સુરત: સુરત મેટ્રો(SURAT METRO)ની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના બંને ફેઇઝ એટલે કે કુલ 40.35 કિ.મી.ના મેટ્રો રેલ રૂટ માટે જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ (GENERAL ENGINEERING CONSULTANT)નો કરાર બુધવારે નિપ્પન ઇન્ડિયાના કન્સોર્ટિયમ રાઇટ્સ ટીપીએફ ગેટિન્સા યુરોએસ્ટુડિયોઝને આપવામાં આવ્યો છે. મેટ્રોના સમગ્ર 40.35 કિ.મી.ના પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યો છે. આ સાથે હવે ચાર પાંચ દિવસમાં ડ્રીમ સિટી ખાતે બનનારા મેટ્રો સ્ટેશન માટે પાઇલિંગનું કામ પણ શરૂ કરી દેવાની તૈયારી થઇ છે. તેમજ આ તૈયારીના ભાગરૂપે અહીં તમામ મશીનરી ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે.
મેટ્રો રેલ સાથે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટમાં ડિઝાઇન (DESIGN) તેમજ ડિઝાઇન સમીક્ષા, સિસ્ટમ એકીકરણ, બાંધકામમાં દેખરેખ અને કાનૂની જવાબદારીઓનું સહિતનું નિરીક્ષણ સહિત પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ, વહીવટી અને ઇન્ટરફેસ મેનેજમેન્ટ, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પરીક્ષણ અને અમલીકરણની કામગીરીનો સમાવેશ થાય છે. ગુજરાત મેટ્રો રેલ નિગમ (GMRC) દ્વારા એપ્રિલ-2020માં આ કન્સલ્ટન્સી કરાર માટે એક્સ્પ્રેશન ઓફ ઇન્ટ્રેસ મંગાવવામાં આવ્યા હતા. જેમાં છ અરજી આવી હતી. જેમાં ઉપરોક્ત કંપનીનું ટેન્ડર સૌથી લોએસ્ટ હોવાથી તેને આ કામ સોંપવા નિર્ણય લેવાયો હતો. સુરત મેટ્રો માટે અત્યાર સુધી સદભાવ એન્જિનિયરિંગ અને જે.કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે સિસ્ટમની લાઇન-1 (સરથાણા-ડ્રીમ સિટી) ઉપર ગ્રાઉન્ડ વર્ક (GROUND WORK) શરૂ કર્યું છે, જેમાં ભૂ-તકનિકી તપાસ, યુટિલિટી શિફ્ટિંગ અને બિલ્ડિંગ શરત સર્વેક્ષણોની કામગીરી ચાલી રહી છે.
મેટ્રોના સમગ્ર પ્રથમ રૂટ પર ઠેર ઠેર બેરિકેટ લગાવી ગ્રાઉન્ડ વર્ક શરૂ કરાયું
સુરત મેટ્રોની કામગીરી હવે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોની ફેઝ-1ની જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટનો કરાર નિપ્પન કોઇ ઇન્ડિયાના કન્સોર્ટિયમ-રાઇટ્સ-ટીપીએફ ગેટિન્સા યુરોએસ્ટુડિયોઝને આપવામાં આવી ચૂક્યો છે. આ અગાઉ 20 કિં.મી.ના પ્રથમ રૂટના કામ માટે ટેન્ડરો મંજૂર કરી દેવાયા બાદ ડિઝાઇન કન્સલ્ટન્સી અને પીએમસી પણ નીમી દેવાઇ છે. ત્યારે હવે કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના રૂટ માટે સદભાવ એન્જિનિયરિંગ અને જે.કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે પોતાની સાઇટ પર ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધુ છે. જેમાં ભૂ-તકનિકી તપાસ, યુટિલિટી શિફ્ટિંગ અને બિલ્ડિંગ સર્વેક્ષણોની કામગીરી ચાલી રહી છે. તેમજ પ્રથમ ફેઇઝના આખા રૂટ પર ઠેર ઠેર બેરિકેટ અને પતરાં લગાવી થઇ રહેલી કામગીરી દેખાઇ રહી છે.
ભૂગર્ભ લાઇન માટેની પ્રોજેક્ટ કોસ્ટમાં 30 કરોડના ઘટાડાની શક્યતા
મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટના જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ-પીએચ-આઇ અને આરએફપી તબક્કા દરમિયાન સ્કોપ ઓફ વર્કનું વિગતવાર વોલ્યુમ જાહેર થનાર છે. જો કે, એવી પણ માહિતી મળી રહી છે કે કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશન સુધીના 3.46 કિ.મી.ના ભૂગર્ભ પેકેજના નિર્માણ માટે જીએમઆરસીના અંદાજ 929.46 કરોડના ટેન્ડર સામે સૌથી લોએસ્ટ બીડ ભરનાર ગુલમર્ક-સેમ ઈન્ડિયા બિલ્ટવેલ જોઇન્ટ વેન્ચરને રૂ.1073.31 કરોડનો ઇજારો આપવામાં આવ્યો છે. પરંતુ આ કિંમત રૂ.1036થી 1040 કરોડ સુધી નીચી જાય તેવી પણ શક્યતા છે. તેમજ આ ભાવ ઘટાડા માટે ઇજારદાર એજન્સી પણ સંમત હોવાનું જાણવા મળ્યું છે.