ગાંધીનગર : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત રાજ્યના ઔદ્યોગિક નકશાને બદલી નાખનાર સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને આધ્યાત્મિક વારસાને જાળવતા આધુનિક મ્યુઝિયમ સુધીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સાથે વિકાસ અને વારસાનો અનોખો સંગમ સાબિત થશે. પીએમ મોદીના પ્રવાસની શરૂઆત સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે થશે. આધ્યાત્મિક વિરાસત ગાંધીનગરના કોબા તીર્થ ખાતે તેઓ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે.
જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીની પ્રેરણાથી બનેલા આ મ્યુઝિયમમાં દુર્લભ હસ્તપ્રત ગ્રંથો અને જૈન કલાનો સંગ્રહ પ્રદર્શિત કરાયો છે. બપોરે 12:30 કલાકે સાણંદમાં ‘Kaynes Semicon’ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતને ચિપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે માઈલસ્ટોન સાબિત થશે અને હજારો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલશે.
ડીસામાં વિશાળ જનસભા અને શક્તિપ્રદર્શન
સાણંદ બાદ પીએમ મોદી બપોરે 4 વાગ્યે બનાસકાંઠાના ડીસા પહોંચશે. નાણી ગામે આયોજિત વિશાળ જાહેરસભાને સંબોધિત કરીને તેઓ ઉત્તર ગુજરાતના મતદારોનો મિજાજ પારખશે. આ તબક્કે ઉત્તર ગુજરાતના વિકાસ માટે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ડીસાની આ સભા આગામી ચૂંટણીઓ માટે ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ફૂંકશે તેમ મનાય છે.
ચૂંટણીનું ચોઘડિયું : 1લી એપ્રિલે જાહેરાતની શક્યતા
રાજકીય પંડિતો પીએમ મોદીના આ પ્રવાસને અત્યંત સૂચક માની રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસના બીજા જ દિવસે એટલે કે 1લી એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થાય તેવી પ્રબળ સંભાવના છે. 15 મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત ભાજપ માટે એક મોટું ‘બૂસ્ટર ડોઝ’ સાબિત થઈ શકે છે.
પીએમ મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
09:45 AM: અમદાવાદ એરપોર્ટ આગમન.
10:30 AM: કોબા તીર્થ (ગાંધીનગર) – મ્યુઝિયમ લોકાર્પણ.
12:30 PM: સાણંદ – સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન.
04:00 PM: ડીસા (બનાસકાંઠા) – જાહેર સભા અને ખાતમુહૂર્ત.
05:30 PM: ડીસાથી સીધા આસામ જવા રવાના.