કેન્દ્રની મોદી સરકાર કેટલી નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને કામ કરે છે તેનું ઉદાહરણ આપું. હમણાં એક સમાચાર આવ્યા કે, સ્વીત્ઝરલેન્ડ પછી આપણો દેશ સૌથી વધુ રેલ્વેનું વિદ્યુતીકરણ (90% ઈલેક્ટ્રીક લાઈન) કરનારો દેશ બન્યો છે. ઘણાંને ખબર હશે કે, આ જે રેલ્વેનું 90% વિદ્યુતીકરણ કરાયું છે, તે આંકડો 2014માં કેટલો હતો? ફક્ત 37% વિચારો, કે જૂની એટલે કે કોંગ્રેસી સરકારો કેવી રીતે કામ કરતી હતી? કોંગ્રેસ સરકારની કામ કરવાની ગતિ દર વર્ષે ફક્ત 600 કિ.મી.ની હતી. આને મોદી સરકારે શાસનમાં આવીને 10 ગણી કરીને દર વર્ષે 6000 કિ.મી.નું રેલવેનું વિદ્યુતીકરણ કર્યું છે.
છેલ્લાં બે વર્ષથી આ ગતિએ રેલ્વેલાઈનોનું ઈલેક્ટ્રીફિકેશન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય 100% ઈલેક્ટ્રીફિકેશનનું છે. એટલે કે, વિશ્વમાં આપણે પ્રથમ ક્રમે હોઈશું. કામ કરવાની આવી ઝડપ ફક્ત રેલ્વે વિભાગ પૂરતી જ નહીં, પણ તમામ ક્ષેત્રે આવી જ ઝડપથી કામ થઈ રહ્યું છે. જેમાં મોદી સરકારની કાર્યનિષ્ઠાનાં દર્શન થાય છે. આની સામે વિપક્ષો પાસે કોઈ મુદ્દા જ નથી. તેથી લોકશાહી પર જોખમ છે, તેવી પિપુડી વગાડતા રહે છે.
મહુવા – નવનીત વહીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધર્મપરિવર્તન દેશના હિતમાં ખરું?
Dr બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે બૌધ્ધ ધર્મ અંગીકાર કરવાનો બનાવ કંઈક અંશે સારો અને નઠારો પ્રસંગ કહીએ તો ખોટું ન કહેવાય. બૌદ્ધધર્મ dr આંબેડકરે તારીખ 14-10-1956ના દિને એટલા માટે અંગીકાર કરેલો કે હિંદુ ધર્મમાં પ્રવર્તતી અસમાનતા, બદીઓ, ભેદભાવ અને અનેક પ્રકારની વિટંબણાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો એટલે કંટાળી ગયા હતા. શું ધર્મપરિવર્તનથી બધી સમસ્યાઓનો હલ થઇ શકશે ખરો? હાલમાં હિંદુ ધર્મમાં પૂજા પાઠ, ધાર્મિક સ્થળોએ પદયાત્રા વગેરે ખાસ કરીને ઉચ્ચ વર્ણનાં લોકો કરતાં પછાત વર્ગનાં લોકો વધારે જોવા મળશે તો શું ધર્મપરિવર્તનનો સાચો હેતુ બર આવશે ખરો? એક બાજુ આપણે રાજકીય સહિત બધી અનામતોનો લાભ મેળવવો છે તો પછી ધર્મપરિવર્તનથી ક્યા લાભ, ફાયદો થશે?
ધર્મપરિવર્તનથી અસમાનતા, ભેદભાવ માનસિકતામાં બદલાવ આવે ખરો? એક બાજુ આપણે હિન્દુ રાષ્ટ્ર્ બનાવવા તરફ આગેકૂચ કરી રહ્યા છીએ ત્યારે ધર્મપરિવર્તનની આને અસર થશે ખરી? આટલાં વર્ષો પછી પણ આંબેડકરના વિચારોનો ફેલાવો કરવાના બદલે ધર્મપરિવર્તન કેવી વિટંબણા? વિચારો સમાજવાદના પ્રણેતા કાલ માર્ક્સની સ્મશાનયાત્રામાં ગણ્યા ગાંઠ્યા લોકો હતા, છતાં તેમના વિચારનો ફેલાવો થયો જયારે આંબેડકરની સ્મશાનયાત્રામાં લાખો લોકો હોવા છતાં આંબેડકરના વિચારનો ફેલાવો નથી કરી શક્યા અને આંબેડકરે એટલા માટે જ કહેલું કે મારા રથને આગળ વધારી ન શકાય તો ચાલશે, પણ પાછળ ન લઇ જતા ધર્મપરિવર્તન કોઈ કાયમી ઈલાજ નથી. આપણે રોગીને સારો કરવાની દવા કરીએ છીએ તેની સાથે સાથે રોગને નાબૂદ કરવાના ઈલાજ શોધવા જોઈએ. ધર્મપરિવર્તન પણ તેવું જ છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.