વિશ્વમાં જ્યારથી કોરોના મહામારી ત્રાટકી છે, ત્યારથી ફરજિયાત વેક્સિન બાબતમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે ભારતમાં કાયદા દ્વારા વેક્સિન ફરજિયાત બનાવવામાં આવી નથી; તો પણ રાજ્ય સરકારો દ્વારા એક યા બીજા પ્રકારે નાગરિકો પર વેક્સિન લેવા બાબતમાં દબાણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં કે સુરતના બગીચાઓમાં પગ મૂકવો હોય તો પણ વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારના આ જાતજાતના કાયદાઓને કારણે જે નાગરિકો પ્રારંભમાં વેક્સિન લેવા તૈયાર નહોતા, તેમને પણ વેક્સિન લેવાની ફરજ પડી છે. ભારત સરકાર દ્વારા વેક્સન લેવા માટે જે જાતનું દબાણ નાગરિકો પર કરવામાં આવી રહ્યું છે, તેવું જ દબાણ દુનિયાના અનેક દેશોમાં ચાલી રહ્યું છે. આજે દુનિયાના ૨૨ દેશોમાં ફરજિયાત વેક્સિન, ફરજિયાત માસ્ક અને લોકડાઉન સામે આંદોલનો ચાલી રહ્યાં છે, પણ તેમાં કેનેડામાં ચાલતું આંદોલન આખી દુનિયાના ધ્યાનનું કેન્દ્ર બન્યું છે.
કેનેડાની આજીવિકા મોટે ભાગે અમેરિકા સાથે જોડાયેલી છે. કેનેડામાંથી મોટા પાયે અનાજ, કઠોળ, ફળો અને શાકભાજીની અમેરિકામાં નિકાસ થાય છે, જેના પર કેનેડાનું અર્થતંત્ર ચાલે છે. આ હેરફેર મોટા ભાગે ટ્રકો દ્વારા થતી હોય છે. તાજેતરમાં કેનેડાની સરકારે કાયદો કર્યો કે જે ટ્રક ડ્રાઇવરોએ રસી નહીં લીધી હોય તેઓ સરહદ પાર કરીને અમેરિકા જઈ શકશે નહીં. આ કાયદાનો અમલ તા. ૧૫ જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અમેરિકા દ્વારા તા. ૨૧ જાન્યુઆરીથી તેવા જ પ્રકારના કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. કેનેડાના ૧૮ ટકા ટ્રક ડ્રાઇવરો શીખ છે, જેઓ વિવિધ કારણોસર વેક્સિન લેવામાં માનતા નથી. આવા ૫૦,૦૦૦ ટ્રક ડ્રાઇવરોએ વેક્સિન કાયદાના વિરોધમાં ઓટ્ટાવાના રસ્તા જામ કરી દીધા હતા. ટ્રક ડ્રાઇવરોના આંદોલનથી ડરી ગયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટુડ્રો સલામત સ્થળે નાસી ગયા હતા.
કોરોનાની વેક્સિન લેવાથી કોરોના નહીં થાય, તેની કોઈ ગેરન્ટી નથી. આજની તારીખમાં દેશમાં જેટલા લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે, તેમાંના ૯૦ ટકા વેક્સિન લેનારા છે. નિષ્ણાતો એમ કહેતા હતા કે કોરોના વેક્સિન લેનારને કોરોના તો થશે, પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહીં પડે. કદાચ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેનું મોત નહીં થાય. આ બાબતમાં પણ નિષ્ણાતો ખોટા પુરવાર થઈ રહ્યા છે. જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેમાંના બહુમતી લોકો વેક્સિન લેનારા હોય છે; એટલું જ નહીં, જેટલાં મરણ થાય છે, તેમાંના બહુમતી પણ વેક્સિન લેનારા હોય છે.
જ્યારે દુનિયામાં વેક્સિનની ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારે નિષ્ણાતો કહેતા હતા કે જ્યારે દેશના ૭૦ ટકા લોકોને વેક્સિન આપી દેવામાં આવશે ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવી જશે અને તે પછી કોરોના વાયરસ નકામો બની જશે. ભારત જેવા દેશના ૭૫ ટકા પુખ્ત વયના લોકોને વેક્સિનના બે ડોઝ અપાઈ ગયા પછી હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે, પણ સરકાર વેક્સિનની ઝુંબેશ બંધ કરવા તૈયાર નથી. હજુ પણ વેક્સિનના બે ડોઝ ન લેનારા ૨૫ ટકા નાગરિકો ઉપર જાતજાતનાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ કરવામાં આવી તેમાં વેક્સિનના બે ડોઝ લેનારાને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કેનેડામાં તો પુખ્ત વયના આશરે ૮૦ ટકા નાગરિકોને વેક્સિનના બે ડોઝ અને ૮૫ ટકા નાગરિકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. તદુપરાંત ૪૫ ટકા નાગરિકો તો વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ પણ લઈ ચૂક્યા છે. આટલું કર્યા પછી પણ કેનેડાની સરકાર દ્વારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત વેક્સિનેશન વગેરે નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં નથી, જેને કારણે નાગરિકો કંટાળીને લાખોની સંખ્યામાં રસ્તા પર આવી ગયા છે. કેનેડાના ૮૦ ટકા ટ્રકરો પણ વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે, પણ જે ૨૦ ટકા ટ્રકરો બે ડોઝ કે એક પણ ડોઝ લઈ ચૂક્યા નથી, તેઓ સંગઠિત થઈને રસ્તા પર ઊતરી આવ્યા છે. તેમને કેનેડાની સરહદ પાર કરતાં અટકાવવામાં આવ્યા તે પછી તેઓ આશરે ૨૦,૦૦૦ ટ્રકો લઈને કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ઊતરી આવ્યા છે. તેમણે કેનેડાની સંસદને ઘેરો ઘાલ્યો છે. ટ્રક ડ્રાઇવરો કહે છે કે જ્યાં સુધી ફરજિયાત વેક્સિનનો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઘરે પાછા જવાના નથી. ટ્રક ડ્રાઇવરોનું આંદોલન હિંસક બની જાય તેવા ડરથી કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ઘર છોડીને ભાગી ગયા છે. તેમણે ટ્રકરોનાં આંદોલનને કેનેડાનું વિરોધી ગણાવ્યું તે પછી ટ્રક ડ્રાઇવરો અને તેમના કુટુંબીજનો આક્રમક બન્યા છે.
