ભારતને વિશ્વગુરુ બનાવવાની ડંફાસો મારતી મોદી સરકાર જેમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકળાયેલું છે તેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ઢંગથી લઈ શકતી નથી. દર વખતે કોઈ પેપર લિક થાય છે ત્યારે તપાસ સમિતિની રચના કરવામાં આવે છે અને ભીનું સંકેલી લેવામાં આવે છે, પણ તેઓ પેપર ફૂટવાનો સિલસિલો અટકાવી શકતા નથી. આપણા દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊંચો સ્કોર લાવી આપવાનું વચન આપતાં કોચિંગ ક્લાસો મોટું સ્થાપિત હિત બની ગયા છે. તેઓ લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીને મેરિટ લિસ્ટમાં લાવવાનું વચન આપે છે.
પેપરનું સેટિંગ થાય ત્યારથી લઈને પરિણામ તૈયાર થાય ત્યાં સુધીમાં તે જેટલા હાથોમાંથી પસાર થાય છે તે દરેક તબક્કે પેપર ફૂટવાની સંભાવના હોય છે. નીટની પરીક્ષામાં આ વખતે લગભગ ૨૪ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડવા અને તેને હેમખેમ રાખવા પડકારજનક કામ છે. કોઈ પણ તબક્કે પેપર ફૂટી શકે છે કે તેમાં ચેડાં થઈ શકે છે. નીટ જેવી પરીક્ષામાં પેપર ફોડનારને વિદ્યાર્થી દીઠ ૧૦થી ૬૬ લાખ રૂપિયા મળતા હોવાથી પ્રલોભન બહુ મોટું થઈ ગયું છે. પેપર ફોડવાનો ઉદ્યોગ કરોડો રૂપિયાનો થઈ ગયો હોવાથી તેના પર અંકુશ મૂકવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. નૈતિક ધોરણો પણ કથળ્યાં હોવાથી મામલો વધુ પેચીદો બન્યો છે.
વર્ષ ૨૦૨૪ ના ૬ મહિના વીતી ગયા છે. જાન્યુઆરીથી જ પરીક્ષાનો સમયગાળો શરૂ થઈ ગયો હતો. છેલ્લા ૬ મહિનામાં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષા, UPPSC RO ARO પરીક્ષા, NEET UG પરીક્ષા ઉપરાંત UGC નેટ પરીક્ષાના લીકના અહેવાલો આવ્યા છે. તેને કારણે આશરે એક કરોડ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ થઈ ગયું છે. કોઈને ખ્યાલ નહોતો કે દરેક પરીક્ષા પછી કંઈક એવું બહાર આવશે, જે ઉમેદવારોના ભવિષ્ય પર સવાલો ઊભા કરશે. NEET UG પરીક્ષા ૦૫ મે, ૨૦૨૪ ના રોજ લેવામાં આવી હતી.
NEET UG પેપર લીક થવાને કારણે પોલીસ તપાસથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. NEET UG પરીક્ષા NTA દ્વારા લેવામાં આવી હતી અને હાલમાં આ એજન્સીની ક્ષમતા જ પ્રશ્ન હેઠળ છે. યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ૧૭ અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. યુપી પોલીસ પરીક્ષા ૨૦૨૪ હેઠળ ૬૦,૨૪૪ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે લગભગ ૫૦ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. યુપી પોલીસનું પેપર લીક થવાને કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ પરીક્ષા ઓગસ્ટ પહેલાં ફરીથી લેવામાં આવશે.
૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઉત્તર પ્રદેશમાં RO, ARO પ્રારંભિક પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા હેઠળ સમીક્ષા અધિકારી (RO) અને સહાયક સમીક્ષા અધિકારી (ARO) ની ૪૧૧ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પરીક્ષા માટે ૧૦,૬૯,૭૨૫ ઉમેદવારોએ અરજી કરી હતી. ભારતમાં બેકારી કેટલી છે કે માત્ર ૪૧૧ સરકારી નોકરી માટે દસ લાખથી વધુ યુવાનો અરજી કરે છે. તેનું પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. UPPSC RO ARO પરીક્ષા હવે ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ લેવામાં આવશે.
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભણાવતાં શિક્ષકોની યોગ્યતા યુજીસી નેટ પરીક્ષા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વખતે યુજીસીએ પણ આ પરીક્ષા દ્વારા પીએચડીમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. UGC NET પરીક્ષા ૧૮ જૂન, ૨૦૨૪ ના રોજ યોજાઈ હતી. NTA દ્વારા સમગ્ર દેશમાં ૩૧૭ શહેરોમાં ૧,૨૦૫ પરીક્ષા કેન્દ્રો પર UGC NET પરીક્ષા યોજવામાં આવી હતી. આ વર્ષે ૧૧ લાખથી વધુ ઉમેદવારોએ UGC નેટની પરીક્ષા આપી હતી. UGC NET પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવ્યું છે. નીટના કૌભાંડમાં આ સમાચારો દબાઈ ગયા હતા.
