દુનિયામાં કશું શાશ્વત નથી એ દરેક જાણે છે છતાં પેઢીઓની પેઢી માણે અને ભોગવે તે માટે સતત મથતો રહે છે. મુગલોના વારસદારો કોલકત્તાની ઝૂંપડપટ્ટીમાં વસે છે. અમુક મ્યાનમારના રંગૂનમાં છે. ઘણા તો એટલી જીદ્દ લઇને બેસે છે કે સમગ્ર દુનિયા બદલવાની તમન્ના સાથે મચી પડે છે. અસહ્ય વિનાશ વેરીને ખુદ હિટલરને જીવતાજીવ સમજાઇ ગયું કે છેલ્લે પોતાના હાથમાં કશું બચ્યું ન હતું. માત્ર એક પિસ્તોલ હતી અને તેની ગોળી ખાવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પ્રેમિકા ઉર્ફે પત્ની ઇવા બ્રાઉને પણ તેમાંની એક ગોળી ખાવી. માત્ર બે પાંચથી હજારેક માણસને આ છેલ્લી ઘડીનું જ્ઞાન મળે તે માટે કેટલો અભૂતપૂર્વ માનવીય અને માલમત્તાનો વિનાશ ખેલાયો? પણ ડાહ્યા માણસો ઇચ્છે તો તેમાંથી સતત બોધપાઠ મેળવી શકે છે.
લિબિયાના કર્નલ ગદ્દાફીને પોતાની જ હીરામાણેક જડિત સોનાની રિવોલ્વરથી પ્રજાએ મારી નાખ્યો. ભારતના સિત્તેર વરસ પહેલાંના ઇતિહાસમાં જઇએ તો રાજામહારાજાઓએ એના ભવ્ય મહેલો અને પ્રાસાદો બંધાવ્યાં હતાં કે આજે તેમાંના અનેક લકઝુરિયસ હોટેલો તરીકે ભાડે આપવા પડે છે. રાજાઓએ એ બંધાવ્યા ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે અમુક દાયકાઓ કે વરસો બાદ કોઇ પણ ઇસમ એમના પ્રતિષ્ઠિત બેડરૂમનું ભાડું ચૂકવીને શયન કે સહશયન કરી શકશે. સૌરાષ્ટ્રમાં પીપાવાવ પોર્ટ નજીક આવેલા ચાંચ બંદર પર 1944-45ની આસપાસ દરિયા કાંઠે ભાવનગરના મહારાજાએ બ્રિટિશ આર્કિટેકટ મુજબ એક સુંદર અને અનેક રૂમોનો બંગલો બંધાવ્યો હતો.
તેનું બાંધકામ આજે પણ સુંદર છે પણ વિશાળ કોલેજ જેવો પ્રાસાદ વરસો સુધી અવાવરું પડયો રહ્યો. તેનું બાંધકામ અને સજાવટ પૂરા થયાં અને સાથે સાથે દેશમાં આઝાદી આવી. આ બંગલાને હોટેલમાં ફેરવવાની વાત હતી પણ તેનાં નસીબ જુઓ કે બંધાયા પછી તેમાં પચાસ વરસ કોઇ રહી શકયું નહીં. વાસ્તવમાં તે જે સ્થળે આવેલો છે તે ચાંચ બંદર એક સરસ પર્યટન સ્થળ તરીકે વિકસાવી શકાય તેવી પૂરેપૂરી શકયતા હતી અને આજે પણ છે. ત્યાં દરિયાની ખાડીઓ વગેરે એ રીતે આવેલા છે કે વોટરસ્પોર્ટ વગેરે આનંદપ્રમોદ શરૂ કરી શકાય. ચાંચની સરખામણીમાં ચોરવાડના દરિયા અને નવાબના જૂના મકાનમાં એવું કશું દાટયું ન હતું કે તે ગુજરાતના પર્યટન ઉદ્યોગની ઓળખ બની શકે. સરકારોમાં કલ્પનાશીલતાનો અભાવ હોય છે તેથી એ મકાન જાતે ખભળીને તૂટી પડયું ત્યાં સુધી ગુજરાત ટુરિઝમના ‘તોરણ’ તરીકે છપાતું રહ્યું.
