મોરબી: મોરબીનો (Morbi) રાજાશાહી વખતનો ઝૂલતો પુલ (Suspension Bridge) તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં (River) ખાબક્યા હતા. આ ઘટના દેશભરમાં ગાજી રહી છે. ત્યારે મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચિત કરી હતી.આ મામલે અન્ય અધિકારીઓ તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. વધુમાં પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના અંગે ટ્વિટ કર્યું છે. જેમા તેમણે જણાવ્યું કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
ત્વરીત બચાવ ઓપરેશન હાથ ધરવા પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી
જોગાનુજોગ પીએમ નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે , ત્યારે પીએમ મોદીએ ટવીટ્ટ કર્યુ હતું કે મોરબીમાં ઝુલતા બ્રીજની તૂટી પડવાની દુર્ધટનાના સમાચાર જાણ્યા. મેં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાત કરી છે. તેમણે ત્વરીત બચાવ ઓપરેશન માટે ટીમ મોકલવાની કામગીરી શરૂ કરી દીધી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખીને અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે જણાવવામાં આવ્યુ છે.બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર દુર્ધટનાના વિગતો જાણીને ટવીટ્ટ કર્યુ હતું કે , મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
બ્રીજની તૂટવાની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
મોરબીમાં ઝુલતા બ્રીજની તૂટવાની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, અલબત્ત બીજી બાજુ ત્વરીત બચાવ ઓપરેશન પણ ચાલી રહયુ છે. મોરબી , રાજકોટ તથા આજુબાજુના જિલ્લાઓમાંથી પણ તરવૈયાઓ બોલાવવામાં આવ્યા છે. તેમના દ્વ્રારા બ્રીજ તૂટતા પાણીમાં ખાબકેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવી રહયા છે.આ ઝુલતો બ્રીજ 1880માં તૈયાર થયો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ઝુલતા બ્રીજની સંચાલનની જવાબદારી ઓરેવા ગ્રુપ પાસે છે. બ્રીજના સમારકામ માટે તેને બંધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં દિપાવલી પર્વ દરમ્યાન તેને ખુલ્લો મૂકાયો હતો.