National

ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, આ તારીખથી ગુજરાતમાં વરસાદ પડશે: હવામાન વિભાગ

નવી દિલ્હી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે ચોમાસું ક્યારે શરૂ થશે? આ સવાલનો જવાબ દેશના હવામાન વિભાગે આપ્યો છે.

કેરળમાં તા. 30મી મેના રોજથી ચોમાસું શરૂ થઈ ગયું છે. આ વર્ષે આંદામાન નિકોબાર અને કેરળમાં ચોમાસું વહેલું આવ્યું છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર કેરળથી ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે તેની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

IMD અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેના રોજ નિર્ધારિત સમય પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશી શકે છે.

ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી અપેક્ષા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસું આવી શકે છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 થી 15 જૂનની વચ્ચે છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દેશમાં પ્રવેશ્યું છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસું તેના નિર્ધારિત સમય પહેલા અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે.

ચાલુ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ગરમી રહેશે: હવામાન
હાલ ગુજરાતમાં ભારે ગરમી છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અત્યંત ગરમી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં પણ ખૂબ જ ગરમી છે. અહીં દિવસનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આ સપ્તાહ દરમિયાન આકરી ગરમી યથાવત રહેવાની સંભાવના છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

Most Popular

To Top