ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ વચ્ચે દોડી રહેલ ‘પુરી-અમદાવાદ’ ટ્રેનમાંથી રેલ્વે SOGએ અંદાજિત 12 કિલો ગાંજો ભરેલી બિનવારસી બેક-પેક (વિદ્યાર્થીઓ પીઠ પાછળ ભેરવે છે તે સ્કૂલબેગ) હસ્તગત કરી છે. તો ‘સિંકદરાબાદ–રાજકોટ’ ટ્રેન માંથી 18 કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ 30.380 કિલો મળી રૂ.3,03,800નો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાંથી એક ઈસમને અંદાજિત 18 કિલો ગાંજા સાથે ઝડપી પડાયો
- રેલ્વે SOGના ચેકીંગમાં પુરી-અમદાવાદ ટ્રેનમાં ટોયલેટ પાસે મળી આવેલ બેગમાં 1.21 લાખનો 12 કિલો ગાંજો મળી આવ્યો
રેલ્વે SOGનો સ્ટાફનો સ્ટાફ સુરતથી મધરાતે પુરીથી અમદાવાદ જતી ટ્રેનમાં ચઢ્યો હતો. ટ્રેનમાં ચેકીંગ કરતાં મધરાતે 3:00 વાગ્યાના અરસામાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પસાર થતા જનરલ કોચમાં પહોંચ્યા હતા. જ્યાં જનરલ કોચના ટોયલેટ નજીક બિનવારસી બેકપેક મળી આવી હતી. જનરલ કોચમાં રહેલા પેસેન્જરો અને આસપાસ તપાસ કરતા આ બેકપેક અંગે કોઈ માહિતી મળી ન હતી. પાંચ ચેઈનવાળી બેકપેકને ખોલતા તેમાં ખાખી સેલોટેપથી બાંધેલા બે બંડલ મળી આવ્યા હતા. જેમાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય નશીલો પ્રદાર્થ માલુમ પડતા ભરૂચ સ્ટેશને બેક સાથે ઉતરી GRPમાં બેકપેક લઈ જવાઈ હતી.
ભરૂચ રેલ્વે પોલીસ, સ્ટેશન અધિક્ષક સાથે FSLને જાણ કરી પંચોની હાજરીમાં બેગ ખોલતા તેમાંથી 12 કિલો ઉપરાંતનો રૂપિયા 1.21 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકીંગ જોઈ કેરિયર ગાંજો ભરેલી બેકપેક બિનવારસી છોડી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બીજા બનાવમાં સિંકદરાબાદ–રાજકોટ ટ્રેનમાંથી ઓરિસ્સાના 42 વર્ષીય ઋષિકેશ ગણપતિ સ્વાઈ પાસેથી 18 કિલો ઉપરાંત ગાંજાનો જથ્થો મળી આવતા 1,81,000 ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રેન મારફતે અન્ય રાજ્યમાંથી ગાંજાનો જથ્થો ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે રેલ્વે પોલીસ અને આરપીએફ દ્વારા ટ્રેનમાં સતત ચેકીંગ હાથ ધરવાની જરૂર છે. કારણકે ટ્રેન મારફતે ગેરકાનૂની ચીજ વસ્તુઓની અવર-જવર વધુ જોવા મળી રહી છે.