દેશના ભાગોમાં કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના ઉદ્ભવી રહેલા ‘બીજા પીક’ને નાથવા માટે ‘ઝડપી અને નિર્ણાયક’ પગલાં લેવા અનુરોધ કર્યો હતો અને ‘ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટ’ના અભિગમને ગંભીરતાથી અનુસરવાની રૂરિયાત પર ભાર મૂક્યો હતો. મહામારીની સ્થિતિ અને ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધતા તેમણે પ્રતિપાદિત કર્યું કે રસી એ રોગ સામેનું અસરકારક શસ્ત્ર છે અને રાજ્યો વધારે રસીકરણ કેન્દ્રો સ્થાપે, પછી તે સરકારી હોય કે ખાનગી.
જાન્યુઆરીમાં રસીકરણ ઝુંબેશ શરૂ થયા બાદ મુખ્યમંત્રીઓ સાથેની પ્રથમ મીટિંગમાં મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ વધી ગયો છે. દેશના 70 જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ છેલ્લા કેટલાંક સપ્તાહોમાં 150% સુધી વધી ગયો છે.
જો આપણે અહીં જ નહીં અટકાવીએ તો દેશવ્યાપી રોગચાળાની સ્થિતિ ઉદભવે. મુખ્ય મંત્રીઓને ટેસ્ટિંગ વધારવા અને અન્ય પગલાંઓ અમલી કરવાનો અનુરોધ કરતા મોદીએ નોંધ્યું કે અગાઉ ચેપના ઓછા ફેલાવાને કારણે સલામત ગણાતા ઘણાં ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં પૉઝિટિવ કેસો હવે વધી રહ્યા છે.
મહામારી સામે ભારતની ‘સફળ’ લડત પાછળના કારણોમાંનું એક કારણ એ છે કે ગામડાંઓ મોટા ભાગે રોગથી બિનઅસરગ્રસ્ત રહ્યાં છે. અને હવે જો ચેપ નાના શહેરોમાં પ્રસરે તો પછી ગ્રામીણ વિસ્તારો પણ અસરગ્રસ્ત બનશે. જો ત્યાં ચેપ પ્રસરશે તો ગ્રામીણ વિસ્તારોની હાલની સિસ્ટમ ટૂંકી પડશે.
રેપિડ કરતા આરટી-પીસીઆર ટેસ્ટ વધારો
મોદીએ રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ્સ વધારવા પણ કહ્યું હતું અને કહ્યું કે એકંદર ટેસ્ટ્સમાં આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ 70% કરતા વધારે હોવું જોઇએ. તેમણે રસીઓના ઝીરો વૅસ્ટેજનો લક્ષ્યાંક રાખીને રસીકરણ કેન્દ્રો વધારવા અને ચેપ ફેલાતો અટકાવવા માટે ટેસ્ટ, ટ્રેસ અને ટ્રિટનો અભિગમ રાખીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સર્જવા કહ્યું હતું.
મોદીએ નોંધ્યું કે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ અને ઓડિશા જેવા રાજ્યો રેપિડ એન્ટીજન ટેસ્ટ્સ પર મોટા ભાગે આધાર રાખે છે. મોદીએ કહ્યું કે મહામારી સામે ભારતની લડાઇથી અત્યાર સુધીમાં જે આત્મવિશ્વાસ આવ્યો છે એ અતિઆત્મવિશ્વાસ ન બનવો જોઇએ અને સફળતા બેદરકારીનું કારણ ન બનવી જોઇએ. માસ્ક અને સામાજિક અંતર સહિતના અટકાયતી પગલાંનું પાલન કરાવો. લોકોને ગભરાવવા ન જોઇએ પણ સાથે આ સમસ્યાથી છૂટકારો સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે.
રસીનો બગાડ ન થવો જોઇએ
મોદીએ કહ્યું કે રસીના ડૉઝનો બગાડને પણ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. તેલંગાણા અને આંધ્રમાં તે 10 ટકાથી વધારે છે, ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સારી છે.
દવાઇ ભી કડાઇ ભી
દવાઇ ભી કડાઇ ભીના મંત્રને દોહરાવતા મોદીએ કહ્યું કે દેશના ઘણાં ભાગોમાં માસ્ક પહેરવા અંગે પૂરતી ગંભીરતા નથી.
મમતા સહિત ત્રણ મુખ્યમંત્રીઓ ગેરહાજર
આજની બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સામેલ થયા ન હતા. એમના પ્રતિનિધિઓ હાજર હતા. મમતાએ આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર બંગાળને રસી આપતી નથી.