Charchapatra

ગોળ વિના મોળો કંસાર કે ગોળ વિના મોળો સંસાર ???

ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’ ગોળનો. ગોળ વિના ગુજરાતીઓની ઓળખ અધૂરી નહીં પરંતુ સાવ મોળી. ગોળ એટલે ગોલ્ડન સુગર પરંતુ ખાંડ કરતા ગોળ હજાર દરજ્જે સારો.    તાત્કાલીક ઉર્જાનું બીજું નામ જ ગોળ. દેશી ગોળના ચૂરમાના લાડુ, કંસાર, શીરો કે સુખડી એતો ગોળના ખાસમખાસ ઉદાહરણ. ખાનદાન ના રસોડે આ દરેકની શાખ મોટી. કેટલો સ્વાસ્થ્યપ્રદ છે આ ગોળ.

પરંતુ કમનસીબીની વાત એ છે કે આપણે આપણા બાળકોને આ ગોળની વાનગીઓની સાચી ઓળખાણ જ ક્યાં કરાવી છે? કેક, બિસ્કીટ્સ અને પેસ્ટ્રી (વળી હા હવે તો પેલા ડોનટ્સ પણ ખરા) થી ટેવાયેલા બાળકોને જો સુખડી આપીશું તો થૂ થૂ કરશે.

અરે, મારી વાત કરું તો મારા શાળાના દિવસો દરમ્યાન રોટલી પર ગોળ ને ઘી પાથરીને વાળેલું પીંડલુ તો લંચ-બોક્સ નું ગૌરવ કહેવાતુ. (હાલમાં મીઠી ફ્રેંકી કહીને દોહિત્ર ને ખવડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરું છું ખરી !!) ઊછરતા બાળકની વૃદ્ધિ માટે ગોળ ખૂબ જ જરૂરી છે. એ વાતથી મોટા ભાગની મમ્મીઓ આંખમિંચામણા કરે છે.

વધારે પડતી ખાંડની, રૂપાળી સોહમણી મિઠાઈઓ કે પછી આઈસીંગ સુગરથી લથપથ પેસ્ટ્રી ખાઈ ખાઈ ને આજે બાળકો અદોદળા બનવા માંડ્યા છે. બજારમાં મળતા જાતપાતના મુરબ્બા, જામ, સોસ, સલાડ, ડ્રેસીંગ નો વપરાશ તો દિન પ્રતિદિન વધવાનો જ છે પરંતુ સાથે સાથે તમારા બાળકને ગાંગડો ગોળ રોજ ખવડાવવાનું ચૂકશો નહીં.

મહારાષ્ટ્ર-કોંકણમાં ગોળ અને કોપરાની વાનગીઓ ખૂબ બને તો વળી કાઠીયાવાડીની થાળીમાં પણ ગોળનું દડબું તો હોય જ. ગોળના ગરવા મહિમાને ભૂલવા જેવો તો નથી જ. જના ફાસ્ટફુડના જમાનામાં ઉછરી રહેલી પેઢીને ભવિષ્યના જોખમમાંથી ઉગારવા માટે અને વારસામાં અઢળક શારીરિક તંદુરસ્તી આપવા માટે આજની બધી મમ્મીઓ થોડીક ધગશ રાખે, બજારની કોઈપણ ચીજ થોડી કૂનેહ અને થોડા કસબ દ્વારા ઘરે જ, એનાથીયે ચઢિયાતા સ્વાદ સાથે બનાવી શકે, પણ ક્યારે?  જો જીમ, સ્પા, બ્યુટી પાર્લર, કીટી પાર્ટી, શોપીંગ, વિન્ડો શોપીંગ વિગેરેમાંથી થોડો સમય કાઢી શકે તો.      

તો ચાલો મિત્રો, ગોળ આમલીવાળી આપણી ગુજરાતી, ગળચટ્ટી દાળમાં રાઈ-હીંગનો એવો વઘાર કરીએ કે એની સોડમ પેઢીઓ સુધી આવ્યા કરે.

સુરત- ડો. પલ્લવી નીતિન વ્યાસ        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top