ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારના રોજ ગુરૂપૂર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મંદિર ખુલી, સવા પાંચ વાગ્યે મંગળા આરતી થઈ હતી. મંદિર ખુલતાની સાથે જ મંદિરમાં ભક્તોનો ઘસારો શરૂ થઈ ગયો હતો. વરસાદમાં પણ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન દોઢ લાખ કરતાં વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. શ્રધ્ધાળુઓના ભારે ઘસારાથી નગરની ગલીઓ સાંકળી બની હતી. હૈયે હૈયુ દળાય તેવી ભીડ જામી હતી.
લાખો શ્રધ્ધાળુઓએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનની એક ઝલક મેળવી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત ડાકોરમાં આવેલ દંડીસ્વામી આશ્રમ, કાઠીયા ખાખચોક, હોળીવાળા મહારાજની ગાદી, નરસિંહજીની ગાદી, સત્યનારાયણ મંદિરની ગાદી, દાઉદજી મંદિરની ગાદી, ત્રીકમજી મંદિરની ગાદી સહિત 15 કરતાં વધુ ગુરૂગાદીઓ પર ગુરૂપૂજન તેમજ પાદૂકાપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં. આ તમામ ગુરૂગાદી પર પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. જ્યાં ભક્તોએ ગાદીપતિ ગુરૂના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં હોળીવાળા મહારાજ તરીકે ઉપનામ મેળવેલ ગોપાલદાસ હોળી મહારાજને એક ભક્ત દ્વારા ચાંદીનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું હતું.