Editorial

મોદીનો મંત્રીમંડળમાં ફેરબદલ સામાન્યજનની તકલીફો દૂર કરશે તો જ સાર્થક ગણાશે

જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું તેવું કહેવું યોગ્ય ગણાશે. જ્યારથી મોદી સરકારની બીજી ઈનિંગ શરૂ થઈ ત્યારબાદ આ પ્રથમ વખત મોદીના મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. મોદી સરકારના છેલ્લા સાત વર્ષના લેખાજોખાં જોવામાં આવે તો અનેક એવી મોટી ઘટનાઓ બની છે કે જેની ઈતિહાસમાં નોંધ લેવાશે. આ ઘટનાઓને કારણે ભારતની પ્રગતિ એટલી થઈ શકી નથી પરંતુ દેશને નુકસાન ભારે થયું છે.

નોટબંધી, જીએસટી, કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી સહિતના મોદી સરકારના નિર્ણયો મોટા રહ્યાં. તેમાં પણ કોરોનાએ ભારતના જીડીપીને તળિયે લાવી દીધો. મોદી સરકારના મંત્રીમંડળએ કરેલી કામગીરી ભારતને એટલી ફળી નહીં. હવે લોકસભાની ચૂંટણી આડે માત્ર 3 જ વર્ષ રહ્યાં છે. આગામી દિવસોમાં યુપી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. છેલ્લા દોઢેક વર્ષમાં મોદી સરકારની કામગીરીએ લોકોમાં નિરાશા ઊભી કરી છે ત્યારે હવે મોદીએ નવું મંત્રીમંડળ બનાવીને આ નિરાશાને ફરી ઉત્સાહમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં જોવામાં આવે તો જૂના મંત્રીમંડળમાંથી 9 મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યાં છે. જ્યારે 7 મંત્રીઓને રાજ્યકક્ષામાંથી કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

નવું મંત્રીમંડળ જૂના મંત્રીમંડળની સરખામણીમાં વધુ જુવાન બનાવવામાં આવ્યું છે. ગત કેબિનેટ કરતાં આ વખતની કેબિનેટના મંત્રીઓની સરેરાશ ઉંમર દોઢ વર્ષ જેટલી નાની છે. ગત મંત્રીમંડળમાં સૌથી નાની વય સ્મૃતિ ઈરાનીની હતી. જ્યારે સૌથી મોટી વયના રામવિલાસ પાસવાન હતાં. 43 મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં છે. જેમાં 27 ઓબીસી, 12 દલિત, 13 વકીલ, 6 ડોકટર અને 20 એસટીએસસી સમુદાયના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળમાં દેશના 25 રાજ્યોના પ્રતિનિધિઓને સમાવવામાં આવ્યાં છે. મંત્રીમંડળમાં અલગ અલગ વ્યવસાયના સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર એવા મંત્રી છે કે જેઓ જે તે રાજ્યોના મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. જ્યારે 18 પૂર્વ રાજ્યમંત્રી, 39 પૂર્વ ધારાસભ્યનો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજ રીતે મંત્રીમંડળમાં 23 સાંસદ એવા છે કે જેઓ 3થી વધુ વખતથી એમપી તરીકે કામ કરી રહ્યાં છે.

નવા મંત્રીમંડળમાં 46 મંત્રીઓ એવા છે કે જેઓ સરકાર સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે 7 એવા છે કે જેઓ અગાઉ ભારત સરકારમાં જ સેવા આપતાં હતાં. 31 મંત્રીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત છે. જ્યારે મંત્રીમંડળમાં 11 મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં 5 એવા મંત્રી છે કે જેઓ લઘુમતિ સમુદાયમાંથી આવે છે. જેમાં એક મુસ્લિમ, એક શીખ, એક ક્રિશ્ચયન તેમજ 2 બૌદ્ધ છે. 27 ઓબીસી સમુદાયના મંત્રીમાંથી 5ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 8 એસટી મંત્રીમાંથી 3ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે.

આ વખતના મંત્રીમંડળમાં ગુજરાતને પ્રથમ વખત ઈતિહાસમાં સાત કેન્દ્રીય મંત્રી મળ્યાં છે. જ્યારે તે ઉપરાંત અરૂણાચલ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામની સાથે સાથે બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુમાંથી પણ મંત્રી બનાવવામાં આવ્યાં છે.

મોદીએ મંત્રીમંડળના આ ફેરબદલમાં પોતાના મંત્રીમંડળને વધુ યુવાન અને વધુ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત બનાવ્યું છે. હજુ સુધી કયા મંત્રીને કયું ખાતું અપાશે તેની જાહેરાત થઈ નથી. આગામી દિવસોમાં તેની જાહેરાત પણ થઈ જશે. નવા મંત્રીમંડળ પાસેથી ભારતની પ્રજાને અનેક આશાઓ છે.

લોકસભાની ચૂંટણીને ત્રણ વર્ષ બાકી છે ત્યારે મોદી સરકાર એવો કરિશ્મા કરી બતાવે કે જેથી મંદીનો માહોલ દૂર થાય. સીમાઓ સુરક્ષિત થાય અને જે મોંઘવારીએ માઝા મુકી છે તેને હટાવી શકાય. મંત્રીમંડળમાં ફેરબદલ થાય કે નહીં તેનાથી સામાન્યજનને એવો કશો ફરક પડતો નથી. સામાન્યજનને ત્યારે જ ફરક પડે છે કે જ્યારે તેની જીવન નિર્વાહ સરળ બને. વસ્તુઓ સસ્તી થાય. તેની આવકમાં વધારો થાય. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રજા માટે તેનાથી વિપરીત જ થયું છે ત્યારે હવે મોદીનું નવું મંત્રીમંડળ નવો કરિશ્મા નહીં કરી શકે તો મોદી માટે લોકસભાની આગામી ચૂંટણી કઠિન બનશે તે નક્કી છે.

Most Popular

To Top