કેનેડામાં ટ્રક ડ્રાઇવરોનું જે આંદોલન ચાલી રહ્યું છે, તેની સરખામણી ભારતના કિસાન આંદોલન સાથે કરવામાં આવી રહી છે. કિસાનોના આંદોલનમાં શીખોની મુખ્ય ભૂમિકા હતી તેમ કેનેડાના ટ્રકરોના આંદોલનમાં પણ શીખોની ભૂમિકા મુખ્ય છે. ભારતના કિસાનો આંદોલન કરી રહ્યા હતા ત્યારે તેમણે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો પાળવાનો ઇનકાર કરી દીધો હતો તેમ કેનેડાના ટ્રક ડ્રાઇવરો પણ કોરોનાવિષયક કાયદાઓ પાળવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે કોરોનાને નામે કેનેડાની સરકાર તેમની સ્વતંત્રતા પર આક્રમણ કરી રહી છે. આ કારણે ટ્રક ડ્રાઇવરોની હડતાળમાં વેક્સિન લેનારા નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તેમણે વેક્સિન લીધી હોવા છતાં તેમનો આગ્રહ છે કે જે નાગરિકો વેક્સિન લેવા ન માગતા હોય તેમની પર જબરદસ્તી કરવાનો સરકારને કોઈ અધિકાર નથી. ભારતના કિસાન આંદોલનને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે કેનેડામાં શીખોની મોટી મતબેન્ક છે. હવે પોતાના પગ નીચે રેલો આવ્યો છે ત્યારે જસ્ટિન ટ્રુડો કહી રહ્યા છે કે આંદોલન કરી રહેલા ટ્રકરો દેશદ્રોહી છે અને સમાજના સ્વાસ્થ્યને ભયમાં મૂકનારા છે. યાદ રહે, ભારત સરકારે પણ આંદોલન કરી રહેલા કિસાનોને દેશદ્રોહી ગણાવ્યા હતા, પણ કિસાનો એક વર્ષ પછી ટસના મસ ન થયા તે પછી સરકારે ઝૂકવું પડ્યું હતું અને ત્રણ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા.
આજે દુનિયાના ૨૨ જેટલા દેશોમાં ફરજિયાત વેક્સિન, માસ્ક, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સામે આંદોલનો ચાલી રહ્યાં છે. યુરોપના ઓસ્ટ્રિયામાં વેક્સિન ફરજિયાત કરવામાં આવી તે પછી લાખો નાગરિકો રસ્તા પર વિરોધ કરવા ઊતરી આવ્યા છે. બ્રિટનમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલા આંદોલન પછી સરકારે માસ્ક વગેરે તમામ નિયંત્રણો હટાવી લીધાં છે. સરકાર દ્વારા વેક્સિન પાસપોર્ટની યોજના પણ અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે. ઇટાલી, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોમાં પણ વેક્સિનના વિરોધમાં મોટા દેખાવો ચાલી રહ્યા છે. દુનિયાના મોટા ભાગના પ્રસાર માધ્યમો વેક્સિન બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓના ભંડોળ પર આધાર રાખતી હોવાથી તેઓ આ વિરોધ પ્રદર્શનને ચમકાવતી નથી; પણ કેનેડાનું વિરોધ પ્રદર્શન એટલા મોટા સ્તરે પહોંચી ગયું તે પછી દુનિયાભરનાં અખબારોને તેની નોંધ લેવાની ફરજ પડી છે. ભારતમાં પણ દિલ્હી, અમદાવાદ અને મુંબઈ જેવાં શહેરોમાં વેક્સિનના વિરોધમાં આંદોલનો ચાલી રહ્યાં છે, પણ તેમાં મોટી સંખ્યા સામેલ થતી ન હોવાથી તેને અખબારોની હેડલાઈનમાં સ્થાન મળતું નથી.