સાવલી : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન આપતા બરોડા ડેરી પર બેસી પ્રતિક ધરણા કરવાની જાહેરાતને પગલે સાવલી થી બરોડા જતા દોઢસોથી વધુ પશુપાલકોને સાવલી પોલીસે ગોઠડા ચોકડી પાસે ડીટેઈન કરતા પોલીસ અને પશુપાલકો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરા જિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો સાથે ગુરુવારે બરોડા ડેરી પર હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેના પગલે ગત રોજ સોમવારે ફરી એકવાર સર્કિટ હાઉસ ખાતે સંસદ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મધુ શ્રીવાસ્તવ અક્ષય પટેલ તેમજ શૈલેષ મહેતા સહિતના ધારાસભ્યોએ ભેગા થયા હતા.
નિકાલ ના આવતા ધારાસભ્ય કેતન ઇનામદારે બે દિવસના પ્રતિક ધરણા ની જાહેરાત કરી હતી તેના પગલે દોઢસોથી વધુ સાવલી અને ડેસર ના પશુપાલકો વડોદરા ખાતે જઇ રહ્યા હતા ત્યારે સાવલી પોલીસે ગોઠડા ચોકડી નજીક તમામની અટકાયત કરી હતી. આગળ જતા અટકાવતા ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી અને એક સમયે વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો હતો જોકે સાવલી પોલીસે સંયમ જાળવીને પશુપાલકોને સમજાવીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પોતે ફરજ બજાવી રહ્યા છે તે સમજાવતા પશુપાલકો માની ગયા હતા અને ઘર્ષણ થતું અટક્યું હતું.