સુરતઃ સુરત શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. એક બાદ એક ગુના દાખલ કરી સુરત પોલીસ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે, ત્યારે આજે ઉધના વિસ્તારના કુખ્યાત વ્યાજખોર લાલીને પોલીસે પાંજરે પુર્યો છે.
નાણાં ધીરધારના લાયસન્સ વિના ગેરકાયદે વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરો વસૂલાત માટે ધાકધમકી આપે છે, અપશબ્દો બોલે છે. આવા વ્યાજખોરો સામે ઉધના પોલીસે કાર્યવાહી કરી છે. ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ ઉધના પોલીસે એકની ધરપકડ કરી છે. ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર હંજારા ઉર્ફે લાલીની ધરપકડ કરી છે.
ધર્મેન્દ્ર હંજારા લાયસન્સ ન હોવા છતાં વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ અનુસાર દોઢ ટકા જ વ્યાજ વસૂલી શકાય પરંતુ આરોપી ધર્મેન્દ્ર હંજારા 12 ટકા લેખે વ્યાજ વસૂલતો હતો. 2 લાખ વ્યાજે લેનાર પાસેથી તે 24 હજાર પહેલાં જ કાપી લેતો હતો. ફરિયાદીએ વ્યાજે લીધેલા રૂપિયા ઉપરાંત વ્યાજ પણ ચૂકવ્યું હોવા છતાં જાનથી મારી નાંખવાની ધમકી આરોપીએ આપી હતી.
ફરિયાદી પાસેથી બળજબરીથી ટુકડે ટુકડે રૂપિયા 6.83 લાખ વસૂલી લીધા હતા. ત્યાર બાદ પણ આરોપીએ 2023 એપ્રિલ મહિનામાં ફરિયાદી પાસેથી 3 લાખની ઉઘરાણી કાઢી હતી. તેમજ ફરિયાદીના નામના કોરા ચેકમાં રૂપિયા 15 લાખ લખી ચેક રિટર્નનો કોર્ટમાં ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદીને મા-બેન સમી ગંદી ગાળો આફી હતી. તેમજ રૂપિયા આપી દેજે નહીંતર જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી.
ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્ર હંજારા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર અમરસિંગ હંજારા (ઉં.વ. 51)ની ધરપકડ કરી છે. જ્યારે તેના સાગરિતો રવિ અને મોહન મરાઠેને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ રીતે લાલીને પકડ્યો
ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પંજાબી વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. 54 કોરા ચેક મળ્યા હતા. તે મામલે પોલીસ લાલી પંજાબીને શોધી રહી હતી. તે કેસમાં ધરપકડથી બચવા લાલી આગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો ત્યારે પોલીસે લાલી છટકી નહીં જાય તે માટે બીજા મામલામાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. કહેવાય છે કે લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય તેવી શક્યતા છે.