Columns

મોહન ભાગવતના નિવેદન અને વલણ ધ્યાને લેવા જેવાં છે!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’[RSS]ના પદાધિકારી જ્યારે પણ તેમની મૂળ વિચારધારાથી કશુંક વેગળું બોલે ત્યારે તે વાતની નોંધ દેશમાં સવિશેષ લેવાય છે અને અત્યારે અવારનવાર ‘RSS’ તરફથી આવી રહેલાં આવાં નિવેદનોની નોંધ લેવાની થાય છે, ખાસ કરીને RSS ના સરસંઘચાલક મોહન ભાગવતના કારણે. થોડા વખત પહેલાં તો તેઓ દિલ્હીની એક મસ્જિદમાં પણ ગયા હતા અને અહીંયા તેમણે ‘અખિલ ભારતીય ઇમામ સંગઠન’ના ચીફ ઉમૈર ઇલાયસી સાથે પણ મુલાકાત કરી. તે વખતે તેમની સાથે ‘RSS’ના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા.

આ બેઠક પોણા કલાક સુધી ચાલી. અહીંયા ચર્ચા કર્યા બાદ તેઓ ત્યાં આવેલાં એક મદરેસામાં પણ ગયા અને ત્યાંના અભ્યાસક્રમ વિશે માહિતી લીધી. અહીં સ્થિત એક મજહાર પર પણ તેમણે રસમ પણ અદા કરી. સામાન્ય રીતે ‘RSS’ના સરસંઘચાલક આ રીતે મુસ્લિમ ધાર્મિક આગેવાનોને મળતા નથી અને મસ્જિદ-મદરેસા જેવી જગ્યાએ તો જવાનુંયે ટાળે છે પણ મોહન ભાગવતે આ પહેલ કરી. તે પછી તેમણે એવુંય નિવેદન આપ્યું કે લઘુમતીઓએ હિંદુ સંગઠન તરફથી કોઈ ભય રાખવાની જરૂર નથી અને તેમને કોઈ પણ પ્રકારની ભીતિ ન રહે તે માટે પ્રયત્નશીલ છીએ. દશેરાના પર્વે પણ તેમણે આ મતલબનું નિવેદન આપ્યું હતું.

આટલું જ નહીં જ્ઞાનવાપી મસ્જિદને લઈને પણ દેશભરમાં જે વિવાદ જન્મ્યો અને તેનું રાજકીયકરણ થયું તે સંદર્ભે પણ તેમનું વલણ સોફ્ટ રહ્યું છે. તેઓએ કહ્યું કે જ્ઞાનવાપી પ્રત્યે અમારી ભક્તિ છે પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગને કેમ શોધવામાં આવે છે? રોજેરોજ કેમ આવા મુદ્દા લાવવા જોઈએ? આપણે કેમ વિવાદ વધારવો જોઈએ? તે પછી એમેય કહ્યું કે ‘RSS’ માત્ર અયોધ્યાના રામમંદિરના આંદોલનમાં સામેલ થયું હતું. હવે તે કાશી-મથુરામાં થઈ રહેલાં મસ્જિદ-મંદિર વિવાદમાં સામેલ નહીં થાય. હવે સંવાદ દ્વારા જ ઉકેલ લાવવાનો પ્રયાસ થશે અને જો સંવાદથી કોઈ વિવાદ ન ઉકેલાય તો પછી કોર્ટમાં જવું જોઈએ અને તે પછી કોર્ટ જે નિર્ણય આપે તે માન્ય રાખવો જોઈએ.

સર સંઘચાલક મોહન ભાગવતની મુસ્લિમ સમુદાય સાથેના સંવાદ કરવાની પહેલ છેલ્લા ઘણા વખતથી નિયમિત દેખાય છે અને આ પહેલ અંતર્ગત તેઓ ઑગસ્ટ મહિનામાં મુસ્લિમ સમુદાયના એક જૂથને મળ્યા હતા. આ જૂથમાં પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર એસ.વાય.કુરેશી, દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, સીનિયર પત્રકાર શાહીદ સિદ્દીકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ જમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ સઇદ શેરવાની હતા. આ પાંચેય વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં ખાસ્સું યોગદાન આપી ચૂક્યા છે પરંતુ તેઓ મુસ્લિમ સમાજનું સીધું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ તેમને એમ લાગ્યું કે દેશમાં જે માહોલ છે તેને લઈને સંવાદ થવો જોઈએ અને તેને અનુલક્ષીને આ બેઠક થઈ.

