National

મોદી સરકાર પર કંગના રનૌત ભડકી કહ્યું, આવું જ થતું રહેશે તો દેશમાં જેહાદ ફેલાશે

નવી દિલ્હી: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers Law) પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની આ જાહેરાત બાદ બૉલીવુડ અભિનેત્રી (Bollywood Actress) કંગના રનૌત (Kangara Ranaut) સહિત અનેક નેતાઓ (Leaders) તથા સેલિબ્રિટીઓના (Celebrities ) પ્રતિભાવો આવી રહ્યા છે.     કંગના રનૌતે કૃષિ કાયદાને પાછો ખેંચી લેવાના મામલાને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણ પણે અયોગ્ય છે. અને જો દેશમાં ચૂંટાયેલી સરકારોની જગ્યા એ રસ્તા પર બેસેલા લોકો કાયદાઓ બનાવવા લાગશે તો રાષ્ટ્રમાં લોકશાહીને બદલે જેહાદ ફેલાવા લાગશે.

વડાપ્રધાન મોદીની કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનો એક જૂનો વિડીયો ટ્વીટર પર રી-ટ્વિટ કર્યો હતો. રાહુલે રી-ટ્વિટ કરેલા જૂના વિડીયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, તેઓ જાણે છે કે સરકારને એક દિવસ પોતાનો અહંકાર બાજુ પર મૂકીને ખેડૂતો સામે ઝૂકવું જ પડશે. આ ઉપરાંત પૂર્વ નાણામંત્રીએ ચિદમ્બરમ એ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, સરકારનો ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછો ખેંચવાનો નિર્ણય “ખેડૂતો માટે એક મહાન વિજય” છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો આ નિર્ણય હૃદય પરિવર્તનથી પ્રેરિત નથી પરંતુ “ચૂંટણીના ડર” દ્વારા પ્રેરિત છે.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોના આ આંદોલ્ન્ને ઐતિહાસિક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, જો સરકાર દ્વારા આ પગલું વહેલું ભરવામાં આવ્યું હોત તો 700 ખેડૂતોના જીવ બચી શક્યા હોત. જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતાં. હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે.

આ ઉપરાંત ગુજરાત આમ આદમીપાર્ટીના નેતા ઇસુદન ગઢવીએ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોની વાત પર સરકારનો ઉધડો લેતા સરકારને પ્રશ્નો કર્યા હતા કે, મારો કેન્દ્ર સરકારને એક સવાલ છે. સવા વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યાં, ખાલીસ્તાની કહ્યાં, આંદોલનજીવી કહ્યાં, એટલું જ નહીં 700થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યાં છે. એમના માટે કોણ જવાબદાર, એમના પરિવારનું ભરણ પોષણ હવે કોણ કરશે. ? જ્યારે બીજી બાજુ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે નિવેદન આપતા કહ્યું હતું કે, તેમણે હજુ પણ સરકાર પર વિશ્વાસ નથી. એટલે જ્યાં સુધી સંસદમાં કાયદો રદ કરવાની પ્રક્રિયા પૂરી નહીં થાય અને કાયદો સંપૂર્ણ રીતે રદ નહીં થાય થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે અને તેઓ દિલ્લીના આંદોલન સ્થળ પર જ બેસેલા રહેશે.

Most Popular

To Top