ખેર! રાજામહારાજાઓના સેંકડો મહેલો, કિલ્લાઓ અને કોઠીઓ દેશમાં અવાવરું પડયાં છે. કયાંક સરકારી ઓફિસો અને કયાંક મ્યુઝિયમો બની ગયા છે. કેટલાકને શેવાળ બાઝી ગઈ છે. આ લખનાર ભાવનગરમાં ભણતો હતો ત્યારે શહેરના સુંદર બ્રિટિશ શૈલીમાં બનેલા ટાઉન હોલમાં ચકલાં અને કબૂતરોએ માળા બાંધી દીધા હતા. મહાપાલિકાઓ ખાસ અલગ ટાઉનહોલ બંધાવશે પણ જે સુંદર સ્થાપત્ય પોતાની પાસે છે તેના પર ધ્યાન નહીં આપે. મૈસૂરના ભવ્ય રાજમહેલની પણ આવી જ સ્થિતિ છે. પરિવર્તનની આ રીત હંમેશાં ચાલુ રહેવાની. આપણે ત્યાં કહેવત છે કે ‘જેનું નામ છે તેનો નાશ અવશ્ય છે પરંતુ ભારત અને એશિયાની પ્રજા પોતાના સ્થાપત્યો, જાહેર મિલકતો અને ઇતિહાસની કદર કરતી નથી.
સ્થાપત્યની, ઇમારતોની જાળવણી કરે તો સેંકડો કે હજારો સાલ ટકે તે અમુક દશક કે એક-બે સદીમાં ખતમ થઇ જાય છે, સિવાય કે તે ખાનગી જવાબદાર હાથોમાં હોય. આ સ્થિતિને આજના સંદર્ભમાં જોઇએ તો સદ્દામ હુસૈને એંસી અને નેવુંના દશકમાં ઇરાકમાં 100થી વધુ ભવ્ય મહેલો બંધાવ્યા હતા. અનેક વિલાઓ બંધાવી હતી. ઇરાકને ત્યારે ક્રુડ ઓઇલની અઢળક આવક હતી. સદ્દામે એક વખત માત્ર કુવૈત પર આક્રમણ કર્યું હતું. અમેરિકાને શંકા હતી કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડનારાઓને સદ્દામે મદદ કરી હતી. 2003માં ઇરાક પર આક્રમણ કરીને સદ્દામ હુસૈનને ગાદી પરથી હટાવી દીધા. સદ્દામ નાસતા ફર્યા અને અમુક મહિનાઓ બાદ ભૂગર્ભમાંથી પકડાઇ ગયા. વરસ 2006માં એમને ફાંસી અપાઇ. સદ્દામના ગયા પછી ઇરાકમાં ખૂબ લાંબા સમય સુધી અરાજકતા ચાલી. એણે જે સેંકડો મહેલો અને ભવ્ય પ્રાસાદો બાંધ્યા હતા તેમાં લૂટ મચી. ચોર, બદમાશો હાથમાં જે આવે તે કિંમતી જણસો ઉઠાવી ગયા, જે રીતે જામનગરના મહારાજાના પેલેસમાં થોડાં વરસો પૂર્વે ચાલ્યું હતું. ધરમપુરના મહારાજાના પેલેસમાંથી પણ કલાકૃતિઓ અને બીજી જણસો ચોરાઇ ગઇ હતી.
