અમદાવાદ: મોરબીના (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે (Highcourt) કરેલી સુઓમોટો પિટિશનની આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડ્યા હતા. સાથે જ મોરબી નગરપાલિકા સામે કેટલાક સવાલો ઊભા કરી ફટકાર લગાવી હતી. બીજી બાજુ રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા પગલાં લીધા હોવાની માહિતી હાઇકોર્ટને આપી હતી.
મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાના મામલે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને કેટલાક સવાલો કર્યા હતાં કે, પુલની સ્થિતિ ખરાબ છે તે અંગેની માહિતી હતી, તો પછી પગલાં કેમ નહીં લેવાયા? ઓરેવા ગ્રુપના લોકો દ્વારા પુલનું ઉદ્ઘાટન કરી તેને શરૂ કરી દેવાયો ત્યારે તમે શું કરતા હતા? હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડ્યા હતા.
હાઇકોર્ટમાં જયસુખ પટેલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબી પુલ તૂટવાની ઘટનાનો અફસોસ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માંગુ છું. આમાં કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો ન હતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી શકું નહીં, પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વળતર ચૂકવવાથી રેવન્યુ રહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલ પર થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં, તેમની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે, તે કાર્યવાહી ચાલુ જ રહેશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મનપાની હદના 168 મેજર પુલ, 180 માઇનોર પુલ છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર પુલ, 81 માઇનોર પુલ છે. 27 મેજર પુલ રીપેર કરાયા છે. જ્યારે બાકીનાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના શું હતી?
30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબી ખાતેનો ઐતિહાસિક ઝુલતો પુલ જે મચ્છુ નદી પર આવેલો છે તે તૂટી પડ્યો હતો. રવિવારને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પુલ પર ફરવા આવ્યા હતાં. ત્યારે સાંજના સમયે અચાનક પુલ તૂટી પડ્યો હતો અને ઘણા બધા લોકો પાણીમાં પડી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં કુલ 135 લોકોનું મૃત્યું થયા હતાં.