Madhya Gujarat

આણંદમાં 71 અને ખેડામાં 77 ટકાથી વધુ મતદાન

આણંદ : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં વ્હેલી સવારથી જ મતદારો મતદાન કરવા ઉમટી પડ્યાં હતાં. જોકે, વ્હેલી સવારે ધીમું મતદાન બાદ જેમ સુરજ તપતો ગયો તેમ મતદાનની ઝડપ વધી હતી. જોકે, બપોરે થોડો સમય ભીડ ઘટી હતી. બાદમાં ફરી નમતી બપોરે મતદાન મથકો પર ભીડ જોવા મળી હતી. કેટલાક મતદાન મથકો પર બબ્બે બુથ ભેગા કરતાં અફડા તફડી મચી હતી. તો ક્યાંક ચૂંટણી સ્ટાફે બપોરે રિસેસ રાખતાં ભારે ઉહાપોહ થયો હતો. આમ છતાં કોઇ મોટી માથાકૂટ ન થતાં શાંતિપૂર્ણ રીતે મતદાન મથતાં તંત્રએ હાશકારો લીધો હતો. બપોરના 3 વાગ્યા સુધીમાં 57.11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. વ્હેલી સવારના સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનના પગલે મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડતાં લાઇનો લાગી હતી. જેમ દિવસ આગળ વધ્યો તેમ ભીડ વધતી ગઈ હતી. પ્રથમ ચાર કલાકમાં 22.85 ટકા મતદાન થયું હતું. જોકે, બીજી બે કલાકમાં જ મતદાન વધીને 48.30 ટકા સુધી પહોંચી ગયું હતું અને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 57.11 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી. પરંતુ ધર્મજ, કાણીસા, વડોદ, સામરખા, લાંભવેલ સહિતના ગામોમાં ચણભણ થઇ હતી. તેમાંય ધર્મજમાં બોગસ વોટીંગનો મામલો ઉછળતો ઉહાપોહ થયો હતો. જે અંગે ચૂંટણી અધિકારીને લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, મતદાન મથકની બહાર 100 મીટરની ત્રિજ્યામાં મતદારો દ્વારા પોતાનો નંબર જોવા તેમજ પોતાનું નામ છે કે નહીં ? તેની ચકાસણી માટે ઉમેદવારો દ્વારા એજન્ટો મુકવામાં આવ્યાં હતાં.

ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં આજરોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. સવારે ૭ વાગે મતદાન શરૂ થઈ ગયું હતું. જોકે, કડકડતી ઠંડીને પગલે સવારના સમયે મતદાન ધીમું જોવા મળ્યું હતું. પરંતુ, જેમ જેમ સુરજ તપતો ગયો તેમ તેમ મતદારો ઘરમાંથી બહાર નીકળી મતદાન કરવા મતદાન મથકે પહોંચવા લાગ્યાં હતાં. બપોરના સમયે તો ખેડા જિલ્લાના મોટાભાગના મતદાનમથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેને પગલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૭૭.૨૦ ટકા કુલ મતદાન થયું હતું.

મતદારોના તાપમાન તપાસવા અને સેનેટાઇઝ માટે આંગણવાડી બહેનો તૈનાત કરાઇ

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોરોનાના પગલે મતદારો માટે સેનેટાઇઝ અને તાપમાન તપાસણી ફરજીયાત કરવામાં આવી હતી. ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના દરેક મતદાન કેન્દ્રની બહાર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મતદાન કરવા આવનારા મતદાતાઓનું સૌ પ્રથમ ટ્રેપરેચરની ચકાસણી કરવામાં આવતી હતી. બાદમાં સેનેટાઇઝ દ્વારા મતદારોના હાથ પણ સ્વચ્છ કરવામાં આવતાં હતાં. જો કોઇ મતદાર પાસે માસ્ક ન હોય તો માસ્ક પણ ઉપલબ્ધ કરવામાં આવતાં હતાં.

લાંભવેલ અને સામરખામાં ઓફિસરોએ મતદાન અટકાવતા ગ્રામજનો રોષે ભરાયાં

આણંદના લાંભવેલ અને સામરખા ગામે મતદાન દરમિયાન પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા બપોરે રીસેસ રાખતાં મતદારો રોષે ભરાયાં હતાં. સામરખાની સરદાર પટેલ શાળામાં આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં અધિકારીઓ દોડતાં થયાં હતાં. તેવી જ રીતે લાંભવેલમાં પણ આવા દૃશ્યો જોવા મળતાં મતદારોની લાંબી લાઇન લાગી હતી. આખરે નેતાઓને રજુઆત કરતાં ઠપકો આપી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

ધર્મજમાં બોગસ વોટીંગ કરતાં ભારે હોબાળો

વૈશ્વિક સ્તરે સૌથી પાવરફૂલ ગામ ધર્મજમાં બોગસ વોટીંગને લઇ ભારે હોબાળો થયો હતો. આ અંગે બીરજુભાઈ પટેલે પ્રિસાઇડીંગ ઓફિસરને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં વોર્ડ નં.5માં ઉમેદવારી નોંધાવી છે. ગાંધી ચોકમાં રહેતા મહિલા મતદારના ચૂંટણી કાર્ડમાં નામ અને ફોટામાં તફાવત છે. આઈડી નંબર ખોટો છે. આ મતદાન સામે અમારો વિરોધ છે. આથી, જવાબદાર અધિકારી સામે કાયદેસરની પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત જનરલ ઓફિસર પણ ફોન ઉપાડતાં નહતાં. વારંવાર ફોન બાદ ઉપાડતાં રજુઆત કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ આપી શક્યાં નહતાં.

ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું

ખેડા જિલ્લાના વડતાલ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારી, ડો.સંત વલ્લભ સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી સહિત ૩૫૦ જેટલાં સંતો તેમજ ૭૦ સાંખ્યા યોગી બહેનોએ વડતાલ ગ્રામપંચાયતની ચુંટણી માટે મતદાન કર્યું હતું.

કાચ્છઈમાં ૩૦ મીનીટ માટે મતદાન રોકાયું

મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ ગામના વોર્ડ નં ૧૧ ના મતદાનમથકમાં ઉમેદવારનું ચિહ્ન બદલાઈ જવા મામલે હોબાળો થતાં મતદાન રોકવાની ફરજ પડી હતી. જોકે, અડધા કલાક બાદ પુન: મતદાન ચાલું કરાતાં મતદારોએ પોતાના માનીતા ઉમેદવારોને મત આપ્યો હતો.

આઠ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે

નડિયાદ તાલુકાની ડભાણ, ખેડા તાલુકાની વડાલા, મહુધા તાલુકાની પોરડા, કઠલાલ તાલુકાની ખોખરવાડા, કપડવંજ તાલુકાની સાવલી અને વાસણાં, ઠાસરા તાલુકાની ચંદાસર અને શાહપુરા ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી હતી.

ભુમેલમાં ખોટા એજન્ટો મુકવામાં આવ્યાં હોવાનો હરિફ ઉમેદવારોનો ગણગણાટ

નડિયાદ તાલુકાના ભુમેલ ગ્રામપંચાયતના વોર્ડ નં ૧ ના સરપંચ પદના ઉમેદવાર શારદાબેન વાઘેલા અને સભ્યપદના ઉમેદવાર ભાવેશભાઈ પરમાર દ્વારા મતદાન મથકમાં ખોટા એજન્ટો બેસાડવામાં આવ્યાં હોવાનો વિડિયો વાઈરલ થતાં મામલો ગરમાયો હતો. જોકે, પોલીસની મધ્યસ્થી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ચુંટણીપંચ દ્વારા ઈસ્યું કરાયેલાં આઈડી કાર્ડ વિના એજન્ટની કામગીરી કરતાં યુવકને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આણંદ-ખેડા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું

ગ્રામપંચાયતની ચુંટણી દરમિયાન કોઈ અઈચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લાના દરેક મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ૪ ડીવાયએસપી, ૧૪ પી.આઈ, ૪૮ પીએસઆઈ, ૧૭૦૦ પોલીસકર્મી, ૧૦૩૦ ગ્રામરક્ષક દળના સભ્યો, ૮૧૦ હોમગાર્ડ અને એસઆરપીના ૧૦૦ જવાનો સમગ્ર દિવસ દરમિયાન મતદાન મથકો ઉપર ખડેપગે ઉભા રહ્યાં હતાં. જેને પગલે ચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

આણંદની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન

તાલુકો   ગ્રામ પંચાયત   7થી 11     7થી 1       7થી 5
આણંદ        26         22.16      37.63       66.34
ઉમરેઠ        26         24.04      41.95       72.41
બોરસદ       39         21.04      38.88       70.93
આંકલાવ      13         24.87      44.43       76.07
પેટલાદ        23         21.40      37.57       68.54
સોજિત્રા       05         21.99      40.23       74.19
ખંભાત        33         24.31      42.01       75.20
તારાપુર       15         29.29      50.37       79.68
કુલ           180        22.85      40.20       71.20

ડાકોરમાં પુનમ ભરવા આવેલાં શ્રધ્ધાળુઓ બસના અભાવે કલાકો સુધી અટવાયાં

ખેડા-આણંદ જિલ્લાના ડેપોમાંથી કેટલાક રૂટની બસ રદ્દ કરી ગ્રામપંચાયતની ચુંટણીની કામગીરી માટે ફાળવી દેવામાં આવી હોવાથી ડાકોર મંદિરમાં પુનમ ભરવા આવેલા અનેક શ્રધ્ધાળુઓ એસ.ટી બસને અભાવે અટવાયાં હતાં. ગ્રામપંચાયતની ચુંટણીની કામગીરી માટે એસ.ટી તંત્ર દ્વારા ખેડા જિલ્લામાંથી ૧૦૦ કરતાં વધુ બસો ફાળવી દેવામાં આવી હતી. જેને પગલે જિલ્લાના વિવિધ બસમથકોમાંથી ઉપડતી અનેક રૂટની બસો રદ્દ થઈ હોવાથી શનિવારના રોજ અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં હતાં. ડાકોર બસમથકમાંથી ઉપડતી મોટાભાગની એસ.ટી બસમાં ૮૦ થી ૧૦૦ જેટલાં મુસાફરો ચઢી જતાં હોવાથી અકસ્માત સર્જાવાની ભીતી પણ જોવા મળતી હતી.

