સુરત : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ગામની છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળી આવ્યા છે. ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો પણ વૃદ્ધાએ પ્રતિકાર કરતાં તેણે તેમની હત્યા કરી દાગીના લૂંટી લીધા હતાં.
ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ મહેશે પોતાનો ગુનો કબુલ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મહેશ વ્યાસ જે મંદિરનો પૂજારી હતો તેમને ઓળખતો હોવાથી તેણે પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા. પકડાયેલા આરોપી મહેશ વ્યાસના મોબાઇલમાંથી ઉમર લાયક મહિલાઓના 150 વધુ ફોટાઓ મળી આવ્યા છે. મહેશ લાદી બતાવવાના બહાને ફોઈને રૂમમાં લઈ જઈ તેમની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. જ્યારે વૃદ્ધાએ પ્રતિકાર કર્યો ત્યારે મહેશે તેમના જ ઓઢણાથી ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ વૃદ્ધાના 15 તોલા સોનાના દાગીના અને 2 લાખની રોકડ લૂંટી લીધી હતી.
આરોપીએ લૂંટના પૈસે ઘરમાં રિનોવેશન અને સોલાર પ્લાન્ટ ફીટ કરાવ્યો
હત્યા કર્યા બાદ મહેશ વ્યાસે લાશને પ્લાસ્ટિકના બાચકામાં ભરી દોરીથી બાંધી દીધી હતી. તેણે આ લાશને પોતાની મોટરસાયકલ પર લઈ જઈ ગામની સીમમાં આવેલા એક અવાવરૂં કૂવામાં ફેંકી દીધી હતી. બીજી તરફ લૂંટના પૈસાથી તેણે પોતાના ઘરમાં રિનોવેશન કરાવ્યું અને સોલાર પ્લાન્ટ પણ ફીટ કરાવ્યો હતો. તેની અચાનક બદલાયેલી રહેણી-કહેણી જ પોલીસ માટે શંકાનું મુખ્ય કારણ બની હતી.