પલસાણા: સ્ટેટ મોનિટરિંગ સેલના (state monitoring cell) અધિકારીઓએ બુધવારે કડોદરા પોલીસમથક વિસ્તારમાં આવેલા વરેલી ગામના માતા ટ્રાન્સપોર્ટના ગોડાઉનના (Transport) પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું કન્ટેનર નં.(MH 46 AF 6305)ના ચાલકને ઝડપી લીધો હતો. સીલબંધ કન્ટેનરના (Container) દરવાજા ખોલાવી તપાસ કરતાં તેમાંથી 503 પેટી દારૂ (liquor) મળ્યો હતો. મોનિટરિંગ સેલના અધિકારીએ ડ્રાઇવર મોહનલાલ ભગીરથ રામ બીસનોઈ (રહે.,ગોલિયા, સેવરી મહોલ્લો, તા.બિનમાલ, જિ.ઝાલોર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
આ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર મૂળ રાજસ્થાનનો અને હાલ સુરત(Surat) રહેતો ભેરૂસિંગ રાજપૂત નાસિકથી લાવી ગુજરાતની બોર્ડર સુધી આપી જતો હતો. બાદ વરેલી ખાતે થોભવાનું કહેતો હતો. આ એક ટ્રીપ બદલ તેને 20 હજાર મળતા હતા. ડ્રાઇવરે ભેરુસિંગને ત્રણ ટ્રીપ મારી આપી હતી. મોહનલાલ રામદેવ હોટલ ખાતે રોકાયો હોવાનું કબૂલ્યું હતું. હાલ ડ્રાઇવર મોહનલાલની અટકાયત કરી ભેરૂસિંગ રાજપૂત તેમજ દારૂ મંગાવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 27,91,400નો વિદેશી દારૂ તેમજ 16 લાખનું કન્ટેનર તેમજ મોબાઈલ મળી 44,00,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દિવસે ગુરુવારે બપોરે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે વરેલીના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સંતાડેલી 550 વિદેશી દારૂ તેમજ બિયરની પેટી ઝડપી પાડી હતી. આ મામલે તપાસમાં ખૂલ્યું હતું કે, મૂળ સુરતના વિજય જયંતી ઉર્ફે જેરામ વસોયાએ વરેલીનું પોતાનું માલિકીનું ગોડાઉન વધારે ભાડું કમાવવાની લાલચમાં વરેલી ખાતે અંબિકા કાફેના પાછળ રહેતા મહેન્દ્રસિંહ ખીમસિંહ ચૌહાણને આપ્યું હતું. જેઓ આ ગોડાઉનમાંથી થ્રી વ્હીલ ટેમ્પો નં.(GJ 05 BU 2716)માં ગોડાઉનમાંથી દારૂની પેટીઓ સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સપ્લાય કરતા હતા.
પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ટેમ્પો તેમજ ગોડાઉનમાંનાં દારૂનાં 550 બોક્સ જેમાં 14,892 બોટલ મળી 29,62,560ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરી 31,84,880નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, કડોદરા પોલીસમથકના વરેલીના ગોડાઉન વિસ્તારમાંથી 24 કલાકમાં 58 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાતાં બુટલેગર આલમમાં સોપો પડી ગયો હતો.