Business

સવારનાં કિરણોને સંગીતની ધૂનથી જગાડે છે કોફી!

એવી માન્યતા છે કે સોળમી સદીમાં બાબા બુદાને કર્ણાટકમાં  ‘મોકા’ના સાત બીજ વાવ્યાં તે સાથે ભારતીય કોફીની ગાથા  શરૂ થઈ હતી. અઢારમી સદી દરમિયાન કોફીની વાણિજ્ય માટે વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી.દક્ષિણ ભારતમાં તે માફક આવી ત્યારથી ભારતીય કોફી ઉદ્યોગ  પ્રગતિ કરતો આગળ વધ્યો અને વિશ્વમાં ભારતીય કોફીએ એક અલગ ઓળખ બનાવી છે. ભારતમાં, કોફી પરંપરાગત રીતે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટમાં ઉગાડવામાં આવે છે.આંધ્ર પ્રદેશ અને ઓડિશાના બિનપરંપરાગત વિસ્તારો તેમ જ ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ કોફીની ખેતી ઝડપથી વિસ્તરી રહી છે. કોફી મુખ્યત્વે નિકાસલક્ષી કોમોડિટી છે અને દેશમાં ઉત્પાદિત ૬૫ થી ૭૦% કોફી નિકાસ કરવામાં આવે છે જ્યારે બાકીની દેશમાં વપરાશ થાય છે. 

ભારતીય કોફી ઉદ્યોગ લગભગ રૂ.૪૦૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ કમાય છે.  ભારતીય કોફીએ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને ભારતીય કોફી ઉચ્ચ પ્રીમિયમ કમાઈ રહી છે, ખાસ કરીને ભારતીય રોબસ્ટા જે તેની સારી સંમિશ્રણ ગુણવત્તા માટે ખૂબ પસંદ કરવામાં આવે છે.  ભારતની અરેબિકા કોફીને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સારો પ્રતિસાદ મળે છે.  કોફી એ ઓછી આયાત તીવ્રતા અને ઉચ્ચ રોજગાર સામગ્રી સાથેનું નિકાસ ઉત્પાદન છે.  આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે છ લાખથી વધુ વ્યક્તિઓ સીધી રીતે રોજગારી મેળવે છે અને એટલી જ સંખ્યામાં લોકોને આ ક્ષેત્રમાંથી પરોક્ષ રોજગાર મળે છે.

   કોફીની બે મુખ્ય જાતો જેમ કે, અરેબિકા અને રોબસ્ટા ભારતમાં ઉગાડવામાં આવે છે.  અરેબિકા હળવી કોફી છે, પરંતુ તે વધુ સુગંધિત હોવાથી, રોબસ્ટા બીન્સની સરખામણીમાં તેની બજાર કિંમત વધારે છે. બીજી તરફ રોબસ્ટામાં વધુ તાકાત છે અને તેથી તેનો ઉપયોગ વિવિધ મિશ્રણો બનાવવામાં થાય છે.  અરેબિકા રોબસ્ટા કરતાં વધુ ઊંચાઈએ ઉગાડવામાં આવે છે.૧૫ ડિગ્રી સેલ્સિયસથી ૨૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું ઠંડું અને સમાન તાપમાન, અરેબિકા માટે યોગ્ય છે જ્યારે રોબસ્ટા માટે,૨૦ ડિગ્રી સેલ્સિયસથી ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સાથે ગરમ અને ભેજવાળી આબોહવા યોગ્ય છે.  અરેબિકાને વધુ કાળજી અને ઉછેરની જરૂર છે અને તે મોટા હોલ્ડિંગ માટે વધુ યોગ્ય છે જ્યારે રોબસ્ટા ખેતરના કદને ધ્યાનમાં લીધા વિના યોગ્ય છે.  અરેબિકાની લણણી નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે થાય છે, જ્યારે રોબસ્ટા માટે તે ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે.

કોફી ઉદ્યોગ મુખત્વે નિકાસ પર વધારે નિર્ભર કરતો હોવાથી વિગત વર્ષમાં ચિંતાનો વિષય બન્યો હતો. કોફી બોર્ડ કોફી પર સંશોધન અને વિકાસ, ટેક્નોલોજીનું ટ્રાન્સફર, ગુણવત્તા સુધારણા, વિકસતા ક્ષેત્રને વિકાસ સમર્થન, નિકાસ અને સ્થાનિક બજારોમાં  પ્રોત્સાહન આપે છે. બોર્ડ ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તા પર ધ્યાન આપે છે. ભારતીય કોફી માટે ઉચ્ચ મૂલ્યનું વળતર હાંસલ કરવા માટે નિકાસ પ્રોત્સાહન, સ્થાનિક બજારના વિકાસમાં સહાયક બને છે. વધારે કોફીનો વપરાશ છે એવા  દેશોમાં વર્ષના બીજા ભાગમાં માંગમાં જબરો બદલાવ આવ્યો.

