બિનવ્યૂહાત્મક પીએસયુ (સરકારી સાહસો)ના ખાનગીકરણ માટે પોતાની સૌથી મજબૂત વકાલત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે બિઝનેસ કરવો એ સરકારનું કામ નથી અને કરદાતાઓના નાણાં પર ખોટ કરતા એકમોને ટકાવી રાખવાથી સંસાધનો વહી જાય છે જેનો ઉપયોગ બાકી જાહેર કલ્યાણની યોજનાઓ પર થઈ શકે.
તેમણે કહ્યું કે પીએસયુની ઑઇલ અને ગૅસ અને પાવર સેક્ટર્સ જેવા ક્ષેત્રોમાં 100 જેટલી ઓછી વપરાયેલી કે નહીં વપરાયેલી એસેટ્સ છે જેને મોનેટાઇઝ્ડ કરીને રૂ. 2.5 લાખ કરોડની રોકાણ તકો ઊભી કરવામાં આવશે.
વડા પ્રધાઅને 2021-22 માટેના બજેટમાં ખાનગીકરણના અભિગમ પર એક વૅબિનારને સંબોધતા કહ્યું કે સાહસો અને ધંધાઓને ટેકો આપવાની સરકારની ફરજ છે પણ સરકારે માલિકી ધરાવીને સાહસો ચલાવવા એ આવશ્યક નથી.
ખાનગી ક્ષેત્ર રોકાણ લાવે, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસ લાવે, ટૉપ ક્વૉલિટીના મેનેજર્સ લાવે, મેનેજમેન્ટ બદલે અને આધુનિકીકરણ કરે. હિસ્સા વેચાણથી જે નાણા આવશે એને જળ, સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રે લોક કલ્યાણની યોજનાઓમાં વપરાશે.
મોદીએ કહ્યું કે ચાર વ્યૂહાત્મક ક્ષેત્રો- અણુ ઉર્જા, સ્પેસ અને સંરક્ષણ, પરિવહન અને ટેલિકોમ્યુનિકેશન, પાવર, પેટ્રોલિયમ, કોલસા અને અન્ય ખનીજો, બૅન્કિંગ, વીમા અને નાણાકીય સેવાઓ સિવાય તમામ પીએસયુના ખાનગીકરણ માટે કટિબદ્ધ છે. વ્યૂહાત્મલ ક્ષેત્રે પણ સરકાર ઓછામાં ઓછી હાજરી જાળવશે.
મોદીએ કહ્યું કે સરકારે વિકાસ પર ધ્યાન આપવાનું છે અને જ્યારે બિઝનેસ કરવા જાય છે, ખોટ જાય છે. સરકારી માલિકીની કંપનીઓ દાયકાઓ અગાઉ સ્થપાઇ હતી અને ત્યારે અર્થતંત્રની જરૂરિયાતો અને રાષ્ટ્રીય અગ્રતાઓ અલગ હતી. 50-60 વર્ષો અગાઉ યોગ્ય હતી એ નીતિઓમાં આજના બદલાયેલા સંજોગોમાં સુધારણાની જરૂર છે.