બેઠકમાં પાંચેય સભ્યોએ દેશમાં અલગ અલગ ઘટના ટાંકીને મુદ્દા મૂક્યા. મોહન ભાગવતે તેનો પ્રત્યુત્તર એ રીતે આપ્યો કે દેશમાં જે માહોલ છે તેની ચિંતા અમને પણ થાય છે અને દેશ હળીમળીને જ આગળ વધી શકે. પરંતુ પહેલાં મોહન ભાગવતે એક બે મુદ્દા જે મુસ્લિમ સમુદાય સંબંધિત છે તે ઊઠાવ્યાં. તેમણે કહ્યું કે એક મુદ્દો તેમાંથી ગાયોની કતલ બાબતનો છે. ગાયની કતલ થાય છે ત્યારે હિંદુ સમાજમાં રોષ ફેલાય છે. આ વિશે મુસ્લિમ જૂથે કહ્યું કે ગાયની કતલને લઈને તો મહદંશે પૂરા દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તે પ્રતિબંધને કાયદાનો આધાર છે તેથી મુસ્લિમોએ પણ તે પાળવો જોઈએ અને જો કોઈ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરે છે તો તેને કાયદા મુજબ સજા થવી જોઈએ.

બીજો મુદ્દો જે મોહન ભાગવતે આ જૂથ સમક્ષ મૂક્યો તે ‘કાફીર’ શબ્દનો હતો. ‘કાફીર’શબ્દ ઘણીવાર મુસ્લિમ સમુદાય તરફથી હિંદુઓ માટે ઉપયોગમાં લેવાય છે તેમ મોહન ભાગવતનું કહેવું હતું. આ અંગે પણ બેઠકમાં હાજર પૂર્વ ચીફ ઇલેક્શન કમિશ્નર એસ.વાય.કુરેશી મીડિયા સમક્ષ જે વાત કરી તે મુજબ તેમનો જવાબ ‘કાફીર’ને લઈને એ હતો કે, ‘કાફીર’શબ્દ સામાન્ય રીતે ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધા ન ધરાવનારાં મુસ્લિમો માટે ઉપયોગમાં લેવાતો હતો. અગાઉ તેનો ઉપયોગ એ રીતે માત્ર મુસ્લિમ સમાજમાં થતો હતો.

પરંતુ હવે જો તે શબ્દ કોઈને ભાંડવા માટે ઉપયોગમાં લેવાય છે અને કોમને ઉશ્કેરવા માટે થાય છે તો તે શબ્દનો ઉપયોગ બંધ થવો જોઈએ તેવું આ મુસ્લિમ પ્રતિનિધિમંડળે સ્વીકાર્યું. અને જે ‘કાફીર’ શબ્દનો ઉપયોગ કરે છે તેને સમજાવવાની પણ બાંહેધરી આ જૂથે લીધી. આ સંવાદને જે રીતે મુસ્લિમ પ્રતિનિધિઓના જૂથે મીડિયામાં રજૂઆત કરી છે તે પરથી એવું લાગે છે કે આ બેઠકમાં ખુલ્લા મને વાતચીત થઈ અને બંને પક્ષોએ પોતપોતાના પક્ષે રહેલાં વાંધા રજૂ કર્યા. મુસ્લિમ જૂથે પણ જે વાત મોહન ભાગવત સામે મૂકી તે એ કે આજના માહોલમાં દરેક મુસલમાનને જેહાદી તરીકે ઓળખ આપી દેવામાં આવે છે.