વર્ષ ૨૦૨૧માં ભારતીય કોફીની નિકાસમાં ૨૮ % ની વૃદ્ધિ થઈ છે. કોફી બોર્ડના ડેટા અનુસાર, વર્ષમાં નિકાસ ૩૯૫૭૧૬ ટન સુધી પહોંચી અને  ૯૫૦ મિલિયનની કમાણી કરી. છેલ્લા એક દાયકામાં નિકાસનો આ સૌથી વધુ આંકડો છે! સામાન્ય સંજોગોમાં કોફીની નિકાસમાં વાર્ષિક વૃદ્ધિ ૫ થી ૨૯ % સુધીની  હોય છે. ૨૦૨૧માં  કોફીની નિકાસ પર તકલીફોની અસર ચાલુ રહી.જો કે પેન્ટ-અપ માંગને કારણે વર્ષના અંતિમ  મહિનામાં નિકાસમાં વધારો થયો હતો.   એક્સપોર્ટર્સ  રોગચાળાની સમસ્યાઓને કારણે વિલંબિત થયેલાં તમામ પેન્ડિંગ ઓર્ડરો મોકલી દેવામાં સફળ થયાં હતાં.એક તરફ નિકાસકારો પર નૂરભાડાં ઊંચા લાગતાં નફો તૂટ્યો હતો પણ દુનિયાનાં બજારોમાં કોફીના ભાવ ઊંચકાતાં  ખર્ચ વધ્યો તો પણ  કોફીના ભાવમાં ભારે વધારાએ નિકાસની કમાણી વધારવામાં સફળ થયા. વૈશ્વિક કોફીના ભાવમાં સતત વધારો થયો તેનું મુખ્ય કારણ વિશ્વના સૌથી મોટા કોફી ઉત્પાદક દેશ બ્રાઝિલમાં  કોફીના ઓછા પુરવઠાને કારણે ભાવ વધ્યા હતા.    વીત્યું વરસ ચોક્કસ નિકાસ માટે લાભદાયક રહ્યું પણ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.   

વર્તમાન કિંમતો ટકાઉ ન હોઈ શકે કારણ કે આ વર્ષે બ્રાઝિલમાંથી વધુ સારા પાકની અપેક્ષા છે. વર્ષના આરંભે  શિપમેન્ટ સારું રહ્યું છે, પરંતુ ઓમિક્રોનની અટકળોને અને ભયથી  શિપમેન્ટ ધીમું પડયું.  હવે ૨૦૨૨માં કોફીની નિકાસ પર અભ્યાસ સૂચક બનશે, કોફી બોર્ડે ૨૦૨૧-૨૨માં કોફીનું ઉત્પાદન ૩૪૮૦૦૦ ટન થવાનું અનુમાન કર્યું છે. જે ગયા વર્ષ કરતાં ૪ % વધુ છે.  અરેબિકામાં ઉત્પાદનનું સમાન સ્તર રહેશે  પણ રોબસ્ટા વિવિધતા માટે ૭ %  વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે.  

અરેબિકા લણણી લગભગ પૂરી થવાને આરે  છે જ્યારે એસ્ટેટ રોબસ્ટા બેરી પ્લકિંગના મધ્યમાં છે, જે આવતા મહિને પૂરી થઈ શકે છે. આ દરમિયાન  કેરળ સરકારે રાજ્યના  વાયનાડમાં સીમાંત ખેડૂતો પાસેથી બજાર કિંમત કરતાં રૂ. ૧૦ પ્રતિ કિલો વધુ ભાવે કોફી ખરીદવાનો નિર્ણય કર્યો છે.  કેરળ દેશમાં બીજા નંબરનું સૌથી મોટું કોફી ઉત્પાદક છે.  રાજ્ય સરકારે ૪૫૫ ટનની ખરીદી માટે રૂ. ૫૦ લાખની ફાળવણી કરી છે. વાયનાડમાં  કોફી ઉત્પાદન મર્યાદિત છે. ઉત્પાદકોને વધુ ફાયદો થાય નહીં.ખેડૂતોને  રૂ. પાંચ પ્રતિ કિલોનો એટલે અડધો લાભ મળી શકે છે કારણ કે તેમને  વેરહાઉસમાં પરિવહન અને ડિલિવરી માટે વધારાનો ખર્ચ કરવો પડશે. દેશમાં કોફી ઉત્પાદનમાં ધાર્યા કરતાં વધારે વૃદ્ધિ થાય તો પણ નિકાસ અને ભાવ વૈશ્વિક સંજોગો પર આધાર રાખે છે, યુરોપમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

૨૦૨૨માં વિગત વર્ષની જેમ રોગચાળો નડે તેવું દેખાતું નથી.સ્થાનિક ખપત કરતાં વધારે નિકાસ પર નભે છે દેશનો કોફી ઉદ્યોગ! ઈટાલી સહિત યુરોપમાં ભારતીય કોફીની સોડમ પ્રખ્યાત છે, સવારનું સંગીત ગરમ કોફીથી આરંભ થાય છે તો કોલ્ડ કોફીની લિજ્જત સાંજે જામે છે. બ્રાઝિલમાં કોફી ઉત્પાદન અને તેનો સપ્લાય બહુ મહત્ત્વપૂર્ણ રહેશે,૨૦૨૧માં કોફીની નિકાસ  વધી છે તે પણ આરંભે ધીમી રહી હતી પછી વેગમાં આવી હતી.ગયા વરસ જેવી સમસ્યાઓ નહીં રહે તેમાં ભારતથી કોફીની નિકાસમાં પોતાનો આંક સચવાઈ જશે, તુલના વિગત વર્ષ સાથે થતાં નિકાસકારો અવઢવમાં છે!દરરોજ અંકુશોની સાંકળ ખૂલતી જઈ રહી છે. જીવન રાબેતા મુજબ થતાં કોફીની માંગ વધશે,બ્રાઝિલમાં હજી ભાવની વધઘટ ચાલુ છે.બદલાતી જિંદગી આંકડા પણ બદલી નાખશે! છેવટે સવારનું સંગીત કોઈ મિસ કરે એવું યુરોપમાં તો કોઈ નહીં હોય!

Most Popular

To Top