Comments

અન્નસુલભતાના વિરોધાભાસે મોનાલીસાનું રહસ્યમય સ્મિત

સામ્યવાદની પ્રગાઢ અસર હતી એવા સમયમાં અનેક લોકો કળાને ‘ભર્યા પેટના ચાળા’ ગણતા હતા. બે ટંક ભોજનનાં ફાંફા હોય એવે ટાણે કળાનો વિચાર શેં આવે? કળાનું બજાર વિકસતું ગયું એમ આ ખ્યાલ કદાચ દૃઢ થતો ગયો હશે, કેમ કે, વિવિધ કળાકૃતિઓ ઊંચા દામે વેચાતી થઈ અને તેને ખરીદવી એ મોભાનું પ્રતીક ગણાવા લાગ્યું. કળાનું બજાર આજે એટલું જ જોરમાં છે, પણ એ માટે લોકોનો કળાપ્રેમ નહીં, નાણાંપ્રેમ જવાબદાર છે.

વર્ષના આરંભે જાન્યુઆરી,2024ના અંતિમ સપ્તાહમાં ફ્રાન્‍સના પેરિસ ખાતે આવેલા જગમશહૂર લુવ્ર મ્યુઝીઅમમાં બનેલી એક ઘટના પ્રસાર માધ્યમોમાં ચમકી. બે કાર્યકર્તા મહિલાઓએ આ મ્યુઝીઅમમાં મૂકાયેલી ખ્યાતનામ ચિત્રકાર લિઓનાર્દ દ વિન્‍ચીની ચિત્રકૃતિ ‘મોનલીસા’ પર સૂપ ફેંક્યો. સૂપ ફેંકીને તેઓ ચિત્રની સામે ઊભાં રહ્યાં અને ફ્રેન્‍ચ ભાષામાં બોલ્યાં, જેનો અર્થ આવો હતો, ‘વધુ મહત્ત્વનું શું છે? કળા કે સ્વસ્થ અને ટકાઉ આહારપ્રણાલિ?’ સાશા અને મેરી-જુલિયેટ નામની આ બન્ને મહિલાઓ ‘રીપોસ્ત એલીમોન્‍તેર’ નામના એક પર્યાવરણસંબંધી સંગઠનની સભ્ય હતી. આ સંગઠને પછી બન્નેના આ કૃત્યની જવાબદારી લેતાં ઘોષિત કર્યું, ‘સાશા અને મેરી-જુલિયેટ ટકાઉ આહારની સામાજિક સુરક્ષા અંગેની માગણી કરે છે.’

આ ઘટનાનાં વિવિધ પરિમાણ છે. ‘મોનાલીસા’ યુરોપના નવજાગરણ યુગની એક મહત્ત્વની કૃતિ લેખાય છે, જે ખરા અર્થમાં અમૂલ્ય છે. દર વરસે લાખો મુલાકાતીઓ આ કૃતિના દર્શને ઉમટે છે. પરિણામે આ કૃતિને અટકચાળું કરવાથી જગતભરનાં લોકોનું ધ્યાન આકર્ષી શકાશે એમ ધારીને દેખાવકારો કે વિરોધીઓ તેને વિકૃત કે કુરૂપ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. આ હુમલા અગાઉ પણ પાંચ વખત તેની પર એક યા બીજી રીતના હુમલા થઈ ચૂક્યા છે. અલબત્ત, તે કુરૂપ ન થાય એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આ કિસ્સામાં પણ કૃતિ બુલેટપ્રૂફ કાચ પાછળ ઢંકાયેલી હોવાથી તેને કશું નુકસાન થયું નથી.

પોતાની વાજબી કે ગેરવાજબી માગણીઓ પ્રતિ જગતના લોકોનું, ખાસ કરીને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે કોઈ ત્રાહિત બાબતને વચ્ચે લઈ આવીને તેના નુકસાનનો પ્રયત્ન કરવો એ એક પ્રચલિત અને પુરવાર થયેલી કાર્યપદ્ધતિ છે. આ પદ્ધતિનું અંતિમવાદી સ્વરૂપ એટલે અપહરણ યા અન્ય પ્રકારનું ત્રાસવાદી કૃત્ય. આ કિસ્સામાં બન્ને મહિલાઓ શું ઈચ્છતી હતી? તેમણે એમ કહ્યું હોવાનો અહેવાલ છે કે, ‘આપણી કૃષિપ્રણાલી નકામી છે. આપણા ખેડૂતો કાર્યસ્થળે મરી રહ્યા છે.’

