” હોવાથી નકલો અને દાખલા પણ તમામ નાગરિકને સરળતા રહે છે. મોતાલી ગામના લોકોના સહકારથી જ આ શક્ય બન્યું છે. હજુ કેટલાંક બાકી રહેલાં કામો કરીશું. ગ્રામ પંચાયતના દ્વાર સૌ માટે હંમેશાં ખુલ્લા છે. જેથી કોઈને કોઈ તકલીફ ન પડે.

મોતાલી પ્રાથમિક શાળામાં નાનકડાં બાળકો આંગણીના ટેરવે કોમ્પ્યુટરમાં ડ્રોઈંગ અને અંગ્રેજી અક્ષર જ્ઞાન શીખતા નજરે પડે છે.

Most Popular

To Top