National

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે: હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે.ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરસાદ પાંચ ટકા વધ ઘટના એરર માર્જીન સાથે લાંબા ગાળાની સરેરાશ(એલપીએ)ના ૯૮ ટકા રહેશે.

ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે એમ તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદની પ્રથમ લાંબા ગાળાની આગાહી બહાર પાડતા જણાવ્યું હતું.

વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને સારી કૃષિ ઉપજ મેળવવામાં મદદરૂપ થશે. આપણે ત્યાં લાંબા ગાળાની સરેરાશ એ ૧૯૬૧થી ૨૦૧૦ દરમ્યાન દેશભરમાં પડેલા વરસાદની સરેરાશ છે જે ૮૮ સેન્ટિમીટર છે.

નૈઋત્યનું ચોમાસું એ દેશની ખેતી માટે ખૂબ મહત્વનું છે. દેશની ખેતીનો ઘણો મોટો ભાગ વરસાદ પર આધારિત છે અને આ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું દેશના કુલ વરસાદના લગભગ ૭પ ટકા જેટલો વરસાદ લાવે છે. આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે વરસાદની પ્રાદેશિક વહેંચણી અંગે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ દેશ માટે સારા ચોમાસાની આગાહી કરી હતી પરંતુ તેણે લાંબા ગાળાની સરેરાશના ૧૦૩ ટકા વરસાદની આગાહી કરી હતી.

Most Popular

To Top