ગુજરાતના કૌભાંડમાં સવાલ એ હતો કે હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને કર્ણાટકનાં વિદ્યાર્થીઓએ ગુજરાતના ગોધરામાં એક અજાણ્યા કેન્દ્રમાં NEET શા માટે આપી? કરોડો રૂપિયાના આ છેતરપિંડીના કૌભાંડમાં ગુજરાત પોલીસે આઘાતજનક વિગતો બહાર પાડી છે કે કેવી રીતે દેશભરના ઓછામાં ઓછા ૩૦ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે રૂ. ૧૦ લાખથી રૂ. ૬૬ લાખની વચ્ચે ચૂકવણી કરી હતી. શિક્ષકો દ્વારા ઉમેદવારોની ઉત્તરવહીઓ ભરવા માટે પૈસા લેવાના આરોપમાં પાંચ લોકોની ૧૩મી જૂને ધરપકડ કરવામાં આવી હતી.
આ કૌભાંડમાં વડોદરા સ્થિત કોચિંગ ક્લાસ રોય ઓવરસીઝ, જ્યાં પરીક્ષા લેવામાં આવી રહી હતી તે ગોધરાના પરવડી ગામની જય જલારામ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શાળાના શિક્ષક અને NEET કેન્દ્રના નાયબ અધિક્ષક તુષાર ભટ્ટ પણ સંડોવાયેલા હતા. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જે જવાબો તેઓ જાણતા હતા તે તેમણે ભરવાના હતા અને જે ખાલી રહી ગયા હતા તે આન્સર કી જાહેર થયા બાદ શિક્ષકો દ્વારા ભરાવાના હતા.
ગુજરાત પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાં તુષાર ભટ્ટ, પરશુરામ રોય, પુરુષોત્તમ શર્મા, શિક્ષણ સલાહકાર વિભોર આનંદ અને શાળાના શિક્ષકો સાથે સંકળાયેલા મધ્યસ્થી આરિફ વોહરાનો સમાવેશ થતો હતો. વડોદરાના રહેવાસી પરશુરામ રોય અને વિભોર આનંદ બિહારના વતની છે. આ કૌભાંડમાં ૩૦ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ફેરફાર કરવાનો હતો. પોલીસે તેમાંથી ૨૭ વિદ્યાર્થીઓની ઓળખ કરી છે.
તેમાંથી ઓછામાં ઓછા એક ડઝનને આનંદ અને રોય સાથે જોડાયેલા છે, જ્યારે બાકીનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે રૂ. ૨.૮૨ કરોડના નવ ચેક રીકવર કર્યા છે, જે કથિત રીતે રોયની ઓફિસમાંથી સાત વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યા હતા, જ્યારે ચાર વિદ્યાર્થીઓએ રૂ. ૬૬ લાખ રોયના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસનો દાવો છે કે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પરશુરામ રોય અને આનંદના સંપર્કમાં હતા અને તેમને પેપર લખવા માટે ગોધરા કેન્દ્ર પસંદ કરવાની સલાહ આપવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે છેતરપિંડીનું આ રેકેટ ગુજરાતમાં એક કેન્દ્ર કરતાં વધુ ફેલાયેલું છે.
બિહારમાં સલવાર ગેંગના સભ્યો અમિત આનંદ, નીતીશ અને સિકંદર યાદવેન્દ્રે પણ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને કબૂલ્યું છે કે પરીક્ષા પહેલાં NEET ઉમેદવારોને ૩૨ થી ૪૦ લાખ રૂપિયા લઈને પ્રશ્નપત્રો અને જવાબો યાદ કરાવ્યા હતા. સિકંદરે નિવેદન આપ્યું છે કે હું અમિત આનંદ અને નીતીશકુમારને દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસમાં મળ્યો હતો. બંનેએ કોઈ પણ પરીક્ષાનું પ્રશ્નપત્ર બહાર કાઢીને પાસ કરવાનો દાવો કર્યો હતો. આ માટે વિદ્યાર્થી દીઠ ૩૨ લાખ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. હું ૪ અને ૫ મેની રાત્રે રામકૃષ્ણનગર ગયો અને આયુષ, અનુરાગ યાદવ, અભિષેકકુમાર અને શિવાનંદન કુમારને અમિત આનંદ અને નીતીશકુમારને સોંપ્યા. બંને પ્રશ્નપત્રો લાવ્યા અને બધાને જવાબો યાદ કરાવ્યા.
આ કેસમાં પટનાથી ધરપકડ કરાયેલા ઉમેદવાર અનુરાગ યાદવે કબૂલાત કરી છે કે તેને પરીક્ષા પહેલાં પેપર મળી ગયું હતું. તેણે તેના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે તેને આખી રાત પ્રશ્નોના જવાબો ગોખાવવામાં આવ્યા હતા. એક્ઝામિનેશન હોલમાં ગયા પછી મને બધા પ્રશ્નો સરખા જ જણાયા હતા. અનુરાગે પોતાના નિવેદનમાં કહ્યું કે મારા કાકા એટલે કે સિકંદર યાદવેન્દ્રે મને કોટાથી ફોન કર્યો હતો કે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારું પરીક્ષા કેન્દ્ર પટનાની દિબાઈ પાટીલ સ્કૂલ હતું. અનુરાગ યાદવ એક મંત્રીની સલાહ પર પટનાના સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. રહેવાની તમામ વ્યવસ્થા સિકંદર દ્વારા કરવામાં આવી હતી. જળ સંસાધન વિભાગમાં કામ કરતા સિકંદરની ધરપકડ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.