રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનદાસ ભાગવતના ખોળિયામાં હમણાંથી મોહનદાસ ગાંધીનો આત્મા પ્રવેશી ગયો છે. ભાગવત બોલ્યા કે દરેક મસ્જિદમાંથી શિવલિંગ શોધવા નીકળવું ન જોઇએ. બીજા શ્વાસમાં એમ પણ બોલ્યા કે મુસ્લિમ આક્રાન્તાઓએ મંદિરો તોડયાં છે પણ હવે સંઘ મંદિરો માટે કોઇ આંદોલન કરશે નહીં. સંઘનો ઉદ્દેશ્ય રાષ્ટ્રને જોડવાનો છે, તોડવાનો નહીં. હવે શિવલિંગ શોધવા ન જોઇએ. કેટલીક વાત આધ્યાત્મિક રીતે સાચી છે પણ લોકો વચ્ચે સમતુલન જળવાઇ રહે તે માટે, કોઇ એક પક્ષ સતત બીજાને કાફીર ગણતો ન રહે, એના રાષ્ટ્રપ્રેમ, એના ધર્મને હાનિ પહોંચાડતો ન રહે તે માટે કેટલીક વાતો ધાર્મિક રીતે અને ન્યાયિક રીતે સાચી હોવી જોઇએ.
તમે અનુકૂળતા પ્રમાણે ઘડીક આધ્યાત્મિક પંથ અને ઘડીક રાજકીય પંથ અપનાવો એ ન ચાલે. એવું કરનારને સામાજિક સરળ ભાષામાં ડબલ ઢોલકી કહે છે. શિવલિંગ, રામમૂર્તિ વગેરે મસ્જિદોમાં જઇને શોધવાની શરૂઆત કોણે કરી હતી? એ માટે કોંગ્રેસ, મુસ્લિમ લીગ, સમાજવાદી પક્ષ, ખાસ કરીને દિગ્વિજય સિંહ સંઘને જ જવાબદાર ગણતા આવ્યા છે. એક સમયે સંઘને અનુકૂળ હતું, સત્તા તરફ જવું હતું ત્યારે રામ મંદિર આંદોલન યોગ્ય હતું અને હવે જ્ઞાનવાપી આંદોલન બરાબર નથી લાગતું. મોહનજી અગાઉ મજામાં ન હતા ત્યારે દેશે પણ મજામાં ન રહેવું જોઇએ અને હવે મોહનજીને Z કેટેગરીની સલામતી, કુશાંદે ગાદીતકિયાવાળા ભવનો અને સેવકોની ફોજ વચ્ચે મજા અને મજા જ છે માટે દેશે મજામાં રહેવું એવો આ ભાગવત સંદેશ લોકોને ગળે ઊતરતો નથી.
ભાગવતને રતન ટાટા ખાસ મળવા નાગપુર જાય. શું રતન ટાટા RSSની ફિલોસોફીમાં માને છે? શું ભાગવત માટે પૂજય ભાવ છે? કે પછી એક બિઝનેસમેનની માફક કોઇ કામ માટે દાણો દબાવવા ગયા હતા? ભાગવત અને ટાટા નેનો કોઇ પણ ખુલાસો કરે. જો કે કર્યો નથી પરંતુ દેશના નાગરિકોને આપોઆપ ખુલાસાઓ મળી જતા હોય છે. અહીં મહત્ત્વની વાત, સરકારમાં કોઇ મહત્ત્વના હોદ્દા વગર ભાગવતને મળી ગયેલી સત્તાની છે. હવે આ બધું ટકી રહે તે માટે રાજકારણી બનવું પડે. ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ’ એ ગાન તો નવા દાખલ થયેલા સંઘસેવકોએ ગાવાનું હોય છે. ભાગવતને સમજાઇ રહ્યું છે કે જે જિન એમણે દાબડામાંથી છોડયું હતું એ હવે ડબલ ઢોલડી વગાડે કે લાઠી લઇને ડિસ્કો કરે, એમ જલ્દીથી ડબ્બામાં પુરાઇ જવાનું નથી.
