IPL 2023ની મેચો ક્રિકેટ (Cricket) પ્રેમીઓમાં રોમાંચ જગાવી રહી છે. IPL ની શરૂઆતની સાથે જ જુગારીઓ પણ સક્રિય થઈ ચૂક્યા છે. પોલીસ (Police) અને તંત્રથી છુપાઈને સટ્ટેબાજો ધંધો કરી રહ્યા છે. અનેક જુગારીઓ IPLના ખેલાડીઓ સાથે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરે છે. વર્ષો બાદ આ વર્ષે ફરી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વર્ષે ફિક્સિંગનો મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે જોડાયેલો છે. હકીકતમાં IPLના જુગારમાં એક ડ્રાઈવરે પૈસા ગુમાવ્યા પછી સિરાજનો સંપર્ક સાધ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે જો તે ટીમના અંદરની વાતો તેને જણાવશે તો સિરાજને મોટી રકમ મળી શકે છે. સિરાજને એક ફોન આવ્યો અને સિરાજે તાત્કાલિક આ સમગ્ર મામલાની માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા (ACU)ને આપી દીધી હતી.
સંપર્ક કરનાર વ્યક્તિ સટ્ટેબાજ નથી પણ હૈદરાબાદનો એક ડ્રાઈવર
તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ સિરાજ સાથે સંપર્ક કરનાર વ્યક્તિ કોઈ સટ્ટેબાજ નથી પણ હૈદરાબાદનો એક ડ્રાઈવર છે જેને મેચો પર જુગાર લગાવવાની આદત છે. આ ડ્રાઈવર જુગારમાં મોટી રકમ ગુમાવી બેસ્યો છે અને અંદરની માહિતી મેળવવા માટે ડ્રાઈવરે સિરાજનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ સિરાજે તાત્કાલિક આની માહિતી આપી હતી. મળતી માહિતી અનુસાર લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી લીધી છે.
એક ટીમની સાથે એક ACU અધિકારી હોય છે
IPLના પૂર્વ ફાસ્ટ બોલર એસ.શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાની પણ ફિક્સિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના પૂર્વ પ્રિસિંપલ ગુરુનાથ મયપ્પનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી જ BCCIની એન્ટી કરપ્શન ટીમ એલર્ટ રહે છે.
IPLની દરેક ટીમની સાથે એક ACU અધિકારી રહે છે જે ખેલાડીઓની સાથે જ હોટલમાં રોકાય છે. તે દરેક ગતિવિધીઓ પર નજર રાખે છે. દરેક ખેલાડીને શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જો કોઈ ખેલાડી માહિતી આપી શકતો નથી તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. આ સંદર્ભમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને 2021માં સસ્પેન્ડ કરાયો હતો. કેમ કે તે ગત સીઝનમાં પોતાના IPL કાર્યકાળ દરમિયાન સુચના આપી શક્યો ન હતો.