દુનિયાના કિંમતી રત્નોમાં હીરાની ગણના થાય છે. ઝવેરાતમાં સજાવેલો હીરો કરોડો રૂપિયામાં વેચાતો હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે કોલસામાંથી બહાર નીકળેલા પત્થરને ચમકાવીને હીરો બનાવનાર રત્નકલાકારોને તેમનું મહેનત અને કળાનું પૂરતું વેતન મળતું નથી. આજે પણ સુરતમાં હીરા ઘસતા રત્નકલાકારોને ઘર ચલાવી શકાય તેટલો પગાર પણ મળતો નથી. માત્ર 12 હજાર રૂપિયા મહિને કમાતા રત્નકલાકારો હવે પૂછી રહ્યાં છે કે, આટલા ઓછા પગારમાં પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરીએ?
- વરાછાની શીવંતા જેમ્સના 100થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યાં
વરાછાના સવાણી એસ્ટેટમાં આવેલી શીવાંતા જેમ્સના 100થી વધુ રત્નકલાકારો આજે સવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અપૂરતા પગારના લીધે આર્થિક રીતે પાયમાલ થયેલા રત્નકલાકારોએ વધુ વેતનની માંગણી સાથે સામૂહિક હડતાળનું પગલું ભર્યં હતું. રત્નકલાકારોએ બળાપો કાઢતાં કહ્યું કે, તેજીમાં 25થી 30 હજાર કમાતા હતા પરંતુ અત્યારે 15 હજારનું પણ કામ થતું નથી. 12 હજાર જેટલું જ મહેનતાણું મળે છે ત્યારે એટલા ઓછા પગારમાં ઘરનો ખર્ચ કાઢવાના ફાંફા પડી રહ્યાં છે.
રત્નકલાકારોએ શીવાંતા જેમ્સની બહાર રસ્તા પર ઉભા રહી માલિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પૂરતું કામ અને પૂરતું વેતન આપવા માંગણી કરી હતી. રત્નકલાકારોએ આક્ષેપ કર્યો હતો કે કારખાનાના માલિકો દ્વારા હાલ જાડાની જગ્યાએ પતલા ડાયમંડ રત્ન કલાકારોને ઘસવા માટે આપી રહ્યા છે. જાડામાં કામ કરનારા રત્ન કલાકારો પાતળી સાઈઝના ઘસવા માટે મજબુર બન્યા છે.
શીવંતા જેમ્સ ફેક્ટરીમાં કામ કરતો નિકુંજ ગુજરીયાએ કહ્યું કે છેલ્લા છ દિવસથી કામ મળ્યું નથી. કામ માંગી એ તો શેઠ કહે છે કે, હીરા નથી તો અમે તમને ઘસવા માટે કેવી રીતે આપીએ. હાલ કારખાનામાં જાડા હીરા નથી. માત્ર ઝીણા 15 સેન્ટ ના હીરા છે. ઝીણા હીરા ઘસવાથી જોઈએ તેટલું વળતર મળતું નથી. પહેલા ત્રીસ હીરા ઘસતા હતા ત્યારે અમને 15,00 મળતા હતા હવે માત્ર 400 રૂપિયા મળી રહ્યા છે અમારે અમારું ગુજરાન પરિવાર સાથે કેવી રીતે ચલાવવું તે સમજાતું નથી. અત્યારે મોંઘવારીના સમયે 12000માં રૂમ ચલાવો ખૂબ મુશ્કેલ છે. આપણે સમજી શકે છે અમે વારંવાર અમારો વેતન વધારવા માટે પણ માંગણી કરી રહ્યા છે પરંતુ કંપની સંચાલક તરફથી કોઈપણ સંતોષકારક જવાબ મળતો નથી.