સૌથી મોટો વિચાર હોય છે. માણસ સત્તા, એષણા માટે વિચારને પડતો મૂકે અથવા કોઇ સંઘ કે સંસ્થાના વિચારમાં ન માને તો એણે એ વિચારની સાથે એ હોદ્દો પણ છોડી દેવો જોઇએ. સંઘ તો આ પ્રકારની સંસ્કારિતાને ખૂબ મહત્ત્વ આપતો આવ્યો છે. વિચારોને ઊંચા ઊંચા સંસ્કૃત શબ્દોથી સજાવ્યા છે. ભાગવત માને છે કે સંઘ લોકોને જોડવા માગે છે. જે દિવસે મોહન ભાગવતના વેવલા વાકયો, ગાંધી મોહનદાસના વખતથી ઘસાઇપીટાઇ ગયેલા છે એ વાકયો, ભાગવતના મુખેથી TV ચેનલો પરથી પ્રસારિત થઇ રહ્યા હતા ત્યારે ઓવૈસીના પક્ષની એક મુસ્લિમ પ્રવકતા મહિલા અને બીજા મૌલાનાઓ પૃથ્વીરાજ ફિલ્મને કરમુકત કરવામાં આવી તેનો સખત વિરોધ કરી રહ્યા હતા અને ભાગવત કહી રહ્યા હતા કે સંઘ જોડવા માંગે છે,
તોડવા નહીં. તો શું ભાગવતે ગાંધી મોહનદાસના મુસ્લિમોને મનાવવાના પ્રયત્નો વિશે કંઇ વાંચ્યું નથી? ભાગવતને પૂછવાનું કે પ્રથમ તેઓ એ બતાવે કે જોડવાની વાત દેશના દરેક મુસ્લિમને સ્વીકાર્ય છે? દેશના ભાગલા ધર્મને આધારે શા માટે પડયા? ભાગવત કંઇ નાનું બાળક છે? જયારે એ જોડવાની વાત કરે છે ત્યારે અમુક મુસ્લિમો દ્વારા હિન્દુઓને ચોખા અને અગરબત્તીઓ તૈયાર રાખવાની ધમકીઓ અપાઇ રહી છે. શું ભાગવત માત્ર એક હાથે રોટલો ઘડી શકશે?
સવાલ એ કે ભાગવતને આટલી ઉંમરે મોહનદાસ ગાંધી બનવાના કોડ શા માટે જાગ્યા છે જે પોતે સાવ નિષ્ફળ ગયા છે.
ગાંધીએ મરી જજો પણ પાકિસ્તાનમાંથી ભારત નહીં આવતા એવી તિરસ્કારયુકત, નિર્દય શિખામણ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓને આપી હતી અને ત્યાં જે રહી ગયા એ હિન્દુઓએ કાં મરણ, કાં શરણ અને બળાત્કારો સ્વીકારવા પડયાં. જગતમાં મોટા થવા માટે, અહિંસાના પૂજારી ગણાવા માટે બુઢ્ઢા લોકો આટઆટલા બેશરમ કેમ બની જતા હશે? અને પછી જયાં નથુરામ ગોડસે ન જન્મે એ દેશની પ્રજા જ નમાલી કહેવાય. નવા મોહનને હવે જૂના મોહનની માફક મહાન બનવાના કોડ જાગ્યા છે. તેમના હમણાંના વર્તનમાં કોઇ રાજકીય પ્રપંચની બૂ પણ આવે છે. છતાં ભાજપની પ્રવકતા નૂપુર શર્માની પક્ષમાંથી હકાલપટ્ટી થઇ તે કારણે એક દુર્ગંધમાં બીજી વધુ તીવ્ર દુર્ગંધ ભળી છે.
ભાગવત જોડવાની વાત કરે છે. આ વાત હિન્દુઓ પહેલેથી જ કરતા આવ્યા છે. હિન્દુઓને સાત સાત દાયકા ભડકાવ્યા પછી આ જ્ઞાન કેવી રીતે દિવ્ય સ્વરૂપમાં ભાગવતમાં ઊતરી આવ્યું? કારણ કે લાઠી વડે હજી સુધીના માનવ ઇતિહાસમાં કોઇને જોડી શકયા નથી. તમે સ્ત્રીઓ, કન્યાઓ, યુવાનો અને બુઝુર્ગોને લાઠીના દાવપેચ શા માટે શિખડાવ્યા? જોડવા માટે? કે શહેરના રાજમાર્ગો પર માત્ર સરઘસો કાઢવા માટે? આ લાઠીનું કે તલવારનું પણ AK 47, AK-57 અને Ak-92 ના જમાનામાં કોઇ ઔચિત્ય નથી. જો એ માત્ર વજનની માફક ઉપાડીને ફેરવવાની હોય તો કોઇ જ ઔચિત્ય નથી. વણમાગી સલાહ એ કે કાં લાઠી, દંડાઓ છોડી દો અને કાં પછી તેમાં અપડેટ બનો.
