વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવારો માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક વોર્ડમાં તો સેન્સનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 55 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાતથી નારાજ હોદ્દેદારો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને આ બાબતે નિરીક્ષકોને રજૂઆત કરી હતી કે ઉંમરની સાથે અભ્યાસનો માપદંડ પણ દાખલ કરવો જોઈએ.
ભાજપ સોમવારથી બે દિવસ સુધી વડોદરાના તમામ 19 વોર્ડ માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. જેમાં સોમવારે કુલ 19 વોર્ડ પૈકી 10 વોર્ડમાં 789 જેટલા દાવેદારોએ નિરિક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજુ કરી હતી. બાકીના 9 વોર્ડની સેન્સ મંગળવારે લેવાશે.
એક વોર્ડમાંથી 20થી વધુ કાર્યકરોએ પોતાના બાયોડેટા રજુ કર્યા હોવાનું જાણવા મળે છે. કાર્યકર્તાઓએ એવી પણ રજૂઆતો કરી હતી કે જે કાર્યકર જે વિસ્તારમાં રહેતો હોય તે વોર્ડમાંથી જ તેને ટિકિટ આપવી જોઈએ એટલું જ નહીં જે બેઠકો રિઝર્વેશન છે તે બેઠકો પર તે જ્ઞાતિના જ ઉમેદવારને ટિકિટ આપવાનો નિયમ છે તેમ છતાં સામાન્ય બેઠક પરથી બક્ષીપંચ કે પછી પછાત જ્ઞાતિના ઉમેદવારને ટિકીટ આપવી જોઈએ નહીં અને જ્ઞાતિનું બેલેન્સ જાળવવું જોઈએ.
૧૦ વોર્ડની સેન્સ પુરી, બાકીના ૯ અાજે
નિઝામપુરામાં વોર્ડ 1 અને 2, હરણીમા વોર્ડ 5 અને 6, જુના પાદરા રોડ ઉપર વોર્ડ નંબર 9 અને 10 વાઘોડીયા રોડ ખાતે વોર્ડ નંબર 13 અને 14 તથા મકરપુરા જીઆઇડીસી ખાતે વોર્ડ નંબર 17 અને 18 માંથી સેન્સ લેવાઈ છે. મંગળવારે બાકી રહેલા નવ વોર્ડના દાવેદારોને નિરીક્ષકો સાંભળશે.
ડૉ.શીતલ મિસ્ત્રી પણ ટીકીટના દાવેદાર
વૉર્ડ 5 માટે મોટનાથ મહાદેવ મંદિર પાસે પાર્ટીપ્લોટમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ગોત્રી મેડિકલ કોલેજના નોડલ ઓફિસર ડો.શીતલ મીસ્ત્રીએ પણ દાવેદારી નોંધાવી હતી. તેમણે કહ્યું કે હું ભાજપ માટે છેલ્લા ૨૦ વર્ષથી કામ કરું છું અને પક્ષને યોગ્ય લાગશે તો મને ટીકીટ આપશે.