Gujarat

અરબ સાગર પરથી આવેલી આ સિસ્ટમના લીધે ચોમાસું સક્રિય થયું, અઠવાડિયું ગુજરાતને ધમરોળશે

ગાંધીનગર: રાજયમાં અરબ સાગર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમને પગલે ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ અમરેલીના બાબરામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આ સાથે રાજ્યમાં 23મી જૂન સુધીમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. કચ્છ, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં ભાવનગરના ગારિયાધાર , લીલીયા અને છોટા ઉદેપુરના કવાંટમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. નર્મદાના નાંદોદમાં 20 મીમી , કચ્છના માંડવીમાં 15 મીમી , અમરેલીના લાઠીમાં 15 મીમી , દ્વારકામાં 10 મીમી વરસાદ થયો છે.

અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે. બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડતાં સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે.

આગામી 23મી જૂન સુધીમાં રાજયમાં હળવાથી ભારે વરસાદની વકી રહેલી છે. જેમાં અરવલ્લી , પંચમહાલ , અમદાવાદ, ખેડા , આણંદ , દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત , ડાંગ , નવસારી, વલસાડ , તાપી, દમણ, દાદરા નગર હવેલી , સુરેન્દ્રનગર,રાજકોટ , જામનગર, પોરબંદર, જુનાગઢ , અમરેલી, ભાવનગર , મોરબી ,દ્વારકા, ગીર સોમનાથ, દીવ , બોટાદ અને કચ્છમાં પ્રતિ કલાકના 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે અને ગાજવીજ સાથે વરસાદ થશે, તેવી ચેતવણી ઈશ્યુ કરાઈ છે.

Most Popular

To Top