તારીખ ૨૨ માર્ચના ‘ગુજરાતમિત્ર’માં યુસૂફ ગુજરાતીનું ઉપરોક્ત શીર્ષક સાથેનું ચર્ચાપત્ર રજૂ થયું. તેમની રજૂઆત સંપૂર્ણ વ્યાજબી છે. રેડિયો સેટ પર રેડિયો અને વિશેષ રૂપે રાષ્ટ્રીય મનોરંજન ચેનલ વિવિધ ભારતી સાંભળતાં શ્રોતાઓ સ્થાનીય એફ એમ સ્ટેશનને આ ચેનલ સ્પષ્ટ અને સુમધુર ધ્વનિ ગુણવત્તા સાથે માણવાનું સાધન સ્વાભાવિક રીતે જ માને. પણ તેની સામે આકાશવાણીનાં આવા સ્થાનીય એફ એમ વિવિધ ભારતી સહ-પ્રસારણ કેન્દ્રોને વ્યાપારી જાહેરાતોથી આવક રળવા માટે વિવિધ ભારતીની રાષ્ટ્રીય ચેનલને સાધન માને છે.
હવે દૂરના ગણાતા ભૂતકાળમાં પ્રાયોજિત કાર્યક્રમોની પેટર્ન એવી હતી કે કાર્યક્રમની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં જ પ્રવક્તા દ્વારા પ્રાયોજક વિષેની ટૂંકી સૂચનાઓ તેમજ પ્રાયોજક દ્વારા ઉત્પાદિત સાધનો કે પ્રદાન કરાતી ‘સેવાઓ’ની ટૂંકી જાહેરાત આવતી હતી. પણ તે સિવાયનો કાર્યક્રમ શુદ્ધ મનોરંજન કે જ્ઞાનનો રહેતો હતો. જ્યારે હાલ મોટા ભાગનાં પ્રાયોજિત કાર્યક્રમોમાં શરૂઆતથી અંત સુધી ફક્ત પ્રચાર હોય છે અને ક્યારેક કોઈ રડ્યાખડયા પ્રાયોજિત કાર્યક્રમમાં એકાદ ગીતની ઝલક જ આવી જાય છે. રેડિયો સિલોન પર જે સમયકાળમાં જાહેરખબરો અને પ્રાયોજિત કાર્યક્રમો આવતા હતા ત્યારે એક ગીત પછી ત્રીસ સેકન્ડમાં ત્રણેક વિજ્ઞાપન આવતા હતા.
જે આજની જેમ કંટાળાજનક નહીં પણ આકર્ષક લાગતા હતા. સ્થાનીય એફ એમ વિવિધ ભારતી કેન્દ્રોની આવી ગોઠવણને કારણે ઘણાં શ્રોતાઓ વિવિધ ભારતીને ઇન્ટરનેટ કે મોબાઈલ એપ પર સીધું પ્રસારણ સાંભળતાં થયાં છે. આ ચર્ચાપત્રીનો વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવાએ આકાશવાણીનાં હાલ ચાલી રહેલા ૯૦મા વર્ષ નિમિત્તે શરૂ કરેલી નવી શ્રેણી સ્મૃતિયોં કે સ્વરના પ્રથમ મણકામાં જ ઈન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો. તે ફક્ત ગુજરાતનાં સુરત સહિતનાં દરેક સ્થાનીય વિવિધ ભારતી કેન્દ્રોએ ૧૫ મિનિટ માંથી ફક્ત પ્રથમ પાંચ મિનિટનો સહ-પ્રસારિત કર્યો અને બાકીની ૧૦ મિનિટ ગુજરાતી ભાષાનું રાષ્ટ્રીય સમાચાર બુલેટિન પ્રસારિત કર્યું હતું.
હવે જો હું સાવધાન રહી મોબાઈલ એપ પર સીધું પ્રસારણ નહીં સાંભળતે, તો મારી માનસિક સ્થિતિ કેટલી નિરાશાવાળી થતે? એક સમયમાં દર રવિવારે દૂરદર્શન સાંજે હિન્દી ફિલ્મો પ્રસારિત કરતું હતું ત્યારે એક ચોક્કસ સમયે સૂચના મૂકતું હતું કે પ્રાદેશિક કેન્દ્રો પોતાનાં વિજ્ઞાપન અને પ્રાદેશિક સમાચારો શરૂ કરે. પણ તેની સમયમર્યાદા નિશ્ચિત હતી અને દિલ્હી સાથે ફરી જોડાવાની સૂચના ચોક્કસ સમયે આવી જ જતી અને દરેક પ્રાદેશિક કેન્દ્રોને બાધ્ય રહેતી હતી. જ્યારે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા અને સ્થાનીય કેન્દ્રો તથા આકાશવાણીના વ્યાપાર વિભાગ વચ્ચે યોગ્ય સંકલન નથી જેથી મુલાકાત આધારિત કાર્યક્રમો સહિત અનેક કાર્યક્રમો ‘ખંડિત’ રૂપે શ્રોતાઓ ને પ્રાપ્ત થાય છે.
નાનપુરા, સુરત – પિયુષ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.