સદ્દામના તમામ મહેલો અને પ્રાસાદો અમૂલ્ય જણસો, ચિત્રો, કલાકૃતિઓ, ફર્નિચર, પરદા, ધૂરી અથવા કારપેટોથી શણગારેલાં હતાં. તમામમાં ઇટાલિયન માર્બલ જડવામાં આવ્યો હતો. મોટા ભાગના પેલેસોમાંથી ચોરી જઇ શકાય એ બધું ચોરાઇ ગયું છે. માર્બલોની કોલમો પર અનહદ સુંદર નકશીકામો કરેલાં હતાં. સદ્દામ હુસૈનને વિશાળતા અને ભવ્યતા ખૂબ પસંદ હતી. સદ્દામને મેગાલોમેનિયાક તરીકે ઓળખવામાં આવતા. આટલા બધા મહેલોની શી જરૂર હતી તે સવાલ ઘણા કરી રહ્યા છે કારણ કે અમુક મહેલોની એણે જીવનમાં એકાદ વખત જ મુલાકાત લીધી હતી. સદ્દામ મેસોપોટેમિયાના પ્રસિધ્ધ શહેનશાહ નેબુનચાદનેઝાર બીજાને પોતાનો આદર્શ ગણતા હતા અને નેબુનચાદનેઝારે પોતાનો પેલેસ બાસ-રિલિફ પેનલોથી મઢાવ્યો હતો. સદ્દામ હુસૈને પણ પોતાના બેબિલોન ખાતેના પેલેસમાં તેનું આબેહૂબ અનુકરણ કર્યું હતું. સદ્દામના અનેક પેલેસો અને વિલાઓ પર ‘એસ.એચ.’ અક્ષરો મોટા આકારમાં આકર્ષક રીતે લખેલા જોવા મળે છે. આજે તેમાંના અમુક થોડા અપવાદો બાદ કરતાં મોટા ભાગના ફરીથી ખંડેરો બની ગયા છે. ચોર લોકો એ પેલેસો અને પ્રાસાદાની દીવાલો તોડીને વીજળીના તાંબાના વાયરો પણ ચોરી ગયા છે. અમુક મહેલોમાં લશ્કરની કચેરીઓ અને થાણાં ખોલવામાં આવ્યાં છે. અમુકને મ્યુઝિયમમાં ફેરવી દેવાયા છે. તે બાંધકામોની હાલત સારી રહી ગઇ છે. બાકીના ભૂતિયા ખંડેરો તરીકે ઊભા છે.
આ બધા ખંડેર જેવી હાલતમાં એટલા માટે છે કે આ ભૂતપૂર્વ ભવ્ય પેલેસોની ભવ્યતા પાછી આણવા માટે જ ખૂબ વિશાળ ખર્ચ કરવો પડે તેમ છે. અમુકને રાજઘરાના બાબતોના કે ઇસ્લામિક આર્ટ, શતરંજીઓ વગેરેના મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યા છે. પણ આવું બગદાદ જેવાં મોટાં શહેરોમાં શકય બન્યું છે. દૂરના પ્રદેશોમાં આવું શકય નથી કારણ કે ત્યાં કોઇ આવક શકય બને તેમ નથી. કેટલાક પેલેસો તો દૂર, રમણીય વાતાવરણમાં કિલ્લાઓ સમાન બનાવાયા છે. તેને રિનોવેટ કરવા માટે જે મોટો ખર્ચ કરવો પડે તેમ છે તે ઇરાક પાસે નથી. સદ્દામ હુસૈન વિચારોથી ઝનૂની ન હતા. એ પૂર્ણપણે સેકયુલર, ધર્મનિરપેક્ષ હતા. જો એમણે થોડી નમ્રતા ધારણ કરી હોત તો ઇરાકની આ તબાહી થઇ ન હોત. સાઉદી અને UAEના શાસકોએ આ પ્રકારનું ઠાવકાપણું અપનાવ્યું છે પણ એક હરફ કર્યા વગર નિ:સ્પૃહી ભાવે ફાંસીનો ફંદો પણ આ બંદાએ પહેરી લીધો હતો.
