ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિત તેલ અને રાંધણ ગેસના સતત વધતા ભાવોથી લોકો ચિંતામાં છે. ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર લોકહિતને ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં સાથે વિરોધ કરાયો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતેથી હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા કાર્યાલય ખાતેથી હાથમાં પ્લે કાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કરી ભાવવધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના ધારાસભ્ય દુષ્યત પટેલના પેટ્રોલ પંપ ખાતે દોડી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતાં એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થંતા વિરોધ કરી રહેલા કોંગીજનોની પોલીસે અટકાયત કરીએ ડિવિઝન પોલીસે ખાતે લઈ જવાયા હતા.
મોંઘવારીના મારમાં પ્રજા પીસાઈ રહી છે. ત્યારે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતીક ધરણાં કરી ભાવવધારાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ઓલપાડના દેલાડ પાટિયાના પેટ્રોલ પંપ પાસે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, મહિલાઓ અને ગરીબોના હિતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધી રહેલા અસહ્ય ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જયેન્દ્ર દેસાઈ, ડી.એલ.પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારો પાછો ખેંચવામાં ના આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. માંડવી નગર અને તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સૂપડી વિસ્તારમાં મોંઘવારી વિરોધી પ્રદર્શન કરાયું હતું. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ વ્યારાનાં જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસે વિરોધ કરી રહેલા 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાજપ સરકારે છેલ્લા ૧૩ માસમાં પેટ્રોલમાં રૂ.૨૬.૭૯ અને ડીઝલમાં રૂ. ૨૫.૦૨નો વધારો કર્યો તેમજ જાન્યુઆરીમાં૧૦ વાર, ફેબ્રુઆરીમાં ૧૬ વખત જ્યારે ચૂંટણી વેળાએ માત્ર ૩ વખત માર્ચ, એપ્રિલમાં વધારો કર્યો, ચૂંટણી યોજાયા પછી ફરી મે માસમાં ૧૬ વખત પેટ્રોલ-ડીઝલમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૧ ડોલર હતો. છતાં પેટ્રોલ રૂ. ૬૩.૯૯ અને ડીઝલ રૂ. ૫૦.૨૫માં મળતું હતું. આજે ક્રૂડ ઓઇલનો ભાવ ૬૭ ડોલરનો થઇ ગયો છતાં પેટ્રોલ રૂ. ૯૫.૩૧ અને ડીઝલનો ભાવ રૂ. ૯૩.૩૪ છે.
બારડોલીમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને સાઇકલ ભેટ આપવા જતાં કોંગી કાર્યકરો ડિટેઇન
બારડોલી: સુરત જિલ્લામાં તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના બારડોલી તાલુકામાં પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળ્યું હતું. બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલ વામદોત પેટ્રોલ પમ્પ પર માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ધરણાં બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને શણગારેલી જૂની સાઇકલ આપવાનો કાર્યક્રમ હતો. પરંતુ સાયકલ આપવા જતાં જ પોલીસે કોંગી કાર્યકરોને ડિટેન કર્યા હતા. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે રકઝક બાદ પોલીસે સાઇકલ લઈ જવાની જીદ કરનાર કાર્યકારોની અટક કરી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરુણ વાઘેલા સહિત અન્ય કાર્યકરો પોલીસે ડિટેન કર્યા હતા.