પાવાગઢ: પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) આજે સવારે ભયંકર દુર્ઘટના (Accident) થઈ છે. અહીં માચી ખાતે આવેલા ચાચર ચોકમાં બનાવવામાં આવેલા પત્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. રેન બસેરાનો પત્થર તૂટ્યો ત્યારે અહીં ગાજવીજ સાથે વરસાદ પડતો હતો. તેથી કેટલાંક શ્રદ્ધાળુઓ રેન બસેરા નીચે ઉભા હતા. સ્લેબ તૂટી પડતા શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા. 3 મહિલા, 3 પુરુષ અને બે બાળકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં એકનું મોત થયું છે.
પત્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમજ બંને પગ ભાંગી ગયા હતા. અન્ય એક મહિલાને પેટના ભાગે પત્થરો પડ્યા હતા.
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે, જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.
દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આસપાસના યાત્રિકો, શ્રદ્ધાળુઓએ ભેગા થઈ પત્થરો ઉઠાવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો એક જ પરિવારના હતા. આ પરિવાર માતાજીના દર્શને આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.