એક તરફ કિલ્લાનુમા મહેલો અથવા મહલનુમા કિલ્લાઓને સમારવાના પૈસા નથી અને બીજી તરફ સરકારનું ભ્રષ્ટ તંત્ર સમારકામમાં બાધારૂપ બની રહ્યું છે. આ કિલ્લાઓ, મહેલોની જાળવણી કરીને તેને રિસોર્ટમાં ફેરવી શકાય તેમ છે પરંતુ ઇરાક આંતરિક વિખવાદો અને ભ્રષ્ટાચારમાંથી બહાર આવે તો જ તે શકય છે. બગદાદના ત્રણ પેલેસોમાં આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનાં આવાસો અને કાર્યાલયો સ્થપાયાં છે. ચારે તરફ કૃત્રિમ સરોવરોની વચ્ચે બાંધવામાં આવેલા અલ ફો પેલેસમાં ગયા વરસથી એક અમેરિકન મૂળની યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. એક ઇરાકી મૂડીનિવેશકે ખાનગી નાણાં રોકીને આ યુનિવર્સિટી શરૂ કરી છે. સદ્દામના વખતમાં આ અલ ફો કોમ્પલેકસ સદ્દામના વિદેશી મહાનુભાવ મહેમાનોને એરપોર્ટ નજીક રોકાવા માટે બાંધવામાં આવ્યું હતું. અમેરિકન આક્રમણ બાદ તે અમેરિકાના એક લશ્કરી અને વહીવટીય મથક તરીકે વપરાતું હતું.
અમેરિકન અધિકારીઓ એ વાતનો ગર્વ અનુભવે છે કે એક આપખુદ શાસકનો મહેલ હવે ઉચ્ચ શિક્ષણના સ્થાન તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. જો કે આ સંકુલની મુખ્ય ઇમારત ટકી રહી છે પણ આસપાસની ઇમારતો તૂટી પડી છે. એક અમેરિકી અફસરના કહેવા પ્રમાણે સંકુલની અન્ય ઇમારતોનાં બારી-બારણાં તૂટી ગયાં હતાં. અંદર પક્ષીઓએ માળા બાંધ્યા હતા. જમીન પર સાપ અને વીંછીઓ ફરતા હતા. ઇરાકના દક્ષિણના શહેર બસરા કે જયાંનાં સાચાં મોતી જગ વિખ્યાત હતાં, તેમાં ત્રણ પેલેસો બચ્યાં છે. બેનો ઉપયોગ સ્થાનિક શાસકો કરે છે અને એકમાં મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે. પ્રાચીન સંસ્કૃતિ વિરાસત વિભાગના વડા કુહતાન અલ ઓબૈદના કહેવા અનુસાર સદ્દામના શાસનમાં ઇરાકમાં કુલ મળીને 166 મહેલો, વિલાઓ, સંકુલો અને નિવાસસ્થાનો હતાં. બેબીલોનમાં અમુક સંકુલોને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. એક સમયે ટાઇગ્રિસ નદીમાં તણાઇને આવેલા સંખ્યાબંધ ઇરાકી યુવાનોના મૃતદેહોની ઘટના વગેરેની સ્મૃતિમાં એક સંકુલમાં સ્મારક બાંધવામાં આવ્યું છે. આટઆટલા ભવ્યાતિભવ્ય મકાનો હતાં તો પણ સદ્દામ હુસૈનને અહીંથી તહીં ભાગવું પડયું હતું. પોતાના માટે કોઇ આરક્ષિત જગ્યા ન હતી. ભોંયરામાં રહેવું પડયું. આ ઘટનાના સંદર્ભમાં ગુજરાતી ભજન યાદ આવ્યા વગર ન રહે. ‘જીવ તું શાને ફરે છે ગુમાનમાં? તારે રહેવું ભાડાનાં મકાનમાં!