નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસુ (Monsoon) સક્રિય થયું છે. શનિવારે સવારે દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ (Rain) સાથે સવારની શરૂઆત થઈ હતી. વરસાદના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી હતી. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે જેના કારણે શિમલાના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદે પહાડી રાજ્યોમાં તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશના સિમલાના વિવિધ ભાગોમાં ભૂસ્ખલનને પગલે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં શનિવાર-રવિવારે વરસાદ પડશે
હવામાન વિભાગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે 19 અને 20 ઓગસ્ટે પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ 20 ઓગસ્ટથી ફરી એકવાર ચોમાસું સક્રિય થયા બાદ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડી શકે છે. પરંતુ આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઓગસ્ટના બાકીના દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે ઓડિશામાં આજે એટલે કે 19 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. આ સિવાય આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહારના સીતામઢી, મુઝફ્ફરપુર, પટના, સમસ્તીપુર, ખગરિયા જિલ્લામાં 22 ઓગસ્ટે વધુ વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્યપ્રદેશમાં 19 અને 20 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતના રાજ્યો, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં 19 થી 22 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તે જ સમયે પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે જ્યારે યુપીમાં 19 થી 22 ઓગસ્ટ સુધી, હિમાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં 19 ઓગસ્ટે ભારે વરસાદ થઈ શકે છે.