Charchapatra

નૈતિક જવાબદારી

પ્રજાસત્તાક રાષ્ટ્રમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સત્તાસ્થાને બિરાજે છે. પોતાની સમયાવધિમાં પોતાના દફતરની તમામ બાબતોમાં તેના પ્રધાનની નૈતિક જવાબદારી બની જાય છે. જો તેમાં કોઇ ભૂલ થાય, ગોટાળો થાય કે બેદરકારી થાય ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી તે ખાતાના પ્રધાને ક્ષમાયાચના સાથે રાજીનામું ધરી દેવું જોઇએ. સરકારી દફતરોમાં સૌથી વધુ ધ્યાનપાત્ર રેલવે ખાતુ રહ્યું છે. આઝાદીના છોત્તેર વર્ષોમાં આમ તો ઘણાં રેલવે પ્રધાનો થઇ ગયા પણ એક એવા ઉચ્ચ આદરપાત્ર રેલવે પ્રધાન થઇ ગયા જેમણે ભારતના એક રેલવે સ્ટેશન પાસે થયેલા ગમખ્વાર દુર્ઘટના, જાનહાનિ બદલ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દીધું હતું.

જો કે તેઓ અકસ્માતવાળા રેલવે સ્ટેશન પર ફરજ બજાવનાર સ્ટેશન માસ્તર ન હતા કે અન્ય રેલવે કામગીરીમાં ત્યારે ચૂક બતાવનાર કર્મચારી ન હતા અને પ્રધાન તો દિલ્હી સ્થિત મંત્રાલયમાં સેવારત હતા. આમ છતાં રાષ્ટ્રપ્રેમી જનસેવક, જનનેતા તરીકેની પોતાની ફરજ સમજીને પ્રધાનપદનો મોહ ત્યજી નૈતિક જવાબદારી હેઠળ સત્તા સ્થાનને ક્ષમાયાચના સહિત ત્યજી દીધું અને દુર્ઘટનામાં થયેલ જાનમાલની હાનિ બદલ દુ:ખ વ્યકત કર્યું. એ આદર્શ પ્રધાન હતા લાલબહાદુર શાસ્ત્રીજી. આજે રોજે રોજ છાશવારે રેલવે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે છતાં પ્રધાન સ્થિતપ્રજ્ઞ રહે છે. આજે ભારતમાતા શોધે છે પોતાના એવા માનવતાવાદી લાલને જે નૈતિક જવાબદારીને અનુસરતો હોય અને ઇતિહાસ પોકારે છે કે ફરી કોઇ લાલબહાદુર અવતરે, રેલવે દુર્ઘટનાઓ ભૂતકાળની ઘટના બની જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોલકાતાની શાન ટ્રામ હવે બંધ કરાશે
151 વર્ષોથી કોલકાતામાં દોડતી કોલકાતા ભારતની શાન ટ્રામ હવે બંધ કરાશે. આ દુ:ખદ સમાચારથી કોલકાતાવાસીઓ જ નહીં બલ્કે સમગ્ર ભારતવાસીઓને દુ:ખ થાય એ સ્વાભાવિક જ છે. કેમકે કોલકાતા સિવાય ભારતમાં કયાંયે ટ્રામ નથી. ટ્રામ એટલે રેલવે પાટાની જેમ ટ્રામવેઝના પાટા પર 151 વર્ષોથી બે બોગી વાળી ટ્રામ. ટ્રાફિક સમસ્યાના લીધે સંકુચિત સાંકડા માર્ગો પર ટ્રામ સેવા બંધ કરી દેવાય એ જરૂરી છે પણ જયાં માર્ગો ખુબ પહોળા ટ્રાફિક સમસ્યા ન રહેતી હોય ત્યાં તેવા માર્ગો પર ટ્રામ વે સેવા બંધ કરવી ન જોઇએ. આ અંગે ફરી વિચારણા થવી જોઇએ.

કોલકાતામાં માનવ ગાડીઓ માનવી દ્વારા ખેંચી બગલમાં દબાવી દોડાતી ગાડીઓ હજી પણ છે. સાયકલ રીક્ષાઓ હજી પણ છે. ઓટો રીક્ષા, ટેક્ષી, બસ સેવા, મીની બસ સેવા, લકઝરી બસ સેવા, 1984થી સતત મેટ્રો ટ્રેઇન સેવા, ઘણા વર્ષોથી રીંગ રેલવે સેવા, સ્ટીમ લોંચ સેવા છતા સૌથી સસ્તી સૌથી સારી ટ્રામ સેવા 151 વર્ષોથી આજે પણ છે. તેથી કોલકાતામાં ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનોની જરૂર ઓછી હોવાથી ખાનગી વાહનો લોકોની માલિકીની ઓછી છે. ભારત દેશની શાન કોલકાતામાં આવેલ ટ્રામ સેવા બંધ થવી ન જોઇએ. કોલકાતાના દૂર દૂર વિસ્તારો સાથે મેટ્રો ટ્રેઇનોની જેમ ટ્રામ સેવા પણ લંબાવવી જોઇએ.
સુરત              – મોહિન મલિક આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top