ગાંધીનગર : મોરબીની પુલ દુર્ઘટનાને (Morbi Bridge Disaster) લઇને હજુ પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Elections) હવે આવતીકાલે પરિણામ (Result) જાહેર થવા જઈ રહ્યું છે અને એવામાં મોરબીની માળિયા વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી (votes Counting) થવાની છે. જોકે મત ગણતરી બાદ પરિણામ ભાજપ (BJP) કે કોંગ્રેસ (Congress) તરફી આવશે તે વાત નિશ્ચિત છે પણ જે પરિણામ હોય તે બંને પક્ષના ઉમેદવારો દ્વારા તેમના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને બેન્ડવાજા અને આતિશબાજી કે જીતના જશ્નની ઉજવણી નહિ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ લીધો નિર્ણય
ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકીની મોરબી માળિયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં સવા મહિના પહેલા ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી અને તેમાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજયા હતા અને તે માહોલની વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં ઘણો સયંમ રાખવામાં આવ્યો હતો. જોકે આવતીકાલે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવા જઈ રહી છે.
વિજય સરઘસમાં કોઈ પણ જગ્યાએ આતશબાજી કે ઢોલ-નગારા નહિ વાગે
મતગણતરી બાદ ભાજપ કે કોંગ્રેસ જે કોઈ તરફે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા તેમના આગેવાનો હોદ્દેદારોને ટેકેદારોને ઝુલતાપુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ રીતે વિજય સરઘસ કાઢવા માટે કહેવામાં આવ્યું છે. વિજય સરઘસમાં કોઈપણ જગ્યાએ આતશબાજી અને ઢોલ નગારા ન કરવા અપીલ કરાઈ. સાથે જ બેન્ડવાજા પણ નહિ વાગે તેવી અપીલ હાલમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
બીજા દિવસે હવન કરીને બધા ભેગા થશું : કાંતિભાઈ અમૃતિયા
મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા ભાજપના ઉમેદવાર અને જયંતિભાઇ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ વખતે જંગ ખેલાયો છે. ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, ચૂંટણીનું પરિણામ હજી બાકી છે. મોરબી દુર્ઘટનામાં અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. કોઈનો ભાઈ, તો કોઈની બહેન, કોઈની દીકરી મૃત્યુ પામી છે. ચૂંટણીના પરિણામ બાદ હાર નહિ, મીઠાઈ નહિ, ઢોલ નગારા નહિ, ફટાકડા નહિ ફોડવાનો નિર્ણય લીધો છે. જીતીશું તો પણ સાદગીથી રેલી કાઢીશું. વિજય સરઘસ બાદ જાહેરસભા યોજીશું, અને શાંતિથી બધા ઘરે જશે. બીજા દિવસે હવન કરીને બધા ભેગા થશું. આ સાથે જ કાંતિ અમૃતિયાએ ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. તેઓએ ભાજપની 125 સીટ પાક્કી હોવાનું જણાવ્યું હતું, સાથે જ મોરબીની તમામ બેઠકો પર ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી.