Dakshin Gujarat

ઘનઘોર વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું

નવસારી : નવસારી જિલ્લામાં વરસાદ ઝાપટા અને ગેરહાજરી બાદ આજે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી ખેરગામ-નવસારી-ગણદેવીમાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જલાલપોર અને ચીખલીમાં 2-2 વરસાદ નોંધાયો હતો.

  • ખેરગામ-નવસારી-ગણદેવી અઢી-અઢી, જલાલપોર-ચીખલી 2-2 ઇંચ વરસાદ
  • સમગ્ર દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો

નવસારી જિલ્લામાં ચોમાસુ શરૂ ત્યારથી વરસાદી માહોલ ઝામ્યો ન હતો. જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટા જ પડી રહ્યા હતા. જ્યારે ઘણા દિવસો સુધી વરસાદની ગેરહાજરી રહેતી હતી. હમણાં સુધી માત્ર એક જ વખત જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ વરસાદની ગેરહાજરી જોવા મળી હતી. જેથી જિલ્લાના વાસીઓ વરસાદી માહોલ જામવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.
નવસારી જિલ્લામાં આજે સવારથી જ વાદળો ઘેરાયા હતા. તેમજ ધીમીધારે વરસાદ પણ પડી રહ્યો હતો. જોકે દર વખતની જેમ આજે વાતાવરણમાં ઉઘાડ પડ્યો ન હતો. જેથી સમગ્ર દિવસ દરમિયાન વરસાદ માહોલ રહેતા ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો. જોકે વચ્ચે-વચ્ચે વરસાદ જોરમાં ઝાપટું પણ મારી રહ્યું હતું. જેથી લોકોને વરસાદી માહોલમાં મઝા પડી હતી.

  • નવસારી જિલ્લાનો 24 કલેકનો વરસાદ
    ખેરગામ 67 મી.મી. (2.7 ઇંચ)
    નવસારી 62 મી.મી. (2.5 ઇંચ)
    ગણદેવી 60 મી.મી. (2.5 ઇંચ)
    ચીખલી 50 મી.મી. (2 ઇંચ)
    જલાલપોર 48 મી.મી. (2 ઇંચ)
    વાંસદા 19 મી.મી. (0.7 ઇંચ)

ચીખલી તાલુકામાં બપોરે બે કલાક મુશળધાર વરસાદ વરસ્યો
ઘેજ, વાંસદા : ચીખલી પંથકમાં બપોરના સમયે ઘનઘોર વાતાવરણ વચ્ચે કડાકા ભડાકા અને પવનના સુસુવાટા સાથે દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતા માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સારા વરસાદથી ધરતીપુત્રોને પણ રાહત થઈ હતી.

આ દરમ્યાન શુક્રવારના રોજ વહેલી સવારથી જ સુરજદાદાની સંતાકૂકડી વચ્ચે બપોર બાદ હવામનનો મિજાજ બદલાતા કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે ઘનઘોર વાતાવરણમાં કડાકા ભડાકા સાથે બપોરે ૨-વાગ્યાની આસપાસ મેઘરાજાનું પૂરજોશમાં આગમન થયું હતું. અને સતત બે કલાક મુશળધાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. તો ઘણી જગ્યાએ માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી.

વરસાદથી ડાંગરના ધરૂની વાવણીને લાભ થવા સાથે વાવણી બાકી હોય તેવા ખેડૂતોને પણ વાવણી માટે સાનુકૂળ સ્થિતિ થવા પામી હતી. ચાર વાગ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું હતું. દિવસ દરમિયાન 6 વાગ્યા સુધીમાં ૪૧ મીમી વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ ૭.૮૦ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો. વાંસદામાં પણ વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આશરે એક કલાક સુધી પડેલા વરસાદથી વાંસદા બજારમાં છત્રી, રેનકોટની ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો હતો.

ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદથી પાણીનો જમાવડા
બીલીમોરા : ગણદેવી તાલુકામાં શુક્રવાર સાંજે 6 વાગ્યાં સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા પ્રિ મોન્સૂન કામગીરી ખુલ્લી પડી હતી. અને પાણીનો જમાવડા જોવાયો હતો. ગણદેવી સાથે બીલીમોરામાં શુકવારે બપોરે વરસાદ વરસતા જગતનાં તાતની આતુરતા નો અંત આવ્યો હતો. અંબિકા નદી 10.33 ની જળ સપાટીએ વહેતી જોવાઈ હતી. નદી, જળાશયોમાં નવા પાણી આવ્યા હતા. વિધવત ચોમાસુ મંડાવાની લોકોને આશા બંધાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે આંતલીયા સર્કલ માર્ગ ઉપર વૃક્ષ ત્યાંથી પસાર થતા ટેમ્પો પર નમી જતા જેસીબીથી દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. લોકો છત્રી અને રેઇનકોટમાં નજરે ચઢ્યા હતા.

ખેરગામ તાલુકામાં પવનના સુસુવાટા સાથેના વરસાદથી જનજીવન પ્રભાવિત
ખેરગામ : ખેરગામ તાલુકામાં શુક્રવારના રોજ વીજળીના ચમકારા, કડાકા-ભડાકા અને પવનના સુસુવાટા સાથે મેઘરાજા મન મૂકીને વરસતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખેરગામ તાલુકામાં 51 મીમી જેટલો વરસાદ થતાં ખેડૂતોને રાહત થવા પામી હતી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા હાથ તાળી દેતા લોકો અસહ્ય ગરમીથી અકળાયા હતા. જોકે શુક્રવારે ખેરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતા 51 મીમી જેટલો વરસાદ નોંધાવવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. તો બીજી બાજુ ડાંગરની વાવણી કરી રહેલા ખેડૂતોએ રાહત અનુભવી હતી. અત્યાર સુધીનો 174 મીમી જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

Most Popular

To Top