જે સંગઠનની તેઓ સભ્ય છે એ જૂથે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે ‘ફ્રાન્‍સમાં દર ત્રણ પૈકી એક જણ સ્રોતના અભાવે આહાર પામી શકતો નથી. બીજી તરફ વીસેક ટકા જેટલો ઉત્પાદિત ખોરાક ફેંકી દેવામાં આવે છે.’ આથી આ સંગઠનની માગણી છે કે ‘આહારને સામાજિક સુરક્ષાના માળખામાં સામેલ કરી લેવામાં આવે અને પ્રત્યેક નાગરિકને દર મહિને દોઢસો યુરોનું એક કાર્ડ આપવામાં આવે, જેથી તેઓ ‘લોકશાહી ઢબે પસંદ કરાયેલી’ પૂર્વમંજૂરી ધરાવતી પેદાશ ખરીદી શકે.’ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં ઘણા વખતથી ખેડૂતો સરકારી નિયમનો અને વધતી જતી ઈંધણની કિંમતના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.

બન્ને મહિલાઓના આ કૃત્ય અંગે વિવિધ પ્રકારની ટીપ્પણીઓ થઈ રહી છે. કેટલાંક લોકો એને ‘દેખાડાબાજી’ ગણાવી રહ્યા છે. કેટલાક માને છે કે તેમનો મુદ્દો સાચો હોય તો પણ વિરોધની આ રીત ખોટી છે, કેમ કે, તેઓ લોકોનું ધ્યાન કદાચ આકર્ષી શકે, પણ એનું પરિણામ ખાસ કશું મળતું નથી. કેટલાકે તો ટકાઉ ખોરાકપ્રણાલી ઊભી કરવા અંગેની માગણી માટે ‘ખોરાકની ચીજ’ એવા સૂપના આ રીતે બગાડ સામે પણ વ્યંગ્ય કર્યો છે.

બન્ને મહિલાઓને જે સજા થાય એ ખરી, પણ આ ઘટના એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે ફ્રાન્‍સની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ સ્થિતિ કેવળ ફ્રાન્‍સની કે યુરોપના દેશ પૂરતી મર્યાદિત નથી, વિશ્વભરમાં તે પ્રવર્તી રહી છે. થોડા સમય અગાઉ આ કટારમાં અન્નના અનાદર વિશે લખવામાં આવ્યું હતું. એ મુજબ રાંધેલા અન્નનો બગાડ પૃથ્વીના પર્યાવરણને પ્રદૂષિત કરવામાં મોટું પ્રદાન કરે છે, કેમ કે, તેના માટે અનેક પ્રકારના નૈસર્ગિક સ્રોતનો ઉપયોગ થતો આવે છે.

આપણા દેશમાં પણ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી. એક તરફ એક મોટો શહેરી વર્ગ એવો ઊભો થયેલો જોઈ શકાય છે કે જેઓ સપ્તાહાંતે કે રજાના દિવસોએ બહાર ભોજન કરવા લાગ્યો છે. નાણાં ખર્ચીને પ્રાપ્ત કરાયેલા આ ભોજનનો બગાડ કરવાનો જાણે કે તેમને અધિકાર મળી જાય છે. ઢગલાબંધ વાનગીઓનો ઓર્ડર આપવો અને પછી તેને પ્લેટમાં પડી રહેવા દેવી એ જાણે કે સામાન્ય પરિસ્થિતિ બની ગઈ છે. શુભાશુભ પ્રસંગોએ પણ ભોજનનો ગુનાહિત વેડફાટ આપણી પરંપરા બની રહી છે. બીજી તરફ એવો મોટો વર્ગ અસ્તિત્વમાં છે કે જેના માટે બે ટંકનું ભોજન સુદ્ધાં વૈભવ સમાન છે. આવો વર્ગ સામાન્ય રીતે નજરે ન પડે એનો અર્થ એમ નહીં કે તેનું અસ્તિત્વ નથી. આવો વર્ગ બોલકો નથી અને તેમના વતી અવાજ ઉઠાવી શકે એવા બહુ ઓછા છે. સત્તાધીશોની પ્રાથમિકતામાં આ મુદ્દો આવે ત્યારે ખરો, પણ વ્યક્તિગત ધોરણે આપણે અન્નનો વેડફાટ અટકાવીએ તોય ઘણું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top