છેલ્લાં થોડાં વર્ષોમાં સરકાર જે કંઈ કરે છે તે એટલું ઉઘાડેછોગ કરે છે કે તપાસપંચો નીમવાની જરૂર પડતી નથી. માનસશાસ્ત્રીઓ કહે છે કે લોકોને ઢંકાયેલી ચીજોનું આકર્ષણ હોય છે. બધું ઉઘાડેછોગ થાય એટલે લોકોને પણ તેમાં કશો રસ પડતો નથી એટલે તપાસપંચ નીમવાની માગણી ઊઠતી નથી પણ એક સમયે કંઈ પણ થાય તો તપાસપંચ નીમાઈ જતાં હતાં. તે કેવી રીતે કામ કરતાં હતાં તેની એક ઝલક, વાંદરા અને મગરની જાણીતી વાર્તા થકી.
***
એક હતો વાંદરો. એ ઝાડ પર રહેતો હતો. એક મગર હતો. એ તળાવમાં રહેતો હતો. બન્ને પાસે રેશનકાર્ડ કે રેસીડેન્શલ પ્રૂફ નથી એવું તેમની જુબાની પરથી માલૂમ પડ્યું છે. (પંચની પહેલી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન) વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં કારણ કે બન્નેના DNA ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન) આ બન્ને ટેરરિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્યો હોવાની દિશામાં આંગળી ચીંધતી કેટલીક હકીકતો મળી આવી છે. જેમ કે વાંદરો દાઢી જેવું રાખે છે ને તેના માથે ટોપી જેવું હોય છે. મગરનો દેખાવ જ હિંસક લાગે છે અને એટલું પૂરતું છે. મગરની ચામડી નેતાઓ જેવી હોવાના આરોપ વિશે પણ વધુ તપાસ જરૂરી છે. (ત્રીજી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)
વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. એને જાંબુ બહુ ભાવતાં હતાં કારણ કે તેને એ મફત મળતાં હતાં. મગરને પણ જાંબુ બહુ ભાવતાં હતાં કારણ કે તેને એ ખાવા મળતાં જ ન હતાં. મગરને જાંબુ ખાવાનું મન થયું, તેમાંથી જ આખી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. (ચોથી મુદત પૂરી. એક્સ્ટેન્શન.) વાંદરા અને મગર વચ્ચે દોસ્તી થઇ. તેમણે બધા વાંદરા અને મગરો માટે એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એ માટે બન્ને વચ્ચે રોજ મીટિંગ થવા લાગી. વિવિધ સાક્ષીઓની જુબાની પ્રમાણે, બન્નેની મીટિંગ રોજ તળાવમાં થતી હતી કારણ કે મગર ઝાડ પર ચડી શકતો ન હતો. આ વિશે મગરને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘એવું કંઈ નહીં. હું ધારું તો ઝાડ પર ચડી જઉં, પણ હું ધારતો નથી.’ (પાંચમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
વધુ તપાસમાં વાંદરાએ કહ્યું હતું કે ‘સંગઠનની રચના તો ખાલી બહાનું હતું. ખરેખર તો મારે મગરની પીઠ પર બેસીને તળાવની સહેલ કરવી હતી.’ મગરે આપેલી જુબાનીમાં કહ્યું હતું કે ‘સંગઠનની તો ખાલી કહેવાની વાત હતી. અસલમાં મારે વાંદરાનું કલેજું ખાવું હતું.’ (છઠ્ઠી મુદત પૂરી. એક્સ્ટેન્શન) થોડા દિવસ સાથે હર્યાફર્યા પછી અને સંગઠનની વાતો કર્યા પછી એક દિવસ વાંદરો તળાવે આવ્યો ત્યારે તેને મગરની આંખોમાં જુદી જાતનો ચમકારો દેખાયો. વાંદરાએ મગરની પીઠ થપથપાવી અને હંમેશાંની જેમ ઉપર બેસી ગયો. તળાવની વચ્ચોવચ પહોંચ્યા પછી મગરે મુદ્દાની વાત કાઢીઃ ‘તમે જે જાંબુ ખાવ છો તે આટલાં મીઠાં હોય છે તો તમારું કલેજું કેટલું મીઠું હશે! મારે તમારું કલેજું ખાવું છે.’ વાંદરાને ખરાબ ન લાગે એટલે મગરે એમ પણ કહ્યું કે ‘તમારો વિશ્વાસઘાત કરવો પડ્યો તે બદલ હું મારી જાતને દિલથી માફ નહીં કરી શકું પણ મારે તમારું કલેજું તો ખાવું જ છે.’ (સાતમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
‘મગર જોડે સંગઠન રચીએ એટલે વહેલોમોડો કલેજું ચીરાવાનો દિવસ આવે જ’ એવું વાંદરો મનોમન ગણગણ્યો પણ ચહેરા પર સ્વસ્તથતા જાળવીને ટાઢકથી તેણે કહ્યું,‘મારું કલેજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું.’ વાંદરો ખરેખર આવું જ બોલ્યો હતો કે નહીં, તેના પૂરતા પુરાવા મળ્યા નથી. વાંદરાએ પંચ સમક્ષ જુબાનીમાં આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ તો મગરે બે ઘડી ગમ્મતમાં કહ્યું હતું એટલે મેં એને ગમ્મતમાં કહ્યું કે કલેજું તો હું ઝાડ પર ભૂલી ગયો. અમારા બન્નેમાંથી કોઇ એટલું મૂરખ નથી કે જેને આટલી સાદી ખબર ન પડે. અમારું સંગઠન હજુ ચાલુ જ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.’ (આઠમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)
મગરે પંચ સમક્ષ જુબાનીમાં આવું કંઇ બન્યું હોવાનો ઇન્કાર કર્યો હતો પણ બીજાં કેટલાંક પ્રાણીઓ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે ‘તે દિવસે મારી પીઠ પર બેઠેલા વાંદરાનું કલેજું તો હું ખાઇ ચૂક્યો છું. અત્યારે જે વાંદરો નિવેદન આપે છે એ તો બીજો જ વાંદરો છે. એને હું કદી મળ્યો નથી. એને મારી પીઠ પર નહીં પણ અમારા ગઠબંધન પર ચડી બેસવામાં રસ છે.’ (નવમી મુદત પૂરી. એક્સ્ટેન્શન) તપાસપંચને મળેલી આ માહિતીથી આખી ઘટનાને નવો વળાંક મળતાં, એ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે નવું પંચ રચવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, વિવિધ નિર્માતાઓ અનંત લંબાઇની સીરિયલ લખાવવા માટે તપાસપંચની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. નવ મુદતને અંતે તૈયાર થયેલો તપાસપંચનો અહેવાલ વાંદરા અને મગરના ગઠબંધનમાં ભંગાણ પાડવાનું થાય ત્યારે જાહેર કરાશે. ત્યાં સુધી અહેવાલનું શું થશે, એ તપાસનો કે તપાસપંચનો વિષય છે.