Gujarat

સોમ – મંગળવારે મંત્રીઓ સચિવાલયમાં રહેશે, અધિકારીઓએ પણ ધારાસભ્યનો મુલાકાત આપવી પડશે

રૂપાણી સરકાર સામે એક ફરિયાદ એ પણ હતી કે અધિકારીઓ તેમને ગાંઠતા ન હતાં એટલું જ નહીં ધારાસભ્યોના વિકાસના કામો પણ કરતાં ન હતાં. રૂપાણી સરકાર ગયા પછી હવે દાદાની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે, સોમ -મંગળવારે હવે મંત્રીઓએ તેમજ વિભાગને વડા હોય તેવા સિનીયર અધિકારીઓએ હવે સચિવાલયમાં ધારાસભ્યો તેમજ સાસંદોને મળવાનું રહેશે, એટલુ જ નહીં વિકાસના કામો ઝડપથી ઉકેલવા પડશે.

આજે આ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ધારાસભ્યો ઉપરાંત રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.

મહેસુલ અને સીનિયર કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પહેલાની સરકારમાં એવી ફરિયાદ ઉઠી હતી કે ધારાસભ્યોને અધિકારીઓ સમય જ આપતા ન હતાં, એટલું જ નહીં તેમને બહાર બેસાડી રાખતાં હતાં.

આવી ફરિયાદોના પગલે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે કે, સોમ અને મંગળવારે મંત્રીઓ કે વિભાગોના વડા હોય તેવા અધિકારીઓએ કોઈ સમારંભોમાં જવું નહીં એટલું જ નહીં ધારાસભ્યો કે સાંસદોને અચૂક મળવાનું રહેશે, મંત્રીઓએ પણ ધારાસભ્યો- સાસંદોની રજૂઆતો સાંભળવાની રહેશે, એટલું જ નહીં તેનો તાત્કાલિક અમલ પણ કરવાનો રહેશે.ત્રિવેદીએ કહ્યું હતું કે ધારાસભ્યોની ફરિયાદોને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી છે, એટલે સરકારની સૂચનાનું અચૂકપણ પાલન થાય તે જરૂરી છે.

Most Popular

To Top