ધારાસભ્ય અને સરપંચ બન્ને હોદ્દા પર હું જ રહીશ

સોજિત્રા બેઠકના ધારાસભ્ય પૂનમભાઇ પરમારે જણાવ્યું હતું કે, તારાપુર ગામના ગ્રામ પંચાયતના સભ્યથી સરપંચ પદ પર પાંચ – પાંચ રહી ચુક્યો છે. તેના કારણે પ્રજાનો એક અવાજ કે તમે આવો, આ ગામની ધૂરાં સંભાળો, વિકાસ સંભાળો, લોકોની લાગણીને માન આપી મેં સરપંચ તરીકે ઉમેદવારી કરી છે. મારી સામે પાંચ ઉમેદવાર છે. આમ છતાં 60 ટકામાં હું છું અને 40 ટકામાં બીજા પાંચ છે. પરિણામ નિશ્ચિત છે. ધારાસભ્યનો હોદ્દો ચાલુ રહેવાનો છે. સરકારની ખૂબ જ ગ્રાન્ટ આવે છે, અગાઉ સરપંચ તરીકે અનેક કામો કર્યાં છે. હજુ પણ બાકી રહેલા કામો પણ પૂર્ણ કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પણ હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇ તેવો મને વિશ્વાસ છે.

ધારાસભ્ય અને સરપંચ બન્ને હોદ્દા પર હું જ રહીશ

સોજિત્રા બેઠકના ધારાસભ્ય પૂનમભાઇ પરમારે જણાવ્યું હતું કે, તારાપુર ગામના ગ્રામ પંચાયતના સભ્યથી સરપંચ પદ પર પાંચ – પાંચ રહી ચુક્યો છે. તેના કારણે પ્રજાનો એક અવાજ કે તમે આવો, આ ગામની ધૂરાં સંભાળો, વિકાસ સંભાળો, લોકોની લાગણીને માન આપી મેં સરપંચ તરીકે ઉમેદવારી કરી છે. મારી સામે પાંચ ઉમેદવાર છે. આમ છતાં 60 ટકામાં હું છું અને 40 ટકામાં બીજા પાંચ છે. પરિણામ નિશ્ચિત છે. ધારાસભ્યનો હોદ્દો ચાલુ રહેવાનો છે. સરકારની ખૂબ જ ગ્રાન્ટ આવે છે, અગાઉ સરપંચ તરીકે અનેક કામો કર્યાં છે. હજુ પણ બાકી રહેલા કામો પણ પૂર્ણ કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પણ હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇ તેવો મને વિશ્વાસ છે.

મતદાન મથક બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તના પગલે એસઆરપી મુકાઇ

આણંદની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન સમય દરમિયાન કોઇ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા એસઆરપીની કુમુક પણ મુકવામાં આવી હતી. જ્યારે અમુક મતદાન મથકોની બહાર લોક ટોળા ન મળે તે માટે પોલીસ દ્વારા સતત મોનીટરીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

કાણીસામાં સરપંચના ઉમેદવારના પતિએ બેલેટ પેપરની ઝેરોક્ષ કરતાં વિવાદ

ખંભાત તાલુકાના કાણીસા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરની કલર ઝેરોક્ષ કઢાવી ગેરરીતી  આચરવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ઝેરોક્ષના દુકાનદારે પોતાના નિવેદનમાં સરપંચ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર નીતાબેનના પતિએ ઝેરોક્ષ કરાવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં ફરિયાદી મનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, કાણીસા પંચાયતની ચૂંટણીમાં બુથ નંબર ૧ માં મતદાન શરુ થતા જ થોડી વાર બાદ સ્થાનિક અગ્રણી અને મહિલા બેઠકમાં ઉમેદવારના પતિ અને અગ્રણી નેતા અશ્વિનભાઈ પટેલ મતદાન મથકમાં જઈ બેલેટ પેપરનો ફોટો પાડી તેમજ બેલેટ પેપર લઇ મતદાન મથક બહાર નીકળી ગયા હતા. આ ઘટના અંગે તપાસ કરતા તેઓ સીધા જ ગામમાં આવેલી ઝેરોક્ષની દુકાનમાં ગયા હતા. જ્યાં તેમણે બેલેટની કલર ઝેરોક્ષો કાઢવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાણીસા ગામમાં ભાજપના અગ્રણી નેતા અશ્વિનભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં પોતાની પત્ની નીતાબેન અશ્વિનભાઈ પટેલ ઉમેદવારી કરી રહી હોય ચૂંટણીમાં વિશેષ રસ દાખવી ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરી બેલેટ પેપરની કલર ઝેરોક્ષ કઢાવી ગેરરીતિના અાક્ષેપ પગલે તંત્ર દોડતું થયું છે.

Most Popular

To Top