એશિયા કપ 2025 વચ્ચે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મોટી ખુશી મળી છે. સિરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી એક શાનદાર એવોર્ડ જીત્યો છે. તેને મેન્સ કેટેગરીમાં ઓગસ્ટ માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
તેણે ન્યુઝીલેન્ડના બોલર મેટ હેનરી અને વેસ્ટ ઇન્ડીઝના જેડન સીલ્સને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. સિરાજને ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચમી અને અંતિમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગમાં સિરાજના ખતરનાક સ્પેલથી ભારતને યાદગાર જીત મળી અને શ્રેણી 2-2 થી ડ્રો કરવામાં મદદ મળી તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ સ્ટાર પેસરે ઇંગ્લેન્ડમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચેય મેચ રમી અને સૌથી વધુ 23 વિકેટ લીધી. જૂનના અંતમાં શરૂ થયેલી આ શ્રેણી ઓગસ્ટની શરૂઆતમાં સમાપ્ત થઈ. સિરાજે શ્રેણીમાં 185.3 ઓવર બોલિંગ કરી પરંતુ તેની ગતિ પર કોઈ અસર પડી નહીં.
સિરાજે કહ્યું, “આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદગી પામવી મારા માટે ખાસ સન્માનની વાત છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી એક યાદગાર શ્રેણી હતી અને તે મારા ભાગ રહેલી સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંની એક હતી.” સિરાજ એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ નથી.
દરમિયાન હેનરીને ઝિમ્બાબ્વેમાં ટેસ્ટ શ્રેણી જીત દરમિયાન તેના ઉત્તમ પ્રદર્શન માટે નામાંકિત કરાયો હતો. જમણા હાથના બોલરે આ શ્રેણીમાં 16 વિકેટ લીધી હતી. સીલ્સને પાકિસ્તાન સામેના તેના ઉત્તમ પ્રદર્શન માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 34 વર્ષમાં પહેલીવાર ODI શ્રેણીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સીલ્સે ત્રણ મેચની શ્રેણીમાં 10 વિકેટ લીધી હતી. તેણે છેલ્લી મેચમાં 18 રનમાં છ વિકેટ લીધી હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમ 295 રનનો પીછો કરતી વખતે ફક્ત 92 રનમાં સમેટાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આયર્લેન્ડની અગ્રણી ઓલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ઓગસ્ટ 2025 માટે ICC મહિલા ખેલાડી ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવી છે.