વાંકલ : માંગરોળના (Mangrol) વેરાકુઈ ગામે 15થી વધુ પશુઓના મોત(Animal’s Death) થતાં સમગ્ર મામલે તંત્ર દોડતું થયું છે. લમ્પી વાયરસના (Lumpy Skin Disease Virus) વધતા કેસો અને તેના કારણે થઈ રહેલા પશુઓના મૃત્યુની તપાસ સંદર્ભે મંગળવારે ગાંધીનગરથી ટીમ નિરીક્ષણ અર્થે પહોંચી હતી.
- અગાઉ લેવાયેલા 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા
- માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસના કારણે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસના કારણે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી હતી. ગાંધીનગર પશુપાલન નિયામકએ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી અને પશુઓનું નિરીક્ષણ કરી પશુપાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ અગાઉ લેવાયેલા 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એકતરફ તંત્ર દાવો કરી રહ્યું છે કે લમ્પી વાયરસના કારણે એક પણ પશુનું મોત નથી થયું તો પછી પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો હોવા છતાં અત્યાર સુધીમાં થયેલા પશુઓના મોત ક્યાં કારણે થયા? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શું છે લમ્પી વાયરસ?
છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં એક વિચિત્ર રોગના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમાંથી અનેક ગાયોને લમ્પી સ્કીન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે. જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપીપોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઈતરડીથી ફેલાય છે. કહેવાય છે કે, આ રોગ પશુઓના સીધા સંપર્કમાં પણ ફેલાય છે.
લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસ અંગે અનેક પશુ ચિકિત્સકો જણાવે છે કે, આ રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર જ આ રોગના લક્ષણો જોવા મળે છે. જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, તેની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થવી. રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજા થઈ જાય છે. રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબ જ ઓછો 1 થી 2 ટકા હોય છે.