નવી દિલ્હી: 200 કરોડના મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) આજે (10 નવેમ્બર) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી. જેકલીનની જામીન અંગેનો નિર્ણય આવતીકાલે એટલે કે 11 નવેમ્બરે આવી શકે છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. EDએ કહ્યું કે જેકલીને તપાસમાં સહકાર આપ્યો નથી. તે ભાગવાનો પ્રયાસ પણ કરી રહી હતી. આ માટે તેણે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. જો કે જેક્લિને આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે તેમણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. ED તેને હેરાન કરી રહી છે. દલીલ સાંભળ્યા બાદ કોર્ટે EDને પૂછ્યું કે જો પુરાવા છે તો જેકલીનની હજુ સુધી ધરપકડ કેમ નથીકરવામાં આવી? જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટમાં કહ્યું હતું કે તે તેના કામના સંબંધમાં વિદેશ આવતી રહે છે, પરંતુ મને અટકાવવામાં આવી હતી. હું ગયા વર્ષે જાન્યુઆરીમાં મારી માતાને મળવા જતા અટકાવી હતી. જેકલીને કોર્ટમાં કહ્યું કે તેમણે આ અંગે તપાસ એજન્સીને મેઈલ પણ કર્યો હતો, પરંતુ તેના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
ઇડી મને પરેશાન કરી રહી છે: જેકલીન
કોર્ટમાં સુનાવણી દરમિયાન જેકલીનના વકીલે કહ્યું કે તેણે કંઈ કર્યું નથી અને તે તપાસમાં સહકાર આપી રહી છે. પરંતુ આ મામલે ED તેમને હેરાન કરી રહી છે. અભિનેત્રીના વકીલે કહ્યું કે આ કેસમાં જેકલીને પોતે સરેન્ડર કર્યું છે અને કોર્ટે તેને વચગાળાના જામીન પણ મંજૂર કર્યા છે. બીજી તરફ, સુનાવણી શરૂ થતાં જ કોર્ટે EDના વકીલને કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજોની નકલો આપવા કહ્યું. સપ્લીમેન્ટરી ચાર્જશીટની નકલ પણ આપવામાં આવે તેવું પણ જણાવાયું હતું. EDએ કોર્ટને વધુમાં જણાવ્યું કે જ્યારે જેક્લીનનો સામનો પુરાવા સાથે કરવામાં આવ્યો ત્યારે તેણે હકીકત જણાવી. EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે જેકલીન એક વિદેશી નાગરિક છે અને તેનો પરિવાર શ્રીલંકામાં રહે છે. EDએ કોર્ટને જણાવ્યું કે ડિસેમ્બર 2021માં જેકલીને પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જેકલીનની ધરપકડ કેમ ન કરી: કોર્ટનો EDને સવાલ
EDનું આ નિવેદન સાંભળીને કોર્ટે સવાલ કર્યો કે અબજો રૂપિયા ક્યાં ગયા? કોર્ટે તપાસ એજન્સીને જેકલીનને નિયમિત જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો જેકલીન વિરૂદ્ધ પુરાવા છે તો ધરપકડ કેમ ન કરવામાં આવી? બાકીના આરોપીઓ જેલમાં છે તો જેકલીન ત્યાં કેમ નથી? કોર્ટે કહ્યું, ‘જો તપાસ એજન્સીને કંઈપણ મળે તો તે પૂછપરછ કરી શકે છે.’
જેકલીને મોજ-મસ્તી માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા – ED
EDના વકીલે આરોપ લગાવ્યો કે અમે અમારી આખી જીંદગીમાં 50 લાખ રૂપિયા એકસાથે જોયા નથી, પરંતુ જેક્લિને માત્ર તેની મજા માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા. EDએ કહ્યું કે જેકલીને દેશ છોડવા માટે તમામ યુક્તિઓ અપનાવી કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. EDના વકીલો સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને જણાવે છે કે આર્થિક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કેવી રીતે દેશને નુકસાન પહોંચાડીને દેશ છોડીને ભાગી ગયા છે.
જેકલીને કહ્યું હતું – સુકેશ સાથે અંગત સંબંધો હતા
જણાવી દઈએ કે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની નિકટતા હવે જેકલીન ફર્નાન્ડિસ પર છવાયેલી છે. આ સમયે તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને કરોડોની ગિફ્ટ આપી હતી. જેક્લિને કહ્યું હતું કે મહાથુગ સુકેશ સાથે તેના સંબંધો છેતરપિંડી સાથે સંબંધિત નથી, પરંતુ વ્યક્તિગત હતા.