World

રશિયાએ મોસ્કો આતંકી હુમલાના શકમંદોને પકડ્યા, આ સંગઠને સ્વીકારી હુમલાની જવાબદારી

મોસ્કોઃ (Moscow) રશિયાએ મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલાના (Terror Attack) સંબંધમાં 11 લોકોની અટકાયત કરી છે. આમાં ચાર શંકાસ્પદોનો (Suspects) પણ સમાવેશ થાય છે જેઓ સીધી રીતે હુમલામાં સામેલ હતા. રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)ના વડા એલેક્ઝાન્ડર બોર્ટનિકોવે આ 11 શંકાસ્પદ લોકોની ધરપકડ વિશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જાણ કરી છે. શુક્રવારે સાંજે ગોળીબાર થયો હતો અને મોસ્કોની બહાર ક્રોકસ સિટી હોલ કોન્સર્ટ સ્થળ પર મોટી આગ લાગી હતી. હુમલા સમયે હાજર રહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકના સંવાદદાતાએ જણાવ્યું હતું કે લશ્કરી ડ્રેસ પહેરેલા ઓછામાં ઓછા ત્રણ લોકો મ્યુઝિક હોલમાં પ્રવેશ્યા હતા અને લોકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા સમાચાર મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા 115 લોકોના મોત થયા છે.

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા મોટા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા હવે 115 પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે હુમલાખોરોએ એક મોટા સમારંભ સ્થળ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં અત્યાર સુધીમાં ત્રણ બાળકો સહિત 115 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગોળીબાર બાદ હુમલાખોરોએ સ્થળને આગ ચાંપી દીધી હતી. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે લીધી છે. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી તાસ અનુસાર ફેડરલ સિક્યુરિટી સર્વિસના વડાએ શનિવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા 11માંથી ચાર હુમલામાં સીધા સામેલ હતા.

બીજી તરફ રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે રશિયા લોહીથી બદલો લેશે. આતંકવાદીઓ આતંકની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બળ સાથે મળીને આતંકવાદીઓ અને તેમના પરિવારો સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ તપાસનો કોઈ અર્થ નથી. આ મામલે ઇસ્લામિક સ્ટેટ જૂથે સોશિયલ મીડિયા પર સંલગ્ન ચેનલો પર શેર કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે તેની અમાક ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મોસ્કોની બહારના ભાગમાં ક્રાસ્નોગોર્સ્કમાં ‘ખ્રિસ્તીઓ’ના એક વિશાળ મેળાવડા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. આ દાવાની સત્યતા અત્યારે ચકાસવામાં આવી શકી નથી પરંતુ યુએસ ગુપ્તચર અધિકારીએ ‘ધ એસોસિએટેડ પ્રેસ’ને જણાવ્યું હતું કે યુએસ ગુપ્તચર એજન્સીને જાણ થઈ હતી કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથની શાખા મોસ્કોમાં હુમલાની યોજના બનાવી રહી છે અને તેણે રશિયન અધિકારીઓને સાથે માહિતી શેર કરી હતી.

Most Popular

To Top