20મી જાન્યુઆરીના રોજ અમેરિકાના નવા વરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યો છે. ટ્રમ્પે એમના આ પદગ્રહણ સમારંભમાં ભારતના વડાપ્રધાનને કહે છે કે આમંત્રણ પાઠવ્યું નહોતું. ભારત તરફે વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકામાં એ પદગ્રહણ સમારંભમાં હાજરી આપી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હજુ પદ ઉપર આરૂઢ થયાને એક મહિનો પણ પૂરો થયો નથી, ત્યાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઇને ટ્રમ્પની પીઠ થાબડી આવ્યા છે. આમ ઘડિયાં લગનની જેમ મોદીજીએ ટ્રમ્પને મળવાની કોઇ ઉતાવળ કરવાની જરૂર નહોતી. થોડાક મહિનાઓની મોદીજીએ રાહ જોવાની હતી. ટ્રમ્પ અમેરિકામાં કેવી રીતે કામ કરે છે એ બધુ જોયા પછી અમેરિકાની યાત્રા, મોદીજીએ ખેડવી જોઇતી હતી. ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી હજુ સુધી દુનિયાના કોઇ દેશના નેતાઓ ટ્રમ્પને મળવા અમેરિકા ગયા નથી. બસ એક માત્ર આપણા મોદીજી સૌથી પહેલાં અમેરિકા પહોંચી ગયા હતા. ટ્રમ્પ ભારે વેપારી માણસ છે.
એમનાં લશ્કરી સાધનો તથા ઓઇલ વગેરે ભારત ખરીદે એમાં જ ટ્રમ્પને રસ વધુ છે. યાદ રાખીએ કે અમેરિકા જગતની આગળ પડતી મહાસત્તા છે. એ દેશ પાસે બધું જ છે. ભારત જેવા દેશની એને ઝાઝી ગરજ ના હોઇ શકે. ટ્રમ્પ રીપબ્લિક પાર્ટીના માણસ છે. અનુભવ એવું કહે છે કે ભારતને શરૂઆતથી જ ડેમોક્રેટ પ્રમુખો સાથે વધુ ફાવટ આવેલી છે. ટ્રમ્પ સાથે ભારતે સંયમપૂર્વક વર્તવાનું જરૂરી બની રહે એમ છે. એક બીજાના હાથ દબાવવાથી કે ગળે ગળું લગાડવાથી દોસ્તી ગાઢ બની જાય એવું માનવું બરાબર નથી. ટ્રમ્પને ભારતથી કયારે વાંકું પડી જાય એનું કંઇ કહેવાય નહીં.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નિરોગી જીવન કઈ રીતે વધારશો
અમેરિકામાં જીવન આવરદા – લાઇફ સ્પાન વધારવા કરતાં પણ વધારે હવે હેલ્થ સ્પાન – તંદુરસ્ત અને નિરોગી જીવન- કઈ રીતે જીવી શકાય, વધારી શકાય તેના પર અમેરિકન હાર્ટ એસોસીએશન અને હેલ્થ એક્સપર્ટ કામ કરી રહ્યાં છે. અમેરિકામાં 60 વર્ષ કરતાં વધારે ઉંમરનાં લગભગ 80% લોકોને લાંબા સમયની બીમારી જેવી કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ કે અન્ય કોઈ પણ બે બીમારી છે. જ્યારે ૫૦ ટકા પુખ્ત વયનાં લોકો ઓછામાં ઓછા એક બિમારીના શિકાર છે. તંદુરસ્ત જીવન કઈ રીતે જીવી શકાય તેના પર સંશોધન કરવામાં આવ્યું છે.
અમેરિકન હાર્ટ એસોસીએશને હેલ્થ સ્પાન – તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે નીચે મુજબનાં આઠ સૂચનો કર્યાં છે. ધૂમ્રપાન બંધ કરવું.શારીરિક રીતે સક્રિય રહેવું. પૌષ્ટિક ખોરાક જેવાં કે ફળ, લીલાં શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક, સૂકા મેવા તથા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો. વજનને કાબૂમાં રાખવું તથા બ્લડ પ્રેશર,શુગર તથા કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખવાનાં છે. આલ્કોહોલથી પણ શરીરને નુકસાન થાય છે. આ ઉપરાંત કુટુંબમાં સંપ તથા સહકારની ભાવના, સારું માનસિક સ્વાસ્થ્ય તથા સામાજિક સંબંધો જો સારા હશે તો એ ચોક્કસ તમારે તંદુરસ્ત અને નિરોગી જીવન – હેલ્થ સ્પાન વધારવામાં મદદરૂપ થાય છે.
અમેરિકા – ડૉ.ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