પાકિસ્તાની કહેવામાં આવે છે અને દરેક વખતે તેની વિશ્વસનીયતા પર શંકા કરવામાં આવે છે. ઉપરાંત, મુસ્લિમોને તે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ રાખે છે તે સાબિત કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જે પણ અન્યાય જ છે, જેનાથી આજે મુસ્લિમ સમાજ આહત છે. આ વિશે મોહન ભાગવતનો પ્રત્યુત્તર એ પ્રકારનો રહ્યો કે દેશનો મુસલમાન પણ ભારતીય જ છે અને તેમ ન થવું જોઈએ. આ બેઠકમાં હિંદુ-મુસ્લિમોની વસ્તીને લઈને પણ વાત થઈ. હિંદુ કટ્ટરવાદીઓ એવી વાત ખૂબ પ્રસરાવી ચૂક્યા છે કે ભારતમાં મુસ્લિમોની સંખ્યા એક સમયે હિંદુઓથી વધી જશે.

પરંતુ તે અંગે આ મુસ્લિમ જૂથે વસ્તી ગણતરીના નિષ્ણાતનો પક્ષ મૂકતા કહ્યું કે આ વાત ધડ માથા વિનાની છે. મોહન ભાગવત આ અંગે સંમત જણાયા. વસતીની વાતને લઈને મોહન ભાગવતે હાલમાં પણ ચર્ચા છેડી હતી, જેમાં તેમણે વસ્તીના અસંતુલનને લઈને વાત કરી છે. જો કે તેમાં તેમણે કોઈ ધર્મનો ઉલ્લેખ ન કર્યો. પરંતુ વસ્તીને લઈને હિંદુ-મુસ્લિમ બંનેમાં અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે. તે વિશે હાલમાં ‘BBC’એ એક રિપોર્ટ રજૂ કર્યો છે તેના કેટલાંક મુદ્દા જોઈ જવા જોઈએ, જેથી વસ્તી વિશેનું ચિત્ર સ્પષ્ટ થાય. જેમ કે, છેલ્લે 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 1 અરબ 20 કરોડ છે.

તેમાં હિંદુની ટકાવારી 80 છે જ્યારે મુસ્લિમોની 14.4%. અત્યારે વસ્તી વધી હોવા છતાં 2011ની જ વસ્તી ગણતરીનો આધાર લેવાય છે કારણ કે 2021માં કોવિડના કારણે વસ્તી ગણતરી ન થઈ. જો કે તે સિવાયની કેટલીક એજન્સી વસ્તીને લઈને નાનાં સ્તરે અભ્યાસ કરે છે, જેમ કે ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે’દ્વારા થતો એક અભ્યાસ. અમેરિકા સ્થિત પીવ રિસર્ચ સેન્ટરે પણ ભારતના અલગ-અલગ ધર્મની વસ્તીને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

આવાં કોઈ પણ આધારભૂત અભ્યાસને જોઈએ તો તેમાં ક્યાંય મુસ્લિમોની વસ્તી હિંદુઓથી વધી જશે તેવું તારણ આવતું નથી. ‘નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે’ મુજબ ભારતમાં તમામ ધર્મોમાં જન્મદર નિયંત્રણમાં આવી રહ્યો છે. મોહન ભાગવત સાથે થયેલી બેઠકમાં આ મુદ્દો અગત્યનો હતો જેની સ્પષ્ટતા મુસ્લિમ સમુદાયના જૂથે પણ મૂકી હતી. ‘RSS’ દ્વારા મુસ્લિમો સાથે સંવાદ સાધવાની આ આખી પહેલમાં ‘RSS’ની મુસ્લિમ પાંખ ‘મુસ્લિમ રાષ્ટ્રિય મંચ’ની પણ ભૂમિકા છે. બે દાયકા અગાઉ સ્થપાયેલાં આ મંચની સંખ્યા 10 હજાર સુધી પહોંચી છે. મોહન ભાગવતની કે ‘RSS’ની પહેલ સરાહનીય છતાં તેને ખૂબ ઉત્સુકતાથીય ન જોવી જોઈએ. હિંદુ-મુસ્લિમનો વિખવાદ એટલો પેચીદો અને લાંબાગાળાનો રહ્યો છે કે તેમાં લાંબો રસ્તો કાપવાનો છે અને તે ત્યારે જ કપાશે જ્યારે નિવેદનથી આગળ વાત ગ્રાઉન્ડ પર દેખાવા માંડે.

Most Popular

To Top