છોડી દેશો તો લોકોને કદાચ જોડી શકશો. કદાચ ને એક હાથે દાંડિયારાસ રમવાનો ઉપક્રમ ગણાશે પણ લોકોને જોડવાનો તે તમારો નિષ્કપટ ઉપક્રમ ગણાશે. કદાચ મેગ્સાયસાય મળી જાય. રવિશ કુમાર જેવી બોલી ભાગવત બોલવા માંડયા છે એટલે એમની આ લાયકાત તો બને જ છે. પણ જો જુવાળ વલણ અપનાવવું હોય તો મુછેવાલા બાબા, તમારે અને સંઘે આધુનિક હથિયારોથી અપડેટ થવું પડે પણ હાથમાં લાઠી પકડીને અહિંસાની વાતો કરશો તો હિન્દુ સમાજની બુધ્ધિમત્તા માટે સંઘની ટોચની સત્તાનો તિરસ્કાર ગણાશે. પણ તમોને ચડ્ડીમાંથી અપડેટ થઇને પેન્ટમાં આવવામાં દસકો લાગી ગયા. જે અંગ્રેજો વિરાસતમાં ચડ્ડી મૂકી ગયા હતા તે અંગ્રેજોની ગુલામીનો વિરોધ કરવાની સાથે તમે દાયકાઓ સુધી અપનાવી રાખી. અંગ્રેજોને તો આ દેશમાં ગરમી ખૂબ લાગતી હતી અને ગુલામ સિપાહીઓ પર વધુ ખર્ચ ન કરવો પડે તે માટે બરમ્યુડાને યુનિફોર્મ બનાવ્યો હતો. પણ સંઘને તેની શી જરૂર હતી?
અગાઉ અંદરની વાત એવી આવી હતી કે નાગપુરના વિપ્ર સમાજના નીતિન ગડકરી નાગપુરમાં જ વડું મથક ધરાવતા સંઘ અને સંઘના વડા મોહન ભાગવતની ખૂબ નજીક છે. હવે એ જગજાહેર ગુપ્ત હકીકત છે કે ગડકરી અને નરેન્દ્ર મોદી વચ્ચે બારમો ચન્દ્રમા છે. આજથી લગભગ મહિના, દોઢેક મહિના અગાઉ નાગપુરના સૌથી મોટા મરાઠી અખબાર લોકમતમાં પ્રથમ હેડલાઇન છપાઇ હતી તેમાં ગડકરીનું નામ આપવામાં આવ્યું ન હતું પણ એક મહત્ત્વના કેન્દ્રીય પ્રધાન તરીકે એમની ઓળખ અપાઇ હતી. તેમાં કહેવાયું હતું કે અમદાવાદની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન કંઇક રજૂઆત કરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાને એમની વાત કાપી નાખી હતી. જવાબમાં એ પ્રધાન ભડકી ગયા હતા અને બોલ્યા કે, ‘મારી વાત તમે આ રીતે કાપી શકો નહીં. હું પણ પક્ષમાં અને સરકારમાં મહત્ત્વ ધરાવું છું. મારા ખિસ્સામાં ઘણા સાંસદો છે અને ધારું તો સરકાર પાડી શકું છું પણ હું એમ કરવા માગતો નથી.’
આ અહેવાલ સાચો છે કે ખોટો તે કોઇ આધિકારિક રીતે કહેતું નથી પણ એ અહેવાલ નાગપુરથી પ્રસિધ્ધ થયો છે તેથી ગડકરીના સંદર્ભમાં હોઇ શકે. એવું ઇંગિત પણ કરે છે કે ખુદ ગડકરીએ તે લીક કર્યો હોઇ શકે. ગડકરી ઘણા વરસોથી નહેરુની પ્રશંસા કરે, નેતા એવો હોવો જોઇએ જે સૌને સાથે લઇને ચાલે એવાં નિવેદનો આપે. શરદ પવારની નજીક જાય. આમેય દેવેન્દ્ર ફડનવીસને મુખ્ય મંત્રી બનાવ્યા પછી ગડકરીની મુખ્ય મંત્રી બનવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. ગડકરી પોતાને વિકાસ પુરુષ તરીકે પ્રોજેકટ કરી રહ્યા છે અને વારંવાર કોથળામાં પાંચશેરી ભરીને વડા પ્રધાન પર વાર કરે છે.
