નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કમબેક માટે તૈયાર છે. તે સંપૂર્ણપણે ફીટ થઈ ગયો છે. શમી મેદાન પર ફરી એકવાર ઘાતક બોલિંગ કરવા માટે તૈયાર છે. તે બંગાળ માટે રણજી ટ્રોફીમાં રમતો નજરે પડશે.
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મેદાન પર પરત ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શમી છેલ્લે વન ડે વર્લ્ડ કપ 2023માં રમ્યો હતો. ત્યાર બાદથી તે ઈજાના લીધે ટીમથી બહાર છે. હવે તે ફરી એકવાર મેદાનમાં નજરે પડશે.
13 નવેમ્બરથી બંગાળ વર્સીસ મધ્યપ્રદેશ વચ્ચે રણજી મેચ રમાશે. આ મેચમાં શમી બંગાળની ટીમમાંથી રમશે.
ભારતીય ટીમમાં શમી પરત ફરી શકે છે
ભારતીય ટીમ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરિઝ રમશે. જો શમી બંગાળ વર્સીસ મધ્યપ્રદેશની ચાર દિવસીય રણજી મેચમાં પોતાની ફિટનેસ સાબિત કરે છે. તો આશા છે કે બોર્ડર-ગવાસ્કર ટ્રોફી માટે ટીમમાં જોડાવાની શક્યતા વધે છે. આ સિરિઝ માટે પસંદગીકારોએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાને સિલેક્ટ કર્યા છે. મુકેશ કુમાર અને ખલીલ અહેમદને રિઝર્વ રાખવામાં આવ્યા છે.
બંગાલ ક્રિકેટ એસોસિએશને નિવેદન આપ્યું
બંગાલ ક્રિકેટ એસોસિએશન તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, શમી ફિટ છે તે ભારતીય ક્રિકેટ અને બંગાળ રણજી ટ્રોફિ માટે સારા સમાચાર છે. શમી કમબેક કરવા જઈ રહ્યો છે. શમી બુધવારથી ઈંન્દોરમાં મધ્યપ્રદેશ વિરુદ્ધ રણજી મેચ રમશે.