ભરૂચ: ભરૂચ જીલ્લાના પૂર્વભાગમાં કોઇલીમાંડવી પાસે જંગલોમાં ત્રણ દિવસ પહેલા લાકડાચોર દ્વારા ૫૦થી વધુ ખેરનાં ઝાડનું વૃક્ષછેદન કરીને નિકંદન કાઢી ગયા હતા.લગભગ એકાદ કરોડની કિંમતી ઝાડની તસ્કરીની ફરિયાદ હજુ દાખલ થઇ નથી.આ તસ્કરીના મામલે કોઈ એક્શન ન લેવાતા લાકડા માફિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું છે.
નેત્રંગ તાલુકાના કોઇલીમાંડવી પાસે રાજવાડી બીટના કમ્પાર્ટમેન્ટ નં-૫૪૭ નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમવાર ખેરના આશરે પાંચ દાયકાથી વધુ ઉંમરના ૫૦ જેટલા ઝાડ કાપીને લાકડાચોર ટ્રકમાં ભરીને પલાયન થઇ ગયા હતા. ખેરનું ઝાડએ રીઝર્વ વ્રુક્ષ તરીકે ગણતરી થતી હોય છે. જેને લઈને ભારતીય વન અધિનિયમ હેઠળ જંગલમાં પ્રવેશ કરવો એજ ગુનો બને છે. ત્યારે રજવાડી બીટમાં અનામત જંગલમાંથી આખરે ઈમારતી ખેરના ઝાડ કપાતા લગભગ બેથી વધુ ટ્રક ભરીને રફુચક્કર થઇ ગયા છે. વર્ષો જુના ઘટાદાર ખેરના વૃક્ષો મશીનથી કાપીને લગભગ એકાદ કરોડજનો જથ્થો ચોરી થઇ ગયો હોવા છતાં હજુ નેત્રંગ વન વિભાગ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલમાં જ નેત્રંગનો ચાર્જ સંભાળતા RFO મીનાબેન પરમારે જણાવ્યું હતું કે રજવાડી બીટમાં થોડા છુટા છવાયા વૃક્ષો કપાતા હોય છે.લગભગ બેએક દિવસોમાં અમુક કાપીને લઇ ગયા છે. બાકીના તો અમારો વિભાગ લઇ આવ્યા છે. જેમાં એફઓઆર કરીને તપાસ શરુ કરવામાં આવશે.
સાતપુડા તળેટીમાં નવો વિરપ્પન કોણ..?
સાતપુડાની પર્વતમાળામાં ખેર તસ્કરીમાં નવો વિરપ્પન પેદા થયો હોય એમ લાગે છે. રાજવાડી બીટમાંથી ૫૦ વર્ષ જુના અંદાજે ૫૦ ખેર વૃક્ષ કપાઈ ગયા છે. આ ઝાડ એક સ્ક્વેર મીટર અંદાજે ૩૦ હજારથી વધુ થતી હોય છે. અંદાજે ૫૦૦ ઘનફૂટથી વધુ જથ્થોથી વધુ ચોરતા અંદાજે ૧ કરોડનો અંદાજ છે. ખેરનું લાકડુંએ કાથો, ગુંદર, હેર ડાઈમાં કલર લાવવામાં વિશેષ ઉપયોગ થાય છે. જો આ લાકડું ગ્રામના ભાવેમાં વેચાતું હોવાથી આજે ટનબાંધી ખેર લાકડાચોરોએ સફાચટ કરી જતા સ્થાનિકોમાં ચિંતાનું કારણ વધ્યું છે.