પણ આ બધા એવા નેતાઓ અને પક્ષો છે જેમણે હિન્દુત્વનો ઉપયોગ નદી પાર કરવાની હોડી તરીકે કર્યો છે. જો ભાજપને હિન્દુત્વની એટલી ખેવના હોત તો આજે મહારાષ્ટ્રમાં હિન્દુવાદીઓની સરકાર હોત. ભાજપના માણસો, ભકતો આજે નૂપુર શર્માના ગુનાને ખૂબ મોટો ગુનો ગણાવીને ભાજપની નેતાગીરીનો બચાવ કરવા ઊતરી પડયા છે અને જે હિન્દુત્વવાદીઓના ખભે પગ મૂકીને સંસદમાં પ્રવેશ્યા એ હિન્દુત્વવાદીઓને ગાળો આપી રહ્યા છે. આવી ભેળસેળ સ્થિતિમાં મોહન ભાગવત સરકાર સાથે છે કે અલગ છે, સરકારનો વિરોધ કરવાના મૂડથી પ્રેરાઇને શિવલિંગ માટેનાં બયાન આપી રહ્યા છે કે કેમ તે નકકી થઇ શકતું નથી કારણ કે ભાજપે પણ હિન્દુ ટેકેદારોને નારાજ કરીને નૂપુર શર્માને કાઢી મૂકયાં છે.
કાઢયા પછી અપમાનજનક પ્રચાર ચાલી રહ્યો છે. ભાગવત શિવલિંગ વિરુધ્ધ બોલીને, ગડકરીને મદદરૂપ થવા માગતા હશે કારણ કે એ જે બોલ્યા છે તેનાથી પણ હિન્દુઓ નારાજ છે અને ભાજપ ભલે ગાલ પર તમાચા મારી લાલ રાખે પણ હિન્દુઓ નૂપુર શર્મા સામેનાં પગલાંથી ઘડાયા છે. હિન્દુત્વવાદી પ્રસિધ્ધ વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે ભાજપ અને સંઘનાં કરતૂતોથી નારાજ થઇ ખૂબ ખરીખોટી નેતાગીરીને સંભળાવી દીધી છે. એમણે કહ્યું છે કે આ 21 સદીના હિન્દુ છે એ નેતાઓના, ભાઇચારાના ખોટા પાખંડને ચાલવા દેશે નહીં.
એમણે યુ ટયુબ પર ઘણી અસરકારક દલીલો મૂકી છે એટલે એનો અહીં ઉલ્લેખ નથી કરવો. પણ જોડવાની ચળ ઊપડી છે એ ભાગવતને જરૂર સૂચન કરી શકાય કે સાહેબ, તમારા જેવા જોડવાની વાતો કરતા નેતા પાકિસ્તાન બન્યું ત્યારે જન્મ્યા ન હતા એ આ દેશનું દુર્ભાગ્ય કહેવાય, અન્યથા આ દેશના ત્રણ ટુકડા બન્યા ન હોત. ખેર, એ યશ તો તમને ન મળ્યો. ન મોહન ગાંધીને મળ્યો પરંતુ તમને અદમ્ય ઇચ્છા જાગી છે તો એક સૂચન તમારા જેવા ભાગવત પુરુષ માટે સ્વીકારવા જેવું છે. કાશ્મીરમાં આજકાલ હિન્દુઓને વીણી વીણીને શિકાર બનાવવામાં આવે છે. પંડિતોની ફરી બીજી વખત નાલેશીભરી હિજરત શરૂ થઇ છે. તમે ત્યાં જાઓ. લોકોને પ્રેમથી જીતો. આ સ્તુત્ય કામ કરવા જેવું છે… સાહેબ, તમને તો Z કેટેગરીની સુરક્ષા મળી છે. જે સાવ નિર્દોષ હિન્દુઓ હિન્દુઓ હોવાને કારણે જીવન ગુમાવી રહ્યા છે એ પ્રવૃત્તિ અટકાવો પ્લીઝ…. એવું કંઇક કરો કે સંઘની લાઠી પણ ન તૂટે અને ભેંસ પણ ન મરે.