સુરત સહિત રાજ્યભરમાં યુવાનો થટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણી માટે થનગની રહ્યા છે ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં ફરી રહેલી રિક્ષાઓ પાછળ લગાવવામાં આવેલા બેનરોએ શહેરીજનોમાં ભારે કૌતુહલ સજર્યું છે.
રિક્ષાઓની પાછળ લાગેલા બેનરમાં ન્યુ યર પાર્ટી હોય કે ઉત્તરાયણ પાર્ટી કરો મોજે દરિયાના સ્લોગન સાથે નીચે ભોટલ માટે વોટ્સઅપ નંબર પર સંપર્ક કરવા માટે જણાવાયું છે. આ પ્રકારના બેનરોને પગલે વરાછા સહિતનાં વિસ્તારોમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થવા પામ્યો છે.
જો કે, સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરતાં આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ મોજે દરિયા રજુ થનાર હોવાને કારણે તેનાં પ્રમોશન માટે આ પ્રકારનું ગતકડું કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. અલબત્ત, આ અંગે પોલીસ દ્વારા આ પ્રકારનાં વિવાદાસ્પદ બેનર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થવા પામી છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ન્યુ યર અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સધન ચેકિંગ સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નવા વર્ષની ઉજવણીમાં છાટકા બનીને રસ્તાઓ પર દારૂ ઢીંચીને બિન્યારત રખડનારા વાહન ચાલકો વિરૂદ્ધ અત્યારથી જ સધન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વરાછામાં ફરી રહેલી રિક્ષાઓ પાછળ લાગેલા ભેનરોને પગલે ભારે વિવાદ સર્જાયો છે.
રિક્ષાઓની પાછળ લાગેલા બેનરમાં ન્યૂ આવેલ મોબાઈલ નંબર પર બોટલ લખીને વોટ્સઅપ કરતાં મોજે દરિયા નામક ગુજરાતી ફિલ્મનાં પ્રમોશનની જાહેરાત બતાવવામાં આવી રહી છે. જો કે, ગુજરાતી ફિલ્મનાં આ પ્રકારનાં પ્રમોશનને કારણે શહેરીજનોમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ પ્રકારની ગંભીર લાપરવાહી દાખવનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.