લાંબા સમયથી ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે. બંગાળ અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી 28 ઓવરમાં 8 વિકેટ લીધી છે. ભારતીય ટીમમાંથી બહાર રાખવા અંગે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શમી અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર વચ્ચે ચાલી રહેલા ઉગ્ર વિવાદ વચ્ચે શમીનું આ જોરદાર પ્રદર્શન આવ્યું છે.
હકીકતમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત દરમિયાન અજિત અગરકરે શમીની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. શમીએ વારંવાર કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ છે. આના કારણે બંને તરફથી ઘણા નિવેદનો સામે આવ્યા હતા. દરમિયાન આવા સમયે શમીના શાનદાર પ્રદર્શનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રણજી ટ્રોફીમાં શાનદાર વાપસી
શમીએ અગાઉ ઉત્તરાખંડ સામે સાત વિકેટ લીધી હતી અને હવે ગુજરાત સામે આઠ વિકેટ લઈને તે પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. આજે તા. 28 ઓક્ટોબરને મંગળવારે તેણે અંતિમ ઇનિંગમાં 10 ઓવરમાં 38 રન આપીને પાંચ વિકેટ લીધી, જેનાથી બંગાળને 142 રનનો વિજય મળ્યો. આ પ્રદર્શનને પસંદગીકારો માટે એક મહત્વપૂર્ણ મેસેજ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની આશા
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી શરૂ થશે. છેલ્લી બે મેચમાં શમીની 15 વિકેટો તેને પસંદગી માટે દાવેદાર બનાવી શકે છે.
સૌથી અગત્યનું તેણે પહેલી મેચમાં 39 ઓવર અને બીજી મેચમાં 28 ઓવર ફેંકી હતી. આનો અર્થ એ થયો કે તે હવે ફરીથી લાંબા સ્પેલ્સ ફેંકવાની સ્થિતિમાં છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલિંગ વિભાગમાં હવે આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા નવા ચહેરાઓનો ઉદય થયો છે, પરંતુ જો શમી આગામી બે વર્ષ સુધી આ જ ફોર્મમાં રહેશે તો તે વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્ર માટે મોટા સમાચાર હશે.