National

કેરળમાં ચોમાસું એક દિવસ વહેલું આવી પહોંચ્યું, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ક્યારે મોન્સુન શરૂ થશે, જાણો..

નવી દિલ્હી: કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહેલો અડધું ભારત આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યું છે ત્યારે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું કેરળના તટ સહિત ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં આગમન થયું છે. ખાસ વાત એ છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચી ગયું છે. 

કેરળમાં આ વખતે ચોમાસાએ સમય પહેલા દસ્તક આપી છે. રાજ્યમાં ચોમાસાની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, તે 3-4 દિવસ આગળ અથવા પાછળ હોવું સામાન્ય માનવામાં આવે છે. જોકે, આ વખતે ચોમાસું એક દિવસ વહેલું ગુરુવારે તા. 30 મેના રોજ કેરળમાં આવી ગયું છે.

હવામાન ખાતાએ કરી હતી આગાહી
IMDએ કહ્યું હતું કે કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ ટૂંક સમયમાં ચોમાસાના વરસાદમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) એ આજે ​​કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે.

22મી મેએ ચોમાસું આંદામાન નિકોબારમાં પહોંચ્યું હતું
તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે અને ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 3 દિવસ વહેલું એટલે કે 19મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે.

રેમલના લીધે ચોમાસું વહેલું આવ્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે, જે આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.

દરમિયાન હવામાન શાસ્ત્રીઓએ કહ્યું કે, રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે.

કયા રાજ્યમાં ક્યારે શરૂ થશે ચોમાસું?
હવામાન નિષ્ણાતો અનુસાર ગુજરાતમાં 10 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. દિલ્હીમાં જૂનના અંત સુધીમાં ચોમાસું શરૂ થશે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે.

હવામાન વિભાગ અનુસાર તમિલનાડુમાં 1 જૂન, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં 5મી જૂન, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ઉપરનો ભાગ, પશ્ચિમ બંગાળમાં 10મી જૂન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારની સરહદ પર 15મી જૂન, ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 20 જૂન, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં 25મી જૂન તથા રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં 30 જૂન અને છેલ્લે રાજસ્થાનમાં 5મી જુલાઈમાં ચોમાસું બેસી જશે.